Business

ગૌતમ અદાણીએ કમાણીના મામલે મુકેશ અંબાણીને પણ પાછળ મુકી દીધા, દેશના બીજા નંબરના સૌથી અમીર બન્યા

વડાપ્રધાન નરેદ્ર મોદીના સૌથી નજીકના મનાતા ગૌતમ અદાણીની રોજની કમાણીનો આંકડો જાણશો તો તમારી આંખો પહોળી થઈ જશે અને બોલી ઉઠશો ઓ..હો..હો.. અદાણી એક દિવસમાં કમાય છે તે તો આખો જન્મારો મહેનત કરીએ તો પણ નહીં કમાઈ શકીએ. ખરેખર તો કમાણીના મામલે મુકેશ અંબાણીને પણ પાછળ મુકી દીધા છે.

ગૌતમ અદાણીની એક દિવસની કમાણી રૂપિયા 1002 કરોડ છે. (Gautam Adani Per Day Income) હા, આ એક દિવસની કમાણી છે. મુકેશ અંબાણીની એક દિવસની કમાણી કરતા તે સાડા આઠ ગણી વધુ છે. મુકેશ અંબાણીની એક દિવસની કમાણી 169 કરોડ છે. (Mukesh Ambani) આ સાથે જ ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને દેશના બીજા અમીર બન્યા છે.

એક વર્ષ પહેલાં ગૌતમ અદાણીની સંપત્તિ 1,40,200 કરોડ હતી, જે હવે વધીને રૂપિયા 5,05,900 કરોડ પર પહોંચી છે. સંપત્તિમાં અમાપ વૃદ્ધિ બાદ ગૌતમ અદાણી દેશના બીજા અમીર વ્યક્તિ બની ગયા છે. 59 વર્ષના અદાણી ચીનના પાણી વેચતા ઉદ્યોગપતિ ઝોંગ શાન શાનને પાછળ છોડી ચીનના એશિયાના બીજા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. (Gautam Adani became Asia’s second richest man)

તાજેતરમાં IIFL વેલ્થ હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટ-2021ના આંકડા જાહેર થયા છે, જેમાં ગૌતમ અદાણીની સંપત્તિના આંકડા જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે. આવું પહેલીવાર બન્યું છેકે ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને દુબઈમાં સ્થિત તેમના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી રીચ લિસ્ટ 2021ના ટોપ ટેનના ધનિકોમાં સામલે થયા છે.

છેલ્લાં એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિ 4 ગણી વધી છે. અદાણી આ લિસ્ટમાં 2 ક્રમ ઉપર ચડી બીજા ક્રમે પહોંચી ગયા છે. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી 12 અંક ઉપર ચડી 8માં સૌથી ધનવાન ભારતીય બન્યા છે. વિનોદ અદાણીના પરિવારની સંપત્તિ 21 ટકા વધીને 1,31,600 કરોડ થઈ છે.

કોરોના મહામારી વચ્ચે પણ દેશના ધનિકોની સંપત્તિમાં બેશૂમાર વધારો થયો

ગૌતમ અદાણીની સરખામણીએ ભારતમાં સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીએ છેલ્લાં એક વર્ષમાં રોજ 169 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મુકેશ અંબાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સંપત્તિ એક વર્ષમાં 9 ટકા વધીને 7,18,200 કરોડ થઈ છે. હજુ પણ કુલ સંપત્તિના મામલે મુકેશ અંબાણી ટોચનું સ્થાન શોભાવી રહ્યાં છે. HCL ના શિવ નાદર અને તેમના પરિવારની સંપત્તિ 1 વર્ષમાં 67 ટકા વધીને 3,66,000 કરોડ થઈ છે. લંડનના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની સંપત્તિ 1 વર્ષમાં 187 ટકા વધી છે. તેમની કુલ સંપત્તિ 1,74,400 કરોડ થઈ છે. 1 વર્ષમાં તેઓ રોજના 312 કરોડ કમાયા છે. શિવ નાદર એક વર્ષમાં રોજના 260 કરોડ કમાયા છે. પૂણેના સાયરસ પૂનાવાલાએ એક વર્ષમાં રોજની 190 કરોડની આવક મેળવી છે. તેમની સંપત્તિ 74 ટકા વધીને 1,63,700 કરોડ થઈ છે.

પૂનાવાલા છઠ્ઠા ક્રમે છે. ડીમાર્ટના દમાણી 7માં ક્રમે છે. તેમની સંપત્તિ 1.54 લાખ કરોડ છે. 9માં ક્રમે કુમાર મંગલમ બિરલા છે. તેમની સંપત્તિ 1.22 લાખ કરોડ છે. તેઓ રોજ 240 કરોડ કમાયા છે. એશિયાના ટોપ ટેન ધનિકોમાં 3 મુંબઈમાં રહે છે, જ્યારે બે લંડનમાં રહે છે. એક અમદાવાદ, એક દિલ્હી અને એક પૂણેમાં રહે છે.

Most Popular

To Top