સુરત: (Surat) હીરા-ઝવેરાત ઉદ્યોગમાં તેજી હોવા છતાં રત્નકલાકારોને (Diamond Worker) ઓવર ટાઇમનું વેતન અને બોનસ એક્ટ મુજબનો પગાર નહીં ચૂકવાતા ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને 50 જેટલી ડાયમંડ કંપનીઓ સામે સુરતના ડેપ્યુટી લેબર કમિશ્નરને ફરિયાદ કરી હતી. તેના અનુસંધાનમાં લેબર વિભાગે (Labor Department) આજે કતારગામની મારૂતિ જેમ્સ અને વરાછાની ધરતી ડાયમંડ અને અરહમ ડાયમંડને બોનસ ચૂકવણી અધિનિયમ 1965 મુજબ બોનસ ચૂકવવા નોટીસ ઇશ્યૂ કરી છે.
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે 1500થી 2000 જેટલા રત્નકલાકારો હીરા ઉદ્યોગની આ જાણીતી કંપનીઓમાં કામ કરે છે. નવાઇની વાત એ છે કે બોનસ એક્ટની જોગવાઇ છતાં આ ત્રણેય કંપનીઓએ રત્નકલાકારોને દિવાળીનું બોનસ ચૂકવ્યું નથી. આ ત્રણેય કંપનીઓ ઉપરાંત બીજી 50 કંપનીઓ કુલ 75 હજાર જેટલા રત્નકલાકારોને લાખોનું બોનસ ચૂકવ્યું નથી. યુનિયનની ફરિયાદ પછી ડેપ્યુટી લેબર કમિશ્નરની કચેરીએ 3 ડાયમંડ કંપનીઓને નોટીસ આપી હોવાનું જણાવ્યું છે તથા આ મામલે ડાયમંડ એસો.ને પણ કાયદાનું પાલન કરાવવા તથા આ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું છે. લેબર વિભાગે એક સાથે 50 ડાયમંડ કંપનીઓ સામે ફરિયાદ મળતા બોનસ એક્ટની જોગવાઇ પ્રમાણે નોટીસની પ્રક્રિયા શરૂ કરી છે.
નિયમ પ્રમાણે ફરિયાદ મળ્યા પછી જે તે કંપનીને નોટીસ આપી ખુલાસો કરવાની તક આપવામાં આવે છે તથા કર્મચારીઓને લગતા ડોક્યુમેન્ટ મંગાવ્યા પછી જો કંપની કસુરવાર ઠરે તો કાનુની કાર્યવાહી કરવામાં આવે છે. નવાઇની વાત એ છે કે ડાયમંડ માઇનિંગ કંપનીઓની સાઇટ હોલ્ડર સીટ ધરાવતી કંપનીઓ પણ ઓવરટાઇમ, હક્ક રજા અને બોનસ મામલે કારીગરોના માનવ અધિકારનો ભંગ કરી રહી છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ મામલે ડીટીસી, અલરોઝા સહિતની માઇનિંગ કંપનીઓને પત્ર લખી જાણ કરવામાં આવશે એમ ભાવેશ ટાંકે જણાવ્યું હતું.