સુરત: મળ સાફ કરવાના કોન્ટ્રાક્ટમાં ડ્રેનેજ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડમાં આખરે ત્રીજા પ્રયત્ને આવેલા ટેન્ડરોમાં પ્રાઈસ બીડ ખોલીને કોન્ટ્રાક્ટ આપવાનો તેમજ જેને હાલમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આજે મનપાની સ્થાયી સમિતીમાં સભ્યો દ્વારા કરાયેલી ઉગ્ર રજૂઆતોને પગલે મ્યુનિ.કમિ.એ ઉક્ત પગલાઓ લેવાની સ્પષ્ટતા કરી હતી. સાથે સાથે આગામી બે જ દિવસમાં ત્રીજા પ્રયત્નના ટેન્ડરો ખોલી દેવામાં આવશે તેમ પણ મ્યુનિ.કમિ.એ જણાવ્યું હતું. ‘ગુજરાતમિત્ર’ દ્વારા સતત આ કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું હતું.
આજે મળેલી સ્થાયી સમિતીની મીટિંગમાં સભ્યો ભૂષણ પાટીલ, ચીમન પટેલ, દક્ષેશ માવાણી સહિતના સભ્યો દ્વારા આ કૌભાંડમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા કે જ્યારે બીજી વખતનું ટેન્ડર દફતરે કરાયું જ નહોતું તો ત્રીજા પ્રયત્નનું ટેન્ડર કેમ બહાર પાડવામાં આવ્યું. સાથે સાથે સભ્યો દ્વારા એવા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા કે પ્રાથમિક દ્રષ્ટિએ જ એવું દેખાય રહ્યું છે કે માનીતા ઈજારદારને કોન્ટ્રાક્ટ આપવા માટે જ ડ્રેનેજ વિભાગ દ્વારા આ રીતે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે.
- સ્થાયી સમિતીમાં સભ્યો દ્વારા ઠાલવવામાં આવેલા આક્રોશને પગલે મ્યુનિ.કમિ. દ્વારા જાહેરાત કરવામાં આવી
- આ પ્રાઈસ બીડ ખોલી જેને ખોટી રીતે કોન્ટ્રાક્ટ અપાયો છે તે ટેન્ડરરનું ટેન્ડર રદ કરાશે
સભ્યો દ્વારા ત્યાં સુધી પ્રશ્નો ઉઠાવાયા હતા કે જેને ટેન્ડર અપાયું છે તે ખોટી રીતે અપાયું છે. જેથી આ ટેન્ડર રદ થવું જોઈએ અને સાથે સાથે ત્રીજી વખતના પ્રયત્નોમાં જેનું ટેન્ડર આવ્યું છે તેનું પ્રાઈઝ બીડ પણ ખોલવામાં આવે.
સભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે સ્થાયી સમિતીની મીટિંગમાં મ્યુનિ.કમિ.એ એવું જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ આપવા માટે ત્રીજી વખત મંગાવવામાં આવેલા ટેન્ડરમાં જેનું ટેન્ડર ક્વોલિફાય થાય છે તેનું પ્રાઈઝ બીડ બે દિવસમાં ખોલી નાખવામાં આવશે અને સાથે સાથે આ પ્રાઈસ બીડને આધારે જેને બીજા પ્રયત્ને ટેન્ડર આપવામાં આવ્યું છે તેનું ટેન્ડર કેન્સલ પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ ડ્રેનેજ કૌભાંડ બહાર આવતાં જ ડ્રેનેજ વિભાગનો હવાલો સંભાળતા કાર્યપાલક ઈજનેર ઈ.એચ.પઠાણની પાસેથી ડ્રેનેજ વિભાગનો હવાલો લઈ લેવામાં આવ્યો હતો. હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા પ્રાઈસ બીડ ખોલવાની સાથે જેને ખોટી રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની સામે કયા પગલાઓ લેવામાં આવે છે તે જોવું રહ્યું.