અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં કેટલાક અજાણ્યા ઇસમોએ વફાદાર શ્વાનના (Dog) ખાવામાં ઝેર નાંખતાં બે તંદુરસ્ત બચ્ચાંનાં મોત થયાં છે. જ્યારે એક શ્વાન જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. શ્વાનપ્રેમીઓએ પોલીસ ફરિયાદ કરવા કવાયત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ કોઇ ઇસમોએ અહીંના શ્વાનોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા હતા.
સામાન્ય રીતે શ્વાન તેની વફાદારીના પગલે પ્રખ્યાત છે. ત્યારે વફાદાર પ્રાણીને ઝેર આપી મોતને ઘાટ ઉતારાયાનો એક કિસ્સો અંકલેશ્વરના કાઝી બજારમાં બનવા પામતાં શ્વાનપ્રેમીઓમાં નિરાશા છવાઇ છે. અંકલેશ્વરના કાઝી ફળિયામાં ફરતા શ્વાનોને ત્યાંના રહીશો દ્વારા દૂધ, બિસ્કિટ ખાવાનું આપવામાં આવે છે. આ શ્વાનોને કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા કોઇ કારણોસર ખાવાનું આપવાના બહાને તેમાં ઝેર ભેળવાતાં બે શ્વાનનાં બચ્ચાંનાં મોત નીપજતાં શ્વાનપ્રેમીઓએ પોલીસ ફરિયાદ કરવા કવાયત કરી છે. તેમના જણાવ્યાનુસાર આ અગાઉ પણ કોઇ ઇસમોએ અહીંના શ્વાનોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા હતા. આજે પણ તે જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. જેમાં બે તંદુરસ્ત બચ્ચાનાં મોત થયાં છે. જ્યારે એક શ્વાન જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આવાં તત્ત્વોને યોગ્ય સજા મળે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
વાવ ગામે ત્રણ ભેંસ અને બે ગાયને કરંટ લાગતાં મોત
કામરેજ: વાવ ગામની હદમાં ચારા માટે ખેતરમાં ગયેલી ત્રણ ભેંસ અને બે ગાયને (Buffalo cow) એગ્રીકલ્ચરનો જીવંત વીજતાર અડી જતાં મોત નીપજ્યાં હતાં. વીજ પ્રવાહવાળો જીવંત વીજ તાર વીજપોલમાંથી તૂટીને જમીન પર પડતાં ત્રણ ભેંસ અને બે ગાયને કરંટ લાગ્યો હતો. મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના કાજાવદર ગામના વતની અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે પારસી ફળિયામાં લાલાભાઈ વિરાભાઈ જાદવ રહે છે. તેઓ પશુપાલનનો ધંધો કરે છે. બુધવારે સાંજે 4 કલાકે વાવ ગામની હદમાં આવેલા બ્લોક નં.411 વાળી પડતર જમીનમાં પોતાના પશુઓને ચાર માટે લઈ ગયા હતા. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની એગ્રીકલ્ચર લાઈનનો ચાલુ વીજ પ્રવાહવાળો જીવંત વીજ તાર વીજપોલમાંથી તૂટીને જમીન પર પડતાં ત્રણ ભેંસ અને બે ગાયને કરંટ લાગતાં મોત નીપજ્યાં હતાં. જે અંગે કામરેજ પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.