આ વર્ષે ફરી એક વાર ભૂખમરા અંગેના વૈશ્વિક સૂચકઆંકમાં ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ જણાઇ છે. ભારત આ ઇન્ડેક્સમાં ખૂબ પાછળના સ્થાને આવ્યું છે એટલે કે ભારતમાં ઘણા બધા લોકોને પૂરતા પ્રમાણમાં પોષક આહાર મળી શકતો નથી એમ આ સૂચકઆંક દર્શાવે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(જીએચઆઇ) ૨૦૨૧માં ભારત ૧૦૧મા સ્થાને ધકેલાઇ ગયું છે. આ વર્ષે ૧૧૬ દેશોને આ ઇન્ડેક્સમાં સમાવવામાં આવ્યા હતા, જેમાંથી ભારતનું આ સ્થાન આવ્યું છે.
ગયા વર્ષે તે ૯૪મા સ્થાને હતું, અને ત્યારે પણ તે લોકોને પોષણયુક્ત ખોરાકની બાબતમાં તેના પાડોશી દેશો કરતા પાછળ હતું અને આ વર્ષે પણ પાછળ જ રહ્યું છે. ભૂખમરા અંગેના આ વૈશ્વિક સૂચકઆંકમાં ચીન, બ્રાઝિલ અને કુવૈત સહીતના અઢાર દેશોએ પા઼ચ કરતા ઓછા સ્કોર સાથે ટોચનું સ્થાન બનાવ્યું છે. આ ઇન્ડેક્સમાં જ્યાં ભૂખમરો કે કુપોષણ વધારે હોય તેવા દેશોને વધુ સ્કોર સાથે પાછળના સ્થાને મૂકવામાં આવે છે એટલે કે આ દેશોમાં લોકો વધુ ભૂખમરો સહન કરે છે તે દર્શાવવાની સાથે તેમને પોષક આહારની બાબતમાં ખરાબ સ્થિતિ ધરાવતા દેશો ગણવામાં આવે છે અને તેમને પાછળનું સ્થાન આપવામાં આવે છે.
આયરિશ એઇડ એજન્સી કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મન સંગઠન વેલ્ટ હંગર હીલ્ફ દ્વારા સંયુક્તપણે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. તેમણે ભારતમાં ભૂખમરાની સ્થિતિને ચેતવણીસૂચક ગણાવી હતી. જો કે ભારત સરકારે કહ્યું છે કે આ ઇન્ડેક્સ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યો નથી અને ભારત સરકાર દ્વારા લોકોને પોષક આહાર પૂરો પાડવા બાબતે લેવામાં આવેલા પગલાઓની આ ઇન્ડેક્સ તૈયાર કરતી વખતે ઉપેક્ષા કરવામાં આવી છે. જો કે ભારત સરકારનો આ દાવો સાચો હોય તો પણ દેશમાં લોકોને પોષક આહાર મળવાની બાબતમાં બહુ સારી સ્થિતિ પ્રવર્તે છે તેમ કહી શકાય તેમ નથી એમ વિવિધ બાબતો પરથી સમજી શકાય છે.
ગયા વર્ષ એટલે કે ૨૦૨૦ના વર્ષમાં આ ઇન્ડેક્સમાં ૧૦૭ દેશોને સમાવવામાં આવ્યા હતા, જેમાંથી ભારતનું સ્થાન ૯૪મુ હતું, આ વર્ષે ૧૧૬ દેશો આ ઇન્ડેક્સમાં છે અને તેમાં ભારતનું સ્થાન છેક ૧૦૧મા ક્રમે આવ્યું છે, એટલે કે ભૂખમરાની બાબતમાં ફક્ત ૧પ દેશો જ એવા છે જેમની હાલત ભારત કરતા વધુ ખરાબ છે. ભારતના પાડોશી દેશોમાંથી નેપાળ ૭૬મા સ્થાને આવ્યું છે, જ્યારે બાંગ્લાદેશ પણ ૭૬મા સ્થાને છે જ્યારે મ્યાનમાર અને પાકિસ્તાન અનુક્રમે ૭૧મા અને ૯૨મા સ્થાને આવ્યા છે. આ દેશોમાં પણ પૂરતા પોષક આહારની બાબતમાં સ્થિતિ બહુ સારી તો નથી, પરંતુ લોકોને પોષણયુક્ત ખોરાક આપવાની બાબતમાં તેમણે ભારત કરતા તો સારી જ કામગીરી કરી છે.
આ ઇન્ડેક્સ ચાર ઇન્ડિકેટરોના આધારે તૈયાર કરવામાં આવે છે – કુપોષણ, પાંચથી નીચેની વયના બાળકોમાં ઉંચાઇના પ્રમાણમાં ઓછું વજન, પાંચથી નીચેની વયના બાળકોમાં ઓછી ઉંચાઇ અને પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુદર. આ ઇન્ડેક્સ તૈયાર કરતી વખતે રેન્ડમ સર્વે જેવુ પણ કરવામાં આવે છે જેમાં લોકોનો અભિપ્રાય પૂછવામાં આવે છે. ભારત સરકાર કહે છે કે આ ઇન્ડેક્સ તૈયાર કરવાની રીત યોગ્ય નથી. તે પુરતી વૈજ્ઞાનિક પદ્ધતિ નથી અને આ ઇન્ડેક્સ તૈયાર કરતી સંસ્થાઓ જવાબદારીપૂર્ણ રીતે વર્તી નથી અને તેમણે ભારત સરકાર દ્વારા ખાસ કરીને કોવિડ-૧૯ના રોગચાળા દરમ્યાન, લોકોને પોષક આહાર પૂરો પાડવાની બાબતમાં ભરવામાં આવેલા પગલાઓની ઉપેક્ષા કરી છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બાબતમાં ભારત સરકારે કરેલો દાવો સાચો પણ હોય તો પણ દેશમાં નાગરિકોને પોષક આહારની બાબતમાં ખૂબ સારી સ્થિતિ પ્રવર્તે છે એમ કહી શકાય તેમ નથી. ભૂખમરો નાબૂદ કરવાની બાબતમાં દેશમાં અત્યાર સુધી ખૂબ સારી કામગીરી થઇ છે અને દેશના ઘણા મોટા વર્ગને સખત ભૂખમરામાંથી છેલ્લા અનેક દાયકાઓ દરમ્યાન બહાર કાઢવામાં ક્રમશ: સફળતા મળી છે એ બાબતનો ઇન્કાર કરી શકાય તેમ નથી. પરંતુ વધતી જતી વસ્તી દેશના લોકોને પૂરતા પ્રમાણમાં પોષક આહાર આપવાની બાબતમાં પણ એક પડકારરૂપ જ રહી છે.
ખૂબ વધેલી વસ્તી, વધેલી મોંઘવારી અને સમાજના ઘણા મોટા વર્ગની મર્યાદિત આવક, શાકભાજીઓ અને કઠોળ સહિત વિવિધ ખોરાકી ચીજવસ્તુઓના ઉંચા ભાવો વગેરે બાબતોને કારણે ઘણા બધા લોકો પૂરતા પ્રમાણમાં પોષક આહાર મેળવી શકતા નથી અને વળી ભ્રષ્ટાચાર, વેપારીઓની માનસિકતા વગેરેને કારણે ખોરાકી ચીજવસ્તુઓમાં ભેળસેળ, હલકી ગુણવત્તાની વસ્તુઓ જેવી બાબતો પણ ખોરાકની ગુણવત્તા બગાડે છે અને આ બાબત પણ દેશના લોકોને યોગ્ય પ્રમાણમાં પોષક આહાર મળી રહે તે બાબતમાં અવરોધરૂપ બને છે.
આજે આટલા બધા તથાકથિત વિકાસ છતાં દેશના પ્રજાજનોનો એક મોટો વર્ગ ખૂબ મર્યાદિત આવક ધરાવે છે અને તેના કારણે તે પૂરતા પ્રમાણમાં પોષક આહાર મેળવી શકતો નથી તે એક કઠોર વાસ્તિવકતા છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પરથી ભારત અંગે ઉપસતું ચિત્ર સંપૂર્ણ સત્ય નથી તે સાચી વાત હોય તો પણ નાગરિકોને પોષક આહારની બાબતમાં દેશમાં બહુ સારી સ્થિતિ પ્રવર્તતી નથી તે સમજી શકાય તેવી બાબત છે.