ભારતમાં વી.વી.આઈ.પી. કલ્ચરનો દંભ કલ્પના બહારનો છે. આ શ્રેણીમાં સમાવેશ થતા મહાનુભાવો પોતાનાં સ્ટેટસને, પોતાની રહેણીકરણીને ,પોતાના અલગ અને દંભી વર્તનથી તેઓ પ્રજામાં ભળી શકતા નથી. પ્રજાથી ઉત્તરોત્તર તેઓ વિખુટા પડતા જાય છે. આવો મર્યાદા બહારનો દંભ દુનિયાનાં કોઈ પણ દેશમાં અસ્તિત્વ ધરાવતો નથી. લોકશાહીમાં પ્રજા જ અંતિમ સત્તા ધરાવે છે. પ્રજા જ સર્વોપરી છે. દુનિયાનાં વિકસિત કે શિક્ષીત પ્રજાના પ્રતિનિધીઓનાં દ્રષ્ટાંતરૂપ વર્તનનાં દાખલાઓ આપણી નજર સામે બનતાં હોય છે.
સ્વીડનનાં રાજા અને રાણી બે વર્ષ અગાઉ તેમણે ભારતનો પ્રવાસ એર ઇન્ડિયાના રેગ્યુલર ફ્લાઈટમાં કર્યો હતો. દિલ્હીનાં આગમન સમયે તેમણે એરલાઇન્સના સ્ટાફની વિનંતી હોવા છતાં પણ પોતાનું લગેજ પોતે જ ઊંચક્યું હતું . અબુ ધાબીનાં શેખ કે રાજા વિદ્યાર્થીઓનાં એક સમારંભમાં વિદાય થતી વખતે વિદ્યાર્થીઓનાં ટોળામાં એક વિદ્યાર્થીનીને હાથ મિલાવી ન શકતાં ખુદ શેખે બીજે દિવસે વિદ્યાર્થીનીનું સરનામું મેળવી તેમના ઘરે રૂબરૂ પહોંચી આશ્ચર્ય સર્જ્યું હતું.
બ્રિટિશ વડાપ્રધાન બોરીશ જોનસન સાયકલ સવાર થઈ જાતે જ બજારમાં શોપિંગ કરે છે. તેમજ તેમને ફાળવેલ સત્તાવાર સરકારી બંગલાને બદલે પોતાની શેરીમાં આવેલા નાના ઘરમાં વસવાટ કરે છે. બ્રિટનના ભુતપૂર્વ વડાપ્રધાન જેમ્સ કેમરુન લંડનની લોકલ ટ્રેનમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી પોતાની ફરજ બજાવે છે. રશિયાના પ્રમુખ પુટીન પણ સામાન્ય પ્રજા વચ્ચે હરતા ફરતા રહે છે. અમેરિકાનાં ભૂતપૂર્વ પ્રમુખ ઓબામા , તેમની પત્ની મિશેલ ઓબામા સાથે લશ્કરના નિવૃત્ત અધિકારીઓનાં સમારંભમાં અપાતા ડીનરમાં ભોજન પીરસવાની જવાબદારી સ્વીકારવામાં જરા પણ હિચકિચાટ અનુભવતા નથી, દુનિયાનાં સૌથી મોટા મૂડીપતિમાં ગણના પામતા બિલ ગેટ્સ જાતે સ્ટોરમાંથી પુસ્તકો ખરીદે છે.
શું ભારતનાં મહાનુભાવો આવું વર્તન કરી શકે ? તદ્દન અસંભવિત જ નહીં પરંતુ અશક્ય છે. આ મહાનુભાવો તો વિશાળ અતિ ખર્ચાળ આયોજન વિના પધારતા નથી. તેઓ તો સલામતી અધિકારીઓથી, તેમના અગણિત ટેકેદારોથી હંમેશા ઘેરાયેલા રહે છે. ફંકશનમાં સમયસર ન પધારવાની તેમની વિશેષતા છે. સલામતીનાં લોખંડી પહેરાથી સામાન્ય પ્રજા તેમની નજીક પણ ફરકી શકતી નથી કે પ્રજાનો અવાજ તેમના કાન સુધી પહોંચતો નથી. પ્રજાએ તો ફક્તને ફક્ત તેમની હાથ જોડતી મુદ્રાથી જ સંતોષ માનવો પડે છે .પ્રજા આશા રાખે છે કે ગાંધી યુગનાં નીવડેલા આગેવાનો જેવું વર્તન આજના મહાનુભાવો પણ રાખશે.
ભેસ્તાન – બી.એમ.પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.