સુરત: (Surat) ફટાકડાના ઉત્પાદનમાં કી-રો મટિરિયલ ગણાતા ગન પાઉડર, સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ અને ચારકોલની કિંમત વધતાં આ દિવાળીએ ફટાકડા (Crackers) મોંઘા (Expensive) પડશે. ડીઝલના ભાવો વધવાને લીધે પણ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં ઉત્પાદિત થતા ફટાકડા, ફૂલઝડી, ગનશોર્ટ અને આતશબાજી સહિતની વેરાયટીઓના ઉત્પાદિત ભાવો 15થી 20 ટકા વધી ગયા છે. હોલસેલ માર્કેટમાં ભાવો 20થી 25 ટકા વધતા રિટેઇલમાં તેના ભાવો 30થી 40 ટકા સુધી વધી ગયા (Rate Gain) છે. તેના લીધે સુરત જિલ્લાના ઓલપાડની કેટલીક સહકારી મંડળીઓ ચાલુ વર્ષે મોંઘા ફટાકડાને લીધે વેચાણથી દૂર રહી છે.
જિલ્લાના સહકારી આગેવાન જયેશ એન.પટેલે જણાવ્યું હતું કે, ફટાકડાના ભાવો વધુ હોવાથી ઓછા નફા અને માલ નહીં વેચવાના ભયને લીધે કેટલીક મંડળીઓએ ફટાકડાનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો હોઈ શકે છે. ગત વર્ષની સરખામણીએ ફટાકડાના સ્ટોલને પણ વધુ પરવાનગી આપવામાં આવી છે. કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી તહેવારોની પૂરતી ઉજવણી થઈ ન હતી. તેથી દિવાળીની ઉજવણી ચોક્કસ ધામધૂમથી થશે. રિટેઈલ માર્કેટમાં ફટાકડાની ખરીદી હજી શરૂ થઈ નથી. તેમ છતાં ફટાકડા વિક્રેતાઓ પાસે ચનનક તારા, કોઠી, લૂમ, ચકરડી, ગન શોર્ટ, રોકેટ, ફૂલઝડી, પેન્સિલ, સૂતરી બોમ્બ, ભીંતફાટ જેવા ફટાકડાનો પૂરતો સ્ટોક છે. ગયા વર્ષે ફટાકડાના વેચાણ માટે 145 સ્ટોલની મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે ફાયર વિભાગે 190 સ્ટોલને પરવાનગી આપી છે. આ સંખ્યા હજી વધી શકે છે. મોટા ભાગની ફટાકડા બનાવતી કંપનીઓએ મોંઘા ઉત્પાદન ખર્ચ સામે એમઆરપીની કિંમતો ઓવરવેલ્યુ રાખી છે. જેથી રિટેઇલર તેના નામે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપી શકે.
દિવાળી ગિફ્ટ તૈયાર
આવતા સપ્તાહથી દિવાળીનો તહેવાર શરૂ થઇ જશે. આ તહેવારની રોનક અનોખી જ હોય છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ તહેવારની ચમક થોડી ઝાંખી પડી ગઇ હતી પરંતુ આ વર્ષે સુરતીઓ બે વર્ષની કસર એક સાથે પૂરી કરવાના હોય તેવું હાલની સ્થિતિ પરથી જોવા મળી રહ્યું છે. કપડા, શુઝ ચંપલ, સુશોભનની ચીજવસ્તુઓ, લાઇટિંગ ડેકોરેશન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માટે બજારોમાં ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારે દિવાળીમાં મિત્રો અને સ્નેહીઓને ગિફ્ટ આપવાની પરંપરા છે જે આ વર્ષે પણ યથાવત રહી છે. કેટલીક મહિલા દિવાળી ગિફ્ટ પેક કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે. તો દિવાળીમાં પ્રવાસની તૈયારી પણ શરૂ થઇ ચૂકી છે અને તેના માટે બેગ્સની ખરીદી પણ લોકો કરી રહ્યાં છે.