ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સમગ્ર રાજ્યમાં રોજના અંદાજીત ૩૪ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ૨૫.૧૮ લાખ મુસાફરોને પરિવહનની સેવા પૂરી પાડે છે. એસ.ટી નિગમ દ્વારા ગુજરાતના કુલ ૧૮,૬૭૬ ગામડા પૈકી ૧૮,૫૫૪ ગામડાને પરિવહનની સેવા થકી આવરી લેવામાં આવ્યા છે.
લગ્ન પ્રસંગોએ મધ્યમ અને ગરીબ લોકો માટેની વિશેષ કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ૧૧,૯૮૦ વાહનો થકી રાજ્યના ૯,૬૬૫ કુટુંબોએ લાભ લીધો છે. ગ્રામિણ વિદ્યાર્થીઓને ૮૨.૫૦% તેમજ વિદ્યાર્થીનીઓને ૧૦૦% રાહત દરે મુસાફરીની સુવિધા જેનો ચાલું નાણાકીય વર્ષમાં ૩ લાખ વિદ્યાર્થીઓ તેમજ ૩.૪૩ લાખ વિદ્યાર્થિનીઓએ રાહત દરે મુસાફરીની સુવિધાનો લાભ લીધો છે. નાગરિકોની સેવામાં છેલ્લા ૫ વર્ષમાં ૫,૭૮૫ નવી બસો સંચાલનમાં મુકવામાં આવી છે.
વર્ષ ૨૦૨૦-૨૧ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦૦ નવીન BS-VI વાહનો ખરીદવાની મંજૂરી મળી હતી જે પૈકી ૬૮૫ વાહનો સંચાલનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૩૧૫ વાહનો ઓકટોબર-૨૦૨૧ સુધીમાં સંચાલનમાં મુકવામાં આવશે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે મંજુર થયેલ ૧૦૦૦ BS-VI ડીઝલ વાહનો માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે.
લોકડાઉન દરમિયાન શ્રમિકો, કામદારો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, કોરોના વોરિયર્સ જેવા કે મેડિકલ સ્ટાફ, પોલીસકર્મીઓ વગેરેને પરિવહન સેવા પૂરી પાડી ૨૨,૯૫૩ બસ ટ્રીપ દ્વારા કુલ ૬,૯૯,૩૫૭ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે.
૨૨૪૯ ડ્રાઇવરના ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ પ્રાથમિક દસ્તાવેજ ચકાસણી પૂર્ણ કરી ટૂંક સમયમાં જ નિમણુંક આપવામાં આવશે. ૨૩૮૯ કંડકટર અને ૬૫૯ મિકેનિકલ સ્ટાફની ભરતી કરાશે. પરિણામે એસટી બસ પરિવહન તંત્રની કામગીરીમાં સુગમતા રહેશે.
ડિજિટલ સેવાસેતુ અંતર્ગત નિગમની બસ ટીકીટ અને મુસાફર પાસ ગ્રામ્યકક્ષાએ જ આમ જનતાને મળતા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના ૮૭ બસ સ્ટેશનો ખાતે મુસાફરોને ઇન્ટરનેટની સુવિધા મળી રહે તે હેતુથી ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાષ્ટ્રીય કક્ષાએ રોડ સેફ્ટી ક્ષેત્રે એસોસિએશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અંડર ટેકિંગ (ASRTU) દ્વારા સૌથી ઓછો અકસ્માત દર હાંસલ કરવા માટે કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી “ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રોડ સેફટી એવોર્ડ” વર્ષ ૨૦૧૯-૨૦ તથા વર્ષ ૨૦૨૦-૨૧ માટે જાન્યુઆરી-૨૦૨૧માં એનાયત કરવામાં આવ્યા છે જેમાં રૂ. ૪.૦૦ લાખનું પ્રોત્સાહન ઈનામ પણ પ્રાપ્ત થયું છે.