Charchapatra

થોભ નહીં તો થાકી જઈશ

ઘોંઘાટ અને ગતિથી ગ્રસ્ત આ કાળમાં માનવ અતિશય ત્રસ્ત થયો છે. તેની પાસે વિચારવા કે વિસામો ખાવા વખત નથી. તેના માટે હાશ કે હળવાશ જેવા શબ્દો પરાયા બની ગયા છે. સ્ટ્રેસભર્યા જીવનના કારણે અનેક પ્રકારના રોગોનો ભોગ બની ગયો છે. પળભર થોભીને જીવન કે જગતને જોવા, જાણવા કે સમજવાનો આપણને સમય જ ન હોય તો એવા ઉપલકિયા અને ચિંતાગ્રસ્ત જીવનથી શો ફાયદો? પ્રકૃતિ સાથે નિરાંતે ન બેસીએ તો આપણી તબિયત અને આપણો સ્વભાવ સ્વસ્થ રહી શકે નહીં.

ગતિના ગાંડપણે માણસની દ્રષ્ટિ ધૂંધળી બનાવી દીધી છે તો ઘોંઘાટના પ્રદૂષણે  વિચારશક્તિ બુઠ્ઠી બનાવી દીધી છે. પરિણામે જડતા જ જીવનમાં પર્યાય બની ગઈ છે. શાંતિ, સમાધાન, સંતોષ, સહજતા આ બધી વાતોનું જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે પરંતુ માનવ એ સદંતર વિસરી ગયો છે. ભીતરથી ભગ્નાવશેષ થયેલો આ માનવ પોતાની આંતરિક કંગાલિયતને છુપાવવા માટે ઘણી વાર બહારના વિશ્વમાં આંધળી દોટ મૂકે છે. પોતાના વ્યક્તિત્વની ઊણપને બાહ્ય વૈભવ કે વસ્તુઓની વિપુલતાથી ભરવાનો મિથ્યા પ્રયાસ કરે છે. આવા માનવને કહેવું પડે કે થોભ નહીં તો થાકી જઈશ.

હિમાલયની ચોટી અને ગ્રહ પર પહોંચનારો માનવ પોતાના અંગત જીવનમાં મૂઠ્ઠીભર પણ ઊંચો ઊઠી શકતો નથી. બહિર્મુખી પ્રતિભા પાછળ પાગલ બનેલો માનવ આંતરવૈભવ ખોઈ બેઠો છે. પોતાની જાત સાથે બેસવાનું જોખમ ખેડવાની હામ હારી બેઠો છે. જે જાતને જીતે તે જ જગદીશને જીતે. એકાંતથી અકળાતો માણસ ભીડમાં ભળી જવા ઉતાવળો થાય છે. ભીડમાં પોતાની જાતને ભૂલવી સહેલી છે. પરંતુ આત્મસાક્ષાત્કાર શક્ય નથી. પોતાનાથી ભાગતા પલાયનવાદી માનવીને કહેવું પડે કે,”થોભ નહીં તો થાકી જઈશ!” વિશ્વ સકલને જોવા પરમેશ્વરને પામવા મનને જીતવું પડે. મન પ્રસન્ન તો સર્વત્ર સ્વર્ગ અને મન દુઃખી તો બધે જ નરક. માટે મનને સુખી કરવા આડંબર છોડી થોભ, માનવ થોભ, નહીં તો થાકી જઈશ.  
– નીરુબેન બી. શાહ           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top