સુરત: શહેરના સિટીલાઇટ વિસ્તારમાં (Surat Citylight) આવેલા વેસ્ટન કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાં ગઈ ૧૧મી ઓક્ટોબરે એક કરોડ રૂપિયા રોકડની ચોરી થઈ હતી. આ કેસમાં ખટોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી (MadhyaPradesh) બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને ભાઈઓએ 5 લાખ રૂપિયાનું દેવું ચૂકવવા ચોરીનો પ્લાન ઘડ્યો હતો.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ વેસ્ટર્ન કન્સ્ટ્રકશન કંપનીના ગોપાલ ડોકાણીયાની ઓફિસમાં ગત 11 ઓક્ટોબરે એક કરોડ રૂપિયાની ચોરી થઈ હતી. સીસીટીવીના (CCTV) આધારે ખટોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની (Surat Crime Branch) ટીમે તપાસ કરતાં બંને ચોરી કર્યા બાદ ઓટો રીક્ષામાં બેસી બસ સ્ટેન્ડ સુધી જાય છે. ત્યારબાદ આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે જાય છે.
ક્રાઈમ બ્રાંચના બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે મધ્યપ્રદેશ જઈ ત્યાંની પોલીસની મદદથી એમપાલ બિશન મંડલોઈ પટેલ (ઉ.વ.૨૦, રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. અને ત્યારબાદ તેના ભાઈ નેપાલ (ઉ.વ.26) ને ઝડપી પાડ્યો હતો. બંને સગા ભાઈઓ છે અને તેમના પિતા એક શાળામાં નોકરી કરતાં હતાં. પરિવારના માથે 5 લાખનું દેવું હોવાથી બંને ભાઈઓએ મળીને ચોરીનો પ્લાન ઘડી કાઢ્યો હતો. બંને ભાઈઓએ ચોરી કરીને ગામ પહોંચી ઘરની પાછળ ખેતરમાં ખાડો ખોદી માટલામાં રૂપિયા મુકી દાટી સંતાડી દીધા હતા. અને પોલીસથી બચવા પોતે ઇન્દોર રહેવા જતો રહ્યો હતો.
એમપાલ 6 મહિના ઓફિસમાં કામ કરી વીસ દિવસ પહેલા નોકરી છોડી
એમપાલ મંડલોઈ વેસ્ટર્ન કન્સ્ટ્રક્શન કંપની ખાતે 6 મહિના સુધી ઓફીસ બોય તરીકે નોકરી કરી હતી. અને વીસેક દિવસ પહેલા નોકરી છોડી વતન જતો રહ્યો હતો. ઓફીસમાં નોકરી કરતો હોવાથી કેશીયર ઓફીસમાં રહેતી તિજોરી અને તેની ચાવી ક્યાં મુકાય તેની પણ જાણકારી હતી. બાદમાં તેના મોટા ભાઈ નેપાલ મંડલોઈની સાથે ગામથી બસમાં બેસીને 10 ઓક્ટોબરે વહેલી સવારે નીકળી રાત્રે આઠેક વાગે ઓફિસમાં ગેટ નંબર 5થી પહોંચ્યા હતા. સરળતાથી ચાવી લઈ લોક ખોલી ચોરી કરી નીકળી ગયા હતા.
આટલી મોટી રોકડ જોઈ ઘણા દિવસ ઉંઘ નહોતી આવી
બંને ભાઈઓએ દેવુ ચુકવવા ચોરી કરી હતી. પરંતુ આટલી મોટી રકમ હશે તેની તેમને કલ્પના નહોતી. એક કરોડ રૂપિયા ઘરે લઈ ગયા પછી ઘણા દિવસ તેમને ઉંઘ નહોતી આવી. આટલા રૂપિયામાંથી તેમણે ગામમાંથી જ એક 15 હજારનો મોબાઈલ ફોન ખરીદી કર્યો હતો. આ સિવાયના રૂપિયા સંતાડી દીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ 98.80 લાખ, મોબાઈલ ફોન મળી 99 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
અન્ય એક કર્મચારીની પણ સંડોવણી હોવાની શક્યતા
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બંને આરોપીઓ સાથે એક અન્ય કર્મચારી સીસીટીવીમાં વાતચીત કરતો જોવા મળ્યો છે. તે અંગેની વધારે તપાસ ચાલી રહી છે. આ કામગીરી કરનાર ખટોદરા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની બંને ટીમને ઇનામ અપાશે. તથા વધુમાં તેમને કોઈ પણ સંસ્થામાં કર્મચારીને નોકરીએ રાખતા પહેલા તેના નામ અને સરનામાનું વેરિફીકેશન કરવા કહ્યું હતું. શક્ય હોય તો બાયોમેટ્રીક સીસ્ટમ હોય તેવી વ્યવસ્થા કરવી, ઓફિસ સમય પછી કોઈપણ વ્યક્તિની અવર જવર સિક્યોરિટીની જવાબદારી છે.