ચીન એક વિશાળ અને મજબૂત દેશ છે. તેની ૨૨,૧૦૦ કિલોમીટર લાંબી સરહદ ભારત સહિતના ૧૪ દેશોને સ્પર્શે છે. તેમાંની ૩૪૮૮ કિલોમીટર લાંબી સરહદ ભારત સાથે છે. ભારતમાં પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી શરૂ થઈને ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીર સુધી ચીનની સરહદ ફેલાયેલી છે. ભારતને સ્વતંત્ર થયાને ૭૪ વર્ષ થયાં તો પણ તેની ચીન સાથેની સરહદનું સમાધાન થયું નથી. ભારત અને ચીન વચ્ચેની સરહદ મેકમોહન રેખાથી નક્કી કરવામાં આવી હતી, પણ તેમાં વિવાદ છે.
ચીન ભારતના અરુણાચલ પ્રદેશને તિબેટનો ભાગ માને છે, જેનો કબજો તેણે બળજબરીથી લઈ લીધો હતો. ૧૯૬૨ ના યુદ્ધમાં તેણે અક્સાઈ ચીન તરીકે ઓળખાતો પ્રદેશ આક્રમણ કરીને કબજે કરી લીધો હતો. લડાખમાં ભારતની વિશાળ જમીન પર ચીનનો કબજો છે. ચીન વારંવાર સૈનિકો મોકલીને વધુ ને વધુ ભારતીય જમીન પર કબજો કરવાની કોશિશ કરતું રહે છે, જેને કારણે સરહદ પર તંગદિલી સર્જાય છે. તાજેતરમાં ચીને પોતાની સરહદના વહીવટ માટે નવો કાયદો પસાર કર્યો તેને કારણે ભારતની ચિંતા વધી ગઈ છે. આ નવા કાયદાથી સરહદી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેને કારણે ચીનનું લશ્કર ભારત પર ઝડપથી હુમલો કરી શકશે.
ચીની સરકારની સ્ટેન્ડિંગ સમિતિએ તા. ૨૩ ઓક્ટોબરના રોજ લેન્ડ બોર્ડર લો નામનો કાયદો પસાર કર્યો, જેના થકી ચીનની રાષ્ટ્રીય સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર વચ્ચેનું સંકલન સરળ બનશે. આ કાયદાને કારણે ચીનની ૨૨,૧૦૦ કિલોમીટર લાંબી સરહદના વહીવટમાં એકવાક્યતા આવશે. આ કાયદાનો અમલ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૨ થી કરવામાં આવશે. આ કાયદામાં સાત ચેપ્ટર છે અને ૬૨ કલમો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચીનની ભૌગોલિક સલામતી બહુ મહત્ત્વની છે અને ચીનનું રાષ્ટ્રીય લશ્કર, સ્થાનિક પોલીસ અને સરહદ સલામતી દળ કોઈ પણ કિંમતે કોઈ પણ જાતના આક્રમણ, અતિક્રમણ કે ઘુસણખોરી સામે તેની રક્ષા કરશે.
ચીનના નવા કાયદામાં સરહદ સુરક્ષા માટે નદીઓ અને તળાવોનો ઉપયોગ કરવાની વાત પણ લખવામાં આવી છે. તેમાં નદીઓની અને તળાવોની સ્થિરતાની રક્ષા કરવાની વાત કરવામાં આવી છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે આ કલમ ભારતને નજરમાં રાખીને ઉમેરવામાં આવી છે. ભારતમાં આવતી બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમસ્થાન ચીનના કબજા હેઠળનું તિબેટ છે. જો ચીન બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધીને તેનું પાણી ભારતમાં આવતું રોકે તો આસામમાં દુકાળની પરિસ્થિતિ પેદા થઈ શકે છે. જો ચોમાસા દરમિયાન ચીન બ્રહ્મપુત્રા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડે તો આસામમાં પૂરની પરિસ્થિતિ પેદા થાય અને હજારો લોકોનાં મોત થઈ શકે છે. ચીન નદીનાં પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી શકે છે. નવા કાયદામાં લખ્યું છે કે ચીન પોતાની સરહદની રક્ષા માટે નદીનાં પાણીને નિયંત્રિત કરી શકે છે. તેનો અર્થ એવો થાય છે કે જો ભારત ચીન પર હુમલો કરવાની તૈયારી કરતું હોય તો ચીન બ્રહ્મપુત્રામાં પાણી છોડીને આસામમાં પૂરની પરિસ્થિતિ પેદા કરી શકે છે.
આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે ચીન પોતાની સરહદોની સુરક્ષા ખાતર સરહદી વિસ્તારોમાં આર્થિક અને સામાજિક વિકાસનાં કામો પણ કરી શકે છે. ચીન આ વિસ્તારોમાં જાહેર જનતાની સુવિધા માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ પણ કરશે. સરકાર સરહદી વિસ્તારમાં રહેતાં લોકોનું જીવનધોરણ સુધારવાના પ્રયાસો પણ કરશે. સરહદી વિસ્તારમાં ચીનનું લશ્કર, પોલીસ તંત્ર અને સ્થાનિક સંસ્થાઓ તેમ જ નાગરિકો હળીમળીને કામ કરશે. આ કલમના સૂચિતાર્થો ભારત માટે ખતરનાક છે. તે મુજબ ચીનની સરકાર સરહદી વિસ્તારોમાં રસ્તાઓ, પુલો, રેલવે, હેલિપેડ, વિમાની મથક વગેરે કામોને વેગ આપશે. વળી સરહદની સુરક્ષામાં નાગરિકોનો સહયોગ પણ લેવામાં આવશે. તેને કારણે જો લડાઈ થાય તો ચીનનું લશ્કર બહુ ઝડપથી સરહદ સુધી પહોંચી શકશે. તેમ જ સરહદની આરપાર ચાલતી ગતિવિધિઓ પર પ્રજાની નજર રહેશે.
૨૦૧૬ ની સાલથી ચીનની સરકાર ભારત સાથેની સરહદ પર ‘વેલ ઓફ્ફ વિલેજીસ’ નું નિર્માણ કરી રહી છે. આ ૧૧૨ ગામો તમામ પ્રકારની સુખસુવિધાઓ અને સંદેશવ્યવહારનાં સાધનોથી યુક્ત હશે. તેઓ ચીની લશ્કર માટે બોર્ડર પોસ્ટની ગરજ સારશે. જો તિબેટનાં કોઈ નાગરિકો સરહદ પાર કરીને ભારત જઈ રહ્યાં હોય તો તેની પર પણ તેઓ નજર રાખશે. ચીન દ્વારા ભારતનો જે પ્રદેશ ગેરકાયદે કબજે કરવામાં આવ્યો છે, તેની પરની પકડ મજબૂત બનાવવામાં પણ આ કાયદો મદદ કરશે. તેને કારણે ભવિષ્યમાં ભારત સાથેના સંબંધો કથળી પણ શકે છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું તે પછી ચીનના શિનજિયાંગ પ્રાંતમાં આતંકવાદીઓની ઘુસણખોરીનો ભય વધ્યો છે. શિનજિયાંગ પ્રાંતના ઉઇગર મુસ્લિમો દાયકાઓથી ચીનની ધૂંસરીમાંથી મુક્ત થવા સંઘર્ષ કરી રહ્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લોકોની સહાનુભૂતિ તેમની સાથે છે. શિનજિયાંગ પ્રાંતમાં શું ચાલી રહ્યું છે? તેના મીડિયામાં કોઈ સમાચાર છપાતા નથી. તેમાં સરકાર સામે આંદોલન કરતાં હજારો લોકો ગુમ થઈ ગયાં છે. ચીનની સરહદ પર આવેલા અફઘાનિસ્તાનના બાદશાહખાન પ્રાંતમાં આશરે ૫૦૦ આતંકવાદીઓ ચીનમાં ઘૂસવાની તૈયારી કરતા હોવાના સમાચારો હતા.
ચીનને ડર છે કે જો આ આતંકવાદીઓ શિનજિયાંગ પ્રાંતમાં પ્રવેશ કરશે તો ત્યાંનાં મુસ્લિમોને સરકાર સામે બળવો કરવા ઉશ્કેરશે. નવા કાયદાની સાતમી કલમ મુજબ આવી પરિસ્થિતિમાં આતંકવાદી ગતિવિધિને રોકવા માટે સ્થાનિક વહીવટીતંત્રે લશ્કરની મદદ કરવી પડશે. ચીનમાં વિયેટનામ અને મ્યાનમારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રોજીરોટીની તલાશમાં આવતાં રહે છે. ચીનને ડર છે કે તેઓ પોતાની સાથે કોરોના વાયરસ પણ લેતાં આવશે. આ રીતે બહારથી આવતાં કોઈ પણ લોકોને રોકવા માટે નવા કાયદાનો ઉપયોગ કરવામાં આવશે.
ભારત અને ચીન વચ્ચે નિયમિત થતાં છમકલાંના મૂળમાં બે દેશો વચ્ચેની સરહદનો અનિર્ણીત સવાલ છે. ૧૯૬૨ ના ભારત-ચીન યુદ્ધ પછી સરહદી વિવાદના ઉકેલ માટે સંખ્યાબંધ બેઠકો થઇ તે પછી બે દેશ વચ્ચેની સરહદ નક્કી થઈ શકી નથી. ભારત જેને પોતાની સરહદ માને છે તેને ચીન પોતાની સરહદ માનતું નથી. સરહદ બાબતમાં બંનેની માન્યતામાં ભિન્નતા છે. ચીનને લાગે છે કે લેહ અને લડાખ જેવા પ્રદેશો તિબેટના ભાગરૂપ હોવાથી ચીનમાં હોવા જોઈએ. ચીન તો અરુણાચલ પ્રદેશને પણ તિબેટનો દક્ષિણ ભાગ માને છે. આ કારણે અરુણાચલનાં નાગરિકોને ચીનના વિસા પણ આપવામાં આવતા નથી.
આ માન્યતાને કારણે ચીન જ્યારે તક મળે ત્યારે લડાખમાં અને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરે છે. વળી અક્સાઈ ચીન પરનો ચીનનો કબજો ભારતને મંજૂર નથી. જ્યાં સુધી આ મુદ્દાઓનો મંત્રણાઓ દ્વારા હલ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી સરહદ પર તંગદિલી રહેવાની છે. આ મંત્રણા સરકારના સ્તરે યોજાવી પણ જરૂરી છે. ભારત સાથેના કોઈ પણ સરહદી વિવાદમાં લશ્કરને વધુ સત્તા આપવી જરૂરી હતી. તે સાથે સરહદી વિસ્તારમાં રહેતાં લોકો પણ લશ્કરના સાથી બનીને કામ કરે તે જરૂરી હતું. આ પ્રક્રિયાને કાનૂની સ્વરૂપ આપવા ચીને જે કર્યું છે તેથી ભારતની સરહદ પરનો ખતરો વધી ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.