ગાંધીનગર મનપાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ખાસ કરીને શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેક છેલ્લી ઘડીના પ્રયાસના ભાગરૂપે મતદારોને રીઝવવા માટે મેગા રોડ શો યોજવામાં આવ્યો હતો. ભાજપના રોડ શોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કાર તેમજ બાઈક સાથે જોડાયા હતા. ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે રવિવારે તા.3જી ઓક્ટોબરે મતદાન યોજાનાર છે.
કોંગ્રેસના પ્રચારમાં ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા પણ જોડાયા હતા. ખાસ કરીને ચાવડાએ રોડ સો દરમ્યાન કહ્યું હતું કે ગાંધીનગરમાં મતદારો ભાજપ વિરોધી છે. કોરોનામાં સરકારની નિષ્ફળતાનો પડઘો મતદાનમાં પડશે. જો કે ભાજપ અને કોંગ્રેસના રોડ શોમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડી ગયા હતા.
સીએમ ભૂપેન્દ્ર પટેલે રોડ શો દરમ્યાન કહ્યું હતું કે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. પાટીલે પણ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કર્યો હતો. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. જેના પગલે ભાજપે છેવટે કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને આવેલા કાઉન્સિલરની મદદ વડે સત્તા હાંસલ કરી છે.
આ ઉપરાંત નવા સીમાંકનમાં ગાંધીનગરમાં કેટલાંક ગામો તથા પેછાપુર નગરપાલિકને પણ સમાવી દેવાઈ છે. જેના પગલે ભાજપની નેતાગીરી એવું માને છે શહેરી મતદારોનો ઝોક ભાજપ તરફી છે. બીજી તરફ આપ પાર્ટીને સુરતમાં 27 બેઠકો મળતા હવે ગાંધીનગરમાં પણ આપ પાર્ટી મેજર અપસેટ સર્જાવા મેદાનમાં ઉતરી છે. દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાએ પણ ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો. આપ પાર્ટીએ પણ પોતાનું એડીચોટીનું જોર લગાવ્યું છે.