કાલોલ: કાલોલ શહેરમાં ગુરૂવારે રાત્રે પાલિકા કચેરીના પાછળના વિસ્તારમાં આવેલી અને ખુબ જુની તો નહીં પરંતુ ભ્રષ્ટાચારના ભોગે મહદઅંશે જર્જરિત બની ગયેલી પાણીની ટાંકીના સિમેન્ટના પોપડાઓ તુટીને પાણીની ટાંકી નીચે વસવાટ કરતા લોકોના ઘરોમાં પડતા આ વિસ્તારમાં રહેતા લોકોને માથે જીવનું જોખમ ઊભું થતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. જે ઘટના અંગે અસરગ્રસ્ત રહીશોએ સવારે પોતાના મત વિસ્તારના હાલના કોર્પોરેટરને તુટી પડેલા સિમેન્ટના પોપડાઓ સહિત રાત્રે ઘટેલા જોખમ અંગે જાણકારી આપતા આ વિસ્તારના કોર્પોરેટર ગૌરંગ દરજીએ પણ જર્જરીત ટાંકીના અસ્તિત્વ અને જોખમ અંગે પાલિકાતંત્રને લેખિત રજૂઆત કરતા સવાલો ઉભા થયા છે. કાલોલ શહેરમાં વર્ષ ૧૯૯૦ની આસપાસ બનેલી ૧૦ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકી અત્યારે પણ શહેરના અડધા વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડે છે, જોકે પાલિકા તંત્રની ઉદાસીનતાએ સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાંકીનું પાણીનું લેવલ જોવા-ચકાસણી કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી, ટાંકીના ઢાંકણ માટેની જાળીઓ પણ રહી નથી.