ગોધરા: શહેરા મામલતદાર દ્વારા પાદરડી, માતરીયા વ્યાસ સહિતના અનેક ગામોની ઓચિંતી મુલાકાત લઇને રેશનકાર્ડ ધારકોને એકત્રીત કરીને સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો પુરતો જથ્થો મળે છે કે નહીં તે માટેની તપાસ હાથ ધરી હતી. મામલતદાર સમક્ષ રેશનકાર્ડ ધારકોએ અમુક દુકાનદારો અનાજનો જથ્થો ઓછો આપવા સહિત રૂપિયા વધુ લેતા હોવાની રજૂઆત કરી હતી.જોકે મામલતદારે પાછલા બે વર્ષ દરમિયાન અનેક સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ જોવાતા ૧૧ જેટલી દુકાનો સસ્પેન્ડ કરી હતી. શહેરા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં 95 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે.
મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા અમુક સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો ઓછો આપતા હોવાની માહિતી તેઓને ખાનગી રાહે રેશનકાર્ડ ધારકો પાસેથી મળી હતી. જેને લઇને માતરીયા વ્યાસ, પાદરડી, ખરેડીયા સહિત અન્ય ગામોમાં મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા આ ગામોમાં પહોંચી જઈને સસ્તા અનાજની દુકાનોના રેશનકાર્ડ ધારકોને એકત્રિત કરીને મળવાપાત્ર જથ્થો તેમને કેટલો મળી રહયો હોવા સહિત તેના રૂપિયા કેટલા લેવામાં આવે છે. અને સસ્તા અનાજના દુકાનદારો પાક્કી પહોંચ આપે છે કે નહી તે પૂછવા સહિત જરૂરી તપાસ હાથધરી ને કાયદેસરની કાર્યવાહી આ મામલે કરવામાં આવી રહી છે. મામલતદાર દ્વારા તાલુકાના અમુક ગામોમાં રેશન કાર્ડ ધારકોની ઓચિંતી મુલાકાત દરમિયાન રેશનકાર્ડ ધારકો ની રજૂઆતો સાંભળતા મામલતદાર પણ ચોકી ઉઠયા હતા.