સુરત: (Surat) કોવિડ મહામારીને નિયંત્રિત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે સતત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં આરોગ્ય વિભાગ સતત ટેસ્ટિંગ (Testing) કરી કોન્ટેક્ટ ટ્રેસિગ કરીને કોવિડને નિયંત્રણમાં રાખવામાં આવી રહ્યું છે. આ તમામ કામગીરીને પરિણામે હાલમાં શહેરમાં કોરોનાવાયરસના (Corona) સંક્રમણને નિયંત્રિત કરવામાં સફળતા મળી છે અને ખૂબ ઓછા પ્રમાણમાં કોરોનાના કેસો આવે છે. પરંતુ દિવાળીમાં લોકો શહેર બહાર કે દેશની બહાર ફરવા જશે અને ત્યાંથી સંક્રમણ લઈને આવે તેવી શક્યતા હોય, મનપા દ્વારા દિવાળી (Diwali) બાદ ફરીને પાછા ફરનારાઓએ 72 કલાકનો આર.ટી.પી.સી.આર. (RTPCR) રિપોર્ટ આપવાનો રહેશે તેમ મનપા દ્વારા સૂચના આપવામાં આવી છે.
આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા હોવાથી ઘણા શહેરીજનો સુરત શહેર છોડી અન્ય શહેરમાં હરવા-ફરવાનાં સ્થળોએ જશે. જેથી જે લોકો બહાર હરવા-ફરવા કે પ્રવાસે જાય તેવા તમામ લોકો શહેરમાં પરત આવે ત્યારે તેવા તમામ લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો પણ તેઓ ફરજિયાત છેલ્લા 72 કલાકનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શહેરમાં પ્રવેશ મેળવે તેવી અપીલ કરવામાં આવી છે.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં કોરોનાના 3 કેસ પોઝિટિવ
સુરત: સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે અને રોજે રોજ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. મંગળવારે વિતેલા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એક સામટા 3 કેસ નોંધાયા છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 32193 થઇ છે. જયારે કુલ મરણની સંખ્યા 486 થઇ છે. સુરત જિલ્લામાં કોરોનામાં કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 31690 તેમજ હાલ એક્ટિવ કેસની સંખ્યા 17 થઇ છે.
શહેરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા
સુરત: શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા હતા જેમાં રાંદેર ઝોનમાં 2 અને અઠવા ઝોનમાં 3 કેસ નોંધાયા હતા અને તે સાથે જ કુલ આંક 1,11,703 પર પહોંચ્યો છે અને વધુ 3 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 98.50 ટકા પર પહોંચ્યો છે.