Comments

પ્રજામાં ભુવા નામનાં ભૂત ઘૂસી ગયાં છે તેને કાઢવા ખૂબ જરૂરી

નવરાત્રિમાં કેટલાંક ભાઇ-બહેનોમાં ધુણવાનો ઉમંગ આવે. તેની પાછળ ઘણાં કારણો હોય. પોતે ખૂબ પવિત્ર છે અને પ્રભુના સીધી લીટીના પ્રતિનિધિ છે તેવું જાહેરમાં પ્રતિપાદિત કરવાનો એક ઇરાદો હોય છે. ઘણા લોકોને પોતાના ઘરના લોકો જ હેરાન કરતાં હોય તેમને સીધા રહેવાનો મેસેજ ધ્રુજારીથી અપાય છે. કોઇકને ઘરમાં કોઇ પૂછતું ન હોય, પણ માતાજી આવતા થાય પછી એમના ઘરમાં અને સમાજમાં ભાવ વધી જાય. કોઇકને જેન્યુઇન માનસિક સમસ્યા હોય. આ વર્ણવલી મુસીબતો વધારે પડતી મહિલાઓને નડે છે એટલે માતાજી આવવાનું પ્રમાણ તેઓમાં ઘણું બધું હોય છે. જે પુરૂષો ધુણે છે એ તો ‘માતાજીના ભુવા’ કહેવાય. મતલબ પ્રોફેશનલ ધુણનારા હોય છે. ધુણવાની દુકાન ખોલીને બેઠા હોય છે. લોકોને છેતરીને કમાણી કરે છે, શકય છે કે તેમાં અન્યથા મૂર્તિપૂજામાં નહીં માનનારા મુસ્લિમો પણ હોય છે.

અમારા ગામના સરપંચ આહિર હતા અને રોફવાળા હતા. નવરાત્રિમાં ગામના લોકોમાં ધૂણવાનું ઝનૂન વધી જાય છે. એમનો નિયમ હતો કે જે કોઇ પંડાલમાં ધૂણવા આવે એમને એક ટોળકી મારી મારીને અધમૂઓ કરી નાંખે. કોઇ સ્ત્રી હોય તો, બીજી સ્ત્રીઓ હાથપગેથી ઊંચકીને એના ઘરે મૂકી આવે. થયું એવું કે લોકો છેલ્લાં પચાસ વરસથી ધૂણતા નથી. અમારા ગામમાં એક સમયે ખૂબ સારા વિચારશીલ લોકો વસતા હતા. નવરાત્રિમાં એક ભાઇ ધૂણવા ચડયા. ગામના પૂજારીએ એ તથાકથિત માતાજીના રૂપમાં આવેલા ભાઇને પૂછયું કે, ‘ફરમાવો માતાજી. આપ શું કહેવા માગો છો?’ એ માતાજી-ભાઇ બોલ્યા કે, ‘ગામમાં નદી કાંઠે મારું સ્થાનક છે ત્યાં આજુબાજુ ગામ લોકો ગંદકી (ટોઇલેટ) કરે છે. મને તેની સામે વાંધો છે.’ પૂજારીએ વળતો સવાલ કર્યો કે, ‘આપ માતાજી તો સર્વશકિતમાન છો. જે લોકો ત્યાં ગંદકી કરવા આવે છે એમને ઝાડા પેશાબ છૂટી જાય એવી સજા માતાજી તમે શા માટે કરતા નથી? આ સાંભળી ધૂણનારા ભાઇની ધૂણ, ધ્રુજારી શમી ગઇ. આસ્તેથી ઘરે રવાના થઇ ગયા.

અગાઉ ગ્રામીણ લોકો પોતપોતાની રીતે મનોરંજનો શોધી લેતા હતા. ભવાઇ મંડળોનો એક અલગ જમાનો હતો. તેમાંની અમુક ઘટનાઓમાં પણ કોઇક ધૂણે, કોઇક ઓડિયન્સમાંથી ધૂણતું ધૂણતું ઊભું થાય. પોલિટિકલી કરેકટ રહીને, નામોલ્લેખ કર્યા વગર, કોઇક અન્ય લોકોને ‘હૂડ’ કાઢી નાખવાની ધમકી આપે. આ સૂડ અથવા હૂડ શબ્દની વ્યુત્પતિ હવે શબ્દકોષમાં શોધવી પડશે. લીલ, યજ્ઞ, ડાકલાં વગેરે વિધિમાં લોકો ધૂણે. દીવાળી બાદ વરસનું ફળકથન કહેવા ચૂંદડિયો બ્રાહ્મણ આવે તે ચેટકનો પ્રારંભ છેતરપીંડીથી મોંમાંથી નારિયેળ કાઢવાથી કરે.

હાથમાંથી કંકુ વરસાવે. જેની શરૂઆત છેતરવાથી થાય છે તે વરસનું ભવિષ્ય શું ભાખવાનો? સુરાપુરા કે સુરધન વારેતહેવારે અનુજના કે વંશના શરીરમાં આવીને ધૂણી જાય. અમારે ત્યાં એક સુરાપુરા જીવતા હતા ત્યારે તાજ સિગારેટ પીતા. ગુજરી ગયા. પણ પછી કોઇના શરીરમાં આવે ત્યારે ‘મને તાજ આપો’ એ ડિમાન્ડ મૂકતા. મજાની વાત એ છે કે કુટુંબની કોઇ મહિલા સભ્યના ખોળિયામાં આવતા તો તાજ છાપ સિગારેટ માગતા નહીં. બિચારી સ્ત્રીને કેવી રીતે પીતા આવડે? વળી આ સમાજના એક ઉચ્ચ તબકકાના ઘરની વાત છે.

આવી બધી વાતોને પચ્ચસથી પચાસ વરસ થઇ ગયાં. આવા ધતીંગોનું પ્રમાણ ઘટયું છે પણ સાવ દૂર થયું નથી. ઊલટાનું અમુક સ્થળોએ તેનું કેન્દ્રીકરણ થયું છે. મોટાં નગરોમાં અનેક દોષોનાં કપોળકલ્પિત કેન્દ્રો ફૂટી નીકળ્યાં છે. ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં પ્રવેશો ત્યારે એક મોટું યાત્રાધામ ભૂત-પલીત ભગાડવાની સેવા આપે છે. નાણાં અને ભકતો કમાવાની લાયમાં આ મંદિરે વેદાંત અને સનાતન ધર્મને ભૂતને માફક ભગાવી દીધો છે. ધર્મની ગાડી એવા અવળે પાટે ચડાવી દીધી છે કે હવે સવાલ એ છે કે આ ગોરખધંધાઓને કોણ રોકશે? તેઓ માર ખાઇ, ખવડાવી મોજમજા કરી જુદા પડી જતા હોય તો ઠીક છે.

પરંતુ મોટા ભાગના કિસ્સામાં એક અસહાય, નિર્દોષ મહિલાને અમાનુષી અત્યાચારનો શિકાર બનાવતા હોય છે. પોતાની પ્રસિધ્ધિ, પૈસો, સાચા હોવાનો અહમ અન્યોની ચિત્કારીઓને દબાવી દે છે. ગરમ સાંકળોથી સ્ત્રીઓને મારવી, ઊકળતાં તેલમાં હાથ બોળાવવા, પીઠ પર સાંકળો મારવી એ કાર્યો જે નરાધમ હોય તે જ કરી શકે. સુરતમાં થોડાં વરસો અગાઉ એક વણિક સમાજની યુવતીને એક આહિર ભૂવો નિર્દયતાથી વાળ ખેંચીને મારી રહ્યો હતો તે વિડિયો વાઇરલ થયો હતો. સરકાર પાસે કાનૂન છે પણ અભણતા પણ ભારોભાર છે. અમુક સમાજના મતો જતા ન રહે તે માટે અત્યાચારો ચલાવવા દે છે. વાસ્તવમાં એ કન્યાને ભુવા સુધી લઇ જનારા ભાઇ, ભાભી, મા-બાપને પણ લાંબા સમય માટે જેલમાં પૂરી દેવા જોઇએ અને પેલા ભુવાને ગરમ સાંકળોથી જ જાહેરમાં મારવો જોઇએ. સુરતનો એ ભુવો માર મારીને થાકી જાય ત્યારે ડોકટરે અને બી-કોમ્પલેકસનાં ઇન્જેકશનો આપવા પડતા.

દરેકમાં સૌથી મોટા વિલન પોલીસ અને સરકારી તંત્ર છે. પોલીસને બરાબર હપ્તા લઇને યાદ હોય છે કે ભુવાધૂનન પ્રોગ્રામ કોને ત્યાં યોજાય છે. પણ આગોતરા પગલાં ભરે તો દારૂના હપ્તા ઊઘરાવવા કોણ જાય? બન્ને જગ્યાએથી હપ્તાનો માર પડે. વલસાડ પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ રજા પર હતો ત્યારે છેક દમણ નાકા પર પહોંચીને, યુનિફોર્મ પહેરી દારૂના હપ્તા ઊઘરાવવાના કામે લાગી જતો. વલસાડથી ત્રીસ કિલોમીટર દૂર થાય. આને કહેવાય ફરજ, કામ અને યુનિફોર્મ પ્રત્યેની નિષ્ઠા. એમને સસ્પેન્ડ કરાયા જયારે વિડીયો વાઇરલ થઇ.

હમણાં દ્વારકા જિલ્લામાં પચ્ચીસ વરસની એક યુવતીનો ભુવાઓ અમાનુષી ત્રાસ ગુજારી પ્રાણ હરી લીધો. ભૂત નીકળવાનું બાજુએ રહ્યું, જીવ નીકળી ગયો. ધૂણીમાં લાલચોળ બનાવેલી લોખંડની સાંકળ વડે એને વારંવાર પીટવામાં આવી હતી. આવા બિમાર લોકોને પ્રેમ, સલામતી અને સધિયારાની ખાસ જરૂર હોય તેના સ્થાને રવ રવ નરકની યાતનામાં ધકેલવી તે કામ રાક્ષસો જ કરી શકે. મુખ્યમંત્રીનું રાજીનામું માગવું હોય તો આવા કારણસર માગવું જોઇએ.

શું માર ખાવાથી ભૂત બહાર નીકળે અને ભાગે તેવું કોઇએ જોયું છે? વાસ્તવમાં ત્યાં ઊભા રહીને ચૂપચાપ તમાશો જોતા લોકો પર પણ પોલીસ કેસ માંડવો જોઇએ તો જ આ કરપીણ તમાશા બંધ થશે. સદોષ માનવવધ ગણીને એ કારગુજારોને આજીવન, બેલ વગર, જેલમાં પૂરવા જરૂરી છે. પોલીસ ધારે તો અટકાવી શકે. માત્ર ભુવાને જ ચેતવણી આપવાની રહે. જે માર ખાય છે તેનો જ જીવ જાય છે. એને જ હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે. ભૂત માર ખાતું નથી, ભૂતનો જીવ જતો નથી કે હોસ્પિટલોમાં દાખલ કરવું પડતું નથી. જેને પોતાના દાંતમાં પડેલા અબજો બેકટરિયા દેખાતા નથી તેમને કોઇના શરીરમાં પેઠેલું ભૂત દેખાય એવું બને? એવું કશું હોતું જ નથી તો કયાંથી દેખાય?

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાના આરંભડાની રમીલા સોલંકીને એનો પતિ વાલો સોલંકી નવરાત્રિમાં ઓખામઢી ગામે ભૂવા પાસે લઇ ગયો હતો. ત્યાં એને ધૂણ ચડી. ભૂવો રમેશ સોલંકી તૈયાર હતો. એણે ગામલોકોને ચેતવણી આપી કે રમીલાનું ભૂત તમામ ગામ લોકોને ભરખી જશે માટે એને ધગધગતી સાંકળથી મારો. એને લાકડાની સળગતી મશાલોથી જલાવવામાં આવી. રમીલા તરફડતી મોતને શરણે થઇ. હવે રમીલાના સાસરિયા કુટુંબના પાંચ સોલંકીઓની પોલીસે ધરપકડ કરી છે. કોઇ કલ્પી શકે છે કે એક યુવતીને લાલચોળ સાંકળથી મારવી? જીવતા આગળથી જલાવવી તેનાથી હલકુ કૃત્યુ બીજું હોઇ શકે નહીં.

આ તે કંઇ જાતની ભકિત? સમાજના અને પોલીસના સંવેદનાના તાર એટલા બુઠ્ઠા થઇ ગયા છે કે માત્ર એક જ ચીજ તેઓને ઝંકૃત કરી શકે છે. પૈસો અને વધુ પૈસો. અમો શાળામાં હતા ત્યારે બાજુના ગામથી ભણવા આવતો ‘હડિયા’ અટકધારી છોકરો આવ્યો ન હતો. ખબર પડી કે રાત્રે એના કુટુંબે પૈસાનો ખજાનો મેળવવા એ છોકરાનો બલિ ચડાવી દીધો હતો. એ ખેડૂત કુટુંબ હતું. શાળાના વિદ્યાર્થીઓ ડઘાઇ ગયા હતા પણ પોલીસને એક નવો ગ્રાહક મળ્યો હતો. કેસને અકસ્માતમાં ખપાવી રાખી ટાળી નાખ્યો. સ્વપ્ન મુજબ જયાંથી દલ્લો મળવાનો હતો તે જગ્યા ખૂબ ખોદી, માત્ર માટી જ નીકળી. દીકરો પણ માટી થયો.-
વિનોદ પંડયા
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top