Business

પુખ્ત વયના લોકોમાં કેમ વધી રહ્યું છે બાળકોની કાર્ટૂન ફિલ્મો જોવાનું ગાંડપણ?!

અચંબો-આશ્ચર્ય-વિસ્મય્-કૌતુક ને હોઠ પર રમી જતું એક સ્મિત… આવો ભાવ કોઈના પણ ચહેરા પર રમતો દેખાય તો અચૂક માનજો એ ટીવી સ્ક્રીન પર કાર્ટૂન ફિલ્મ જોઈ રહ્યો છે! મોટેભાગે આવા નિર્દોષ મનોભાવ આપણને બાળકના ચહેરા પર જોવા મળે. એક સમય એવો હતો કે TV પર આવતી કાર્ટૂન સ્ટ્રીપ જોવાં બાળકો પડાપડી કરતા. મમ્મી-પપ્પા પણ જાણતાં કે સંતાન માટે આ સૌથી નિર્દોષ મનોરંજન વત્તા પાસટાઈમ છે. જો કે પાછળથી ડોનાલ્ડ ડક- મિકી માઉસ- જેરી-ગૂફી- ફિલ્નટસ્ટોન જેવાં કાર્ટૂન કેરેકટર્સ -પાત્રોનો એવો ખતરનાક કેફ બાળકોને ચઢવા માંડ્યો કે મા-બાપે આવી કાર્ટૂન ચિત્રપટ્ટી જોવાં પર ન છૂટકે અંકુશ મૂકવો પડ્યો. ઘરલેશન કર્યા પછી જ અમુક સમય જ આવી કાર્ટૂન ફિલ્મ્સ જોવાં મળે એવો ચુસ્ત નિયમ અમલમાં આવ્યો.

આ તબક્કે વર્ષો પહેલાં જોયેલું એક દૃશ્ય યાદ આવે છે. કોલકાતામાં એ વખતે એક સાથે બે ફિલ્મ ફેસ્ટિવલ યોજાયા હતા. એક હતો વિદેશી ફિલ્મ્સનો અને બીજો હતો બાળકો માટેની ફિલ્મોનો. બન્ને એક જ સંકુલમાં બાજુ બાજુનાં બે ઑડિટોરિયમમાં. એ જમાનામાં આવાં ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં અન-સેન્સર્ડ ફિલ્મો રજૂ થતી. પ્રેસ પ્રીવ્યુની સાથે પબ્લિક માટે પણ એનાં જે સીમિત શૉ થતાં એ જોવા ભારે ધસારો થતો. અમારા પ્રેસ પાસ પણ ત્યારે બ્લેકમાં વેચાતા જયારે બાજુના ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં કાગડા ઊડતા .. સેન્સર ન થયેલી વિદેશી ફિલ્મો જોવા માટે સાવ બાળકની જેમ વર્તતા દર્શકો વિશે એ વખતે અમારા એક પત્રકારમિત્રે એના અહેવાલમાં માર્મિક ટકોર કરી હતી : ‘રમકડાંની દુકાન જોઈને જેમ બાળકો ગાંડાં-ભૂરાયાં થાય તેમ પુખ્ત વયના દર્શકો વિદેશી ફિલ્મો જોવા ઘાંઘાં થયા હતા!’ જો કે , આજે સિનારિયો પલટાયો છે. વર્ષો પહેલાં જે કાર્ટૂન નેટવર્કના શૉ માત્ર બાળકો જોતાં એને હવે યુવાનો- વડીલો પણ જોવામાં સામેલ થવા લાગ્યા છે અથવા તો કહો કે એમને ય બાળકોના મનોરંજ્નનો ચસ્કો લાગ્યો છે.

એક સમય એવો હતો કે આપણે ત્યાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન- વિજ્ઞાનના પાઠ શીખવી શકે એવી બાળ-ફિલ્મો ભાગ્યે જ તૈયાર થતી. પાછળથી બાળકોના ચાચા નહેરુના ખાસ કહેવાથી અને એમાં સક્રિય રસ લેવાથી બાળ ફિલ્મોનાં નિર્માણ તરફ સરકારે સકારાત્મક કદમ ઉઠાવ્યા અને સરકારી ‘ચિલ્ડ્રન’સ ફિલ્મ સોસાયટી-ઈન્ડિયા’ (CFSI) ની વિધિવત સ્થાપના થઈ પછી ઉત્તરોત્તર વધતી જતી પ્રવૃતિઓનાં પરિણામે અત્યાર સુધીમાં દસેક ભારતીય ભાષામાં ૨૫૦થી વધુ બાળ-ફિલ્મોનું નિર્માણ થયું છે. જો કે એમાં ઍનિમેશન કે કાર્ટૂન ફિલ્મોનું પ્રમાણ અન્ય દેશોની સરખામણીએ ઘણું ઓછું રહ્યું એનું પ્રાથમિક કારણ એ કે તે સમયે આપણે ત્યાં ઍનોમેશન માટેની જરૂરી ટેક્નોલોજી ન હતી. કાળક્ર્મે બાળ-ફિલ્મો તો બનવા માંડી, પણ સંખ્યાબંધ પ્રાઈવેટ ટેલિવિઝન ચેનલોના સામુહિક આગમન પછી પણ બાળકો માટેની કાર્ટૂન ફિલ્મ્સનો અભાવ જ રહ્યો. એ વખતે ,જે કાર્ટૂન ફિલ્મો દર્શાવવવામાં આવતી એમાં ૮૦-૮૫ % ફિલ્મો વિદેશી રહેતી અને ૧૫ % સ્વદેશી.

આ બધા વચ્ચે, છેલ્લાં છએક વર્ષમાં અચાનક દ્રશ્ય જ જાણે પલટાઈ ગયું. ન્યૂઝ-વ્યૂઝ અને એન્ટેરટેઈમેન્ટની ચેનલોની સમાંતરે માત્ર બાળકો માટેના જ શૉ રજૂ કરતી કેટલીક ખાસ ચેનલોની એન્ટ્રી થઈ. શરુઆતમાં માત્ર ૪ કિડ્સ ચેનલ હતી. પછી દેશ પણ ખરા અર્થમાં ડિજિટલ યુગમાં પ્રવેશી ગયું એ સાથે આવી ચેનલ છ ગણી વધી ગઈ- ચારમાંથી ૨૪ થઈ અને આજે પરિસ્થિતિએ એવો તીવ્ર વળાંક લીધો છે કે ભારતીય ટીવી સ્ક્રીન પર રજૂ થતાં ટોપ ૨૦માંથી ૧૫ કાર્ટૂન શો ‘મેઈડ ઈન ઈન્ડિયા’ એટલે કે શુધ્ધ સ્વદેશી – ભારતીય છે. એટલું જ નહીં, એની કથાવસ્તુ- વાર્તાથી લઈને એની ડિજિટલ રજૂઆત સુધ્ધાં વિદેશી કાર્ટૂન શોને ટ્ક્કર આપીને મહાત કરે એવી છે.

બીજાં દેશોની સરખામણીએ આપણે ત્યાં શરુઆતથી જ બાળકોનાં મનમાં પ્રત્યેક્ષ- પરોક્ષ રીતે ધાર્મિક કથા અને એનાં પાત્રો પ્રવેશી ગયાં હોય છે એટલે શરુઆતનાં વર્ષો બાદ કરો તો મટ એન્ડ જેફ કે મિકી માઉસ- ડોનાલ્ડ ડ્ક જેવાં કોમિક પાત્રોની જગ્યાએ આજે આપણા ભીમ- કૃષ્ણ -રામ- હનુમાન આબાદ ગોઠવાઈ ગયા છે ને ખાસ્સા લોકપ્રિય પણ બની ગયાં છે. એમાંય આ પાત્રોનાં બાળ સ્વરુપ, ખાસ કરીને રાહુલ ગાંધીના પ્રિય એવાં ‘છોટા ભીમ’ ઉપરાંત, ગોળમટોળ ગણેશ અને હનુમાન પણ આજે કિડ્સ ચેનલોના સુપર સ્ટાર્સ છે!      કોરોના-કાળે અનેકોની દુનિયામાં અકલ્પ્ય ઊંધા-ચત્તું કરી નાખ્યું છે. લોકડાઉન-ઘરબંધીને લીધે ‘વર્ક ફ્રોમ હોમ’ નું ચલણ વધ્યું એ સાથે ટાઈમપાસ મનોરંજન માટે ટેલિવિઝન જોવાનું વધ્યું. ન્યૂઝ પછી ‘OTT’ પ્લેટફોર્મ પર વેબ સીરિઝના દર્શકો વધ્યા એની સાથે બાળકોમાં પણ કાર્ટૂન શોઝની વ્યૂરશિપ છેલ્લાં દોઢેક વર્ષમાં વધીને ૩૧ % પર પહોંચી ગઈ છે.

સામાન્ય સંજોગોમા કામ -વ્યવસાયને કારણે ક્લાકો સુધી પોતાનાં ઘરથી બહાર રહેતા લોકોને લોકડાઉનના આ સમયમાં પત્ની – સંતાન- વડીલો સાથે વધુ સમય ગાળવાની તક મળી એના કારણે મમ્મી-પપ્પા,ખાસ કરીને, પપ્પા બાળક સાથે વધુ સમય ગાળતાં થયા અને પપ્પા પણ પોતાના બાળક્ને કંપની આપવા કિડ્સ કાર્ટૂન શો જોતાં થઈ ગયા. એટ્લું જ નહીં, એમને પણ બાળકોના આવા શો જોવાનો શોખ વળગી ગયો !   લોકપ્રિય OTT પ્લેટફોર્મ ‘નેટફ્લ્કિસ’ દ્વારા થયેલાં સર્વેનાં તારણ પણ કહે છે કે કોરોનાની ઘરબંધી દરમિયાન અને એ પછી ૬૦% ઘરના લોકો એમનાં સંતાન સાથે કિડસ શો જોતાં થઈ ગયાં છે. એ જ રીતે, બાળક સાથે હોય કે ન હોય તોય એકલા એક્લા, કાર્ટૂન શો જોનારા પુખ્તવયના લોકોની ટકાવારીમાં ખાસ્સો ૮૦ %થી પણ વધારો નોંધાયો છે ! કારણ શું ?

 -તો બાળ – ફિલ્મોના સમીક્ષકો અનુસાર નવાઈ લાગે અને આશ્ચર્ય થાય એવી વાત એ છે કે આમ પ્રેક્ષકો માટે બનતી ફિલ્મોની સરખામણીએ આ કિડસ ફિલ્મોમાં વધુ સુનિશ્ચત-સુદ્રઢ સ્ટોરી પ્લોટ હોય છે. એનાં કાર્ટૂન પાત્રામાં માનવસહજ બધી જ ખૂબી- ખામીઓ હોય છે. એ ઈર્ષા કરી જાણે છે- એ વેર લઈ શકે છે- એ માયાળુ પણ હોય છે …અને આ બધુ જ બાળસહજ નિર્દોષતાથી પેશ થતું હોવાથી એ બધા જ વર્ગના પ્રેક્ષકોને સ્પર્શી જાય છે… -અને એટલે જ દર્શકો પણ કહે છે કે ‘એ હસમુખાં કાર્ટૂન પાત્રો અમને સહજ રીતે હસવીને અમારું બધા જ પ્રકારનું ટેન્શન હળવું કરી નાખે છે..’ આખિર  દિલ તો બચ્ચાં હૈ જી..!

Most Popular

To Top