Dakshin Gujarat

ડાંગમાં સવારે અને સાંજે ગુલાબી ઠંડીનું મોજું ફરી વળતા વાતાવરણ આહલાદક બન્યું

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત આહવા પંથકમાં રવિવારે છૂટોછવાયો પાછોતરો વરસાદ (Rain) પડતા પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદે વિરામ લેતા દિવસ દરમ્યાન સમયાંતરે તડકો તો સમયાંતરે ઠંડીનો (Winter) અનુભવ જનજીવને કર્યો હતો. જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત આહવાનાં ગામડાઓમાં રવિવારે સવારે છ વાગ્યાથી બપોર બાદ ત્રણ વાગ્યા સુધીનાં અરસામાં તડકાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

રવિવારે ત્રણ વાગ્યા પછીનાં અરસામાં પર્વતીય ઢોળાવ પર આવેલા ગિરિમથક સાપુતારા સહિત આહવા પંથકનાં ગામડાઓમાં છુટોછવાયો પાછોતરો વરસાદ પડતા સર્વત્ર પંથકમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે દિવસ દરમ્યાન દ્વિચક્રીય વાતાવરણ સર્જાતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. વધુમાં ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સમી સાંજે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનું હળવું મોજુ ફરી વળતા વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.

નવસારીમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધતા 19.5 અને વલસાડમાં 19 ડિગ્રી નોંધાયું

નવસારી, વાપી : નવસારી આજે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી તાપમાન વધતા 19.5 ડિગ્રી અને વલસાડમાં પણ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. નવસારીમાં ગત રોજ અચાનક લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ગગડીને 16.4 ડિગ્રી નોંધાયું હતું. જેથી નવસારીમાં ઠંડીની શરૂઆત થઈ ચુકી હોય એમ લાગ્યું હતું. પરંતુ આજે ફરી નવસારીમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધ્યું છે. જેથી ફરી નવસારીમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો.

રવિવારે નવસારીમાં લઘુત્તમ તાપમાન 3.1 ડિગ્રી વધતા 19.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડીને 35 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 86 ટકા જેટલું ઉંચુ રહ્યું હતું. જ્યારે આજે ઉત્તર-પશ્ચિમ દિશાએથી 3.5 કિ. મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા. એજ રીતે વલસાડમાં પણ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને
મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા રહ્યું હતું.

Most Popular

To Top