સુરત: (Surat) ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સેટ થયેલા ગુલાબ સાયકલોનની (Gulab Cyclone) અસરને પગલે ઠેરઠેર આભ ફાટે તેવી રીતે વરસાદ વરસયો હતો. ઉકાઇ ડેમના ઉપરવાસમાં મૂશળધાર વરસાદને (Rain) પગલે બે દિવસમાં અધધ.. 726 એમસીએમ પાણી આવ્યુ (Inflow) તેની સામે ડેમમાંથી સતત બે લાખ કયુસેકસ પાણી છોડવાનુ (Outflow) ચાલુ રાખી મોડીસાંજ સુધી 724.65 એમસીએમ પાણી છોડી દેવાયુ હતુ. ઉકાઇ ડેમના 15 ગેટ સાત ફૂટ ખોલી પાણી છોડવાનું ચાલું રખાયું છે.
ઉકાઇ ડેમમાં રૂલ લેવલ 345 ફુટના ચકકરમાં ફરી એકવાર બે લાખ કયુસેકસ પાણી છોડવાની નોબત આવી છે. ઉકાઇ ડેમના ઉપરવાસના દરવરસે થાપ આપી જતા ડાર્કઝોને આ વરસે પણ સંકટ ઉભુ કરી દીધુ હતુ ઉકાઇ ડેમના ઉપરવાસમાં આ સમસ્યા વચ્ચે બે દિવસથી ગુલાબ વાવાઝોડાની સિસ્ટમ સેટ થઇ હતી. આ સિસ્ટમને પગલે ડેમમાં સીઝનનું હાઇએસ્ટ સ્ટોકમાં પાણી આવ્યુ હતુ. ઉકાઇ ડેમના કાર્યપાલક ઇજનેર શ્રી મહાકાલએ કહયુ હતુ કે ડેમમાં પાણીની આવકનો સંભવિત અંદાજ સાથે સતત પાણી છોડવાનુ ચાલુ રખાયુ હતુ. જેને પગલે ગઇકાલે રાતે અગિયાર વાગ્યાથી 3 લાખ કયુસેકસ પાણીની આવક થઇ હતી. આ આવક સામે ડેમમાંથી સતત 1.90 લાખ કયુસેકસ પાણી છોડાયુ હતુ. ઉકાઇ ડેમના ઉપરવાસમાં ખાબકેલા વરસાદને પગલે અડતાલીસ કલાકમાં 726.02 એમસીએમ પાણી આવી ગયુ અને તેની સામે 724.65 એમસીએમ પાણી છોડી દેવાયુ છે. હજી હથનૂરથી ગઇકાલે રાતે છોડાયેલુ પાણી આજે રાતે સુધી ડેમમાં આવી પહોચશે. ઉકાઇ ડેમમાં હજી પણ 500 એમસીએમ પાણી ધસમસતા પ્રવાહ સાથે આવી ચઢશે. તાપી નદીમાં પાણી છોડવાનુ ચાલુ રખાતા હજી પણ અડતાલીસ કલાક વધુ સમય સુધી તાપી બે કાંઠે વહેતી જોવા મળશે.
વિતેલા ચોવિસ કલાકમાં 456 એમએમ અને છત્રીસ કલાકમાં 2541 એમએમ પાણી આવ્યુ
ઉકાઇ ડેમના ઉપવાસમાં વિતેલા દોઢ દિવસથી વરસાદે આક્રમક સ્વરૂપ ધારણ કયુ હતુ. ટોટલ છત્રીસ કલાકમાં ઉપરવાસના એકાવન ગેજ સ્ટેશન ઉપર 2541 એમએમ વરસાદ પડયો હતો. જયારે આજે દિવસ દરમિયાન 456 એમસીએમ વરસાદ પડયો છે. ઉકાઇ ડેમના લખપુરીમાં એક ઇંચ,ચીખલધરામાં અઢી ઇઁચ,ગોપાલખેડા અને યેરલીમાં એક એક ઇંચ તેમજ હથનૂરમાંથી બે ઇંચ,ભુસાવલમાં દોઢ ઇંચ,ગીરના ડેમમાં ત્રણ ઇંચ,દહીગાવમાં અઢી ઈંચ,ધુલીયા અને વાસખેડામાં એક એક ઇંચ તેમજ ગીધાડેમાં અઢી અને સારંગખેડમાં અધધ…આંઠ ઇંચ તો સાગબારમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.
ગઇકાલે રાતથી સવારે બાર દરમિયાન અમુક ગેજ સ્ટેશન ઉપર દેમાર વરસાદ
ઉકાઇ ડેમના ઉપરવાસમાં ગુલાબ વાવાઝોડની અસરને પગલે ડેમમાં અઢળક પાણી વહેતુ વહેતુ આવી ગયુ હતુ. ઉકાઇ ડેમના ઉપરવાસના ચારેક ગેજ સ્ટેશન ઉપર ધોધમાર વરસાદ પડયો છે. ઉપરવાસના સાહદામાં 90.20 એમએમ,નંદુરબારમાં 91.80,અકકલકૂવામાં 109.60એમએમ તેમજ તલોદામાં 105.20 એમએમ વરસાદ ખાબકયો હતો. તેવી જ રીતે કુકરમુંડામાં 32 અને છોપડાવામાં 32 એમએમ પાણી ખાબકયુ હતુ. ગઇકાલે રાતથી બપોર સુધીમાં આ ચાર ગેજ સ્ટેશન ઉપર ધૂમ વરસાદ પડયો હતો. તે સિવાય હવે દિવસભર વરસાદે વિરામ લેતા ડેમતંત્રવાહકોએ રાહતનો દમ ખેચ્યો છે.
વિતેલા પાંચેક દિવસથી પાણી છોડવાનુ શરુ કરાતા સુરત ઉપરથી ઘાત ટળી
ઉકાઇ ડેમના તંત્રવાહકોએ જણાવ્યુ હતુ કે વિતેલા પાંચેક દિવસથી ઉપરાછાપરી ગણતરી સાથે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયુ હતુ. જેના પ્રતાપે હાલ તાપીમાં 2 લાખ કયુસેકસ પાણી ઠલવાઇ રહયુ છે. જો ઉકાઇ ડેમમાંથી આ પાણી નહિં છોડાતે તો હાલ તાપીમાં અત્યારે પાંચ લાખ કયુસેકસથી વધારે પાણી છોડવાની નોબત આવતે. જો કે ઉકાઇ ડેમના તંત્રવાહકોએ કહયુ હતુ કે સને-2006ના પુર પછી ઉપરવાસમાં ગેજ સ્ટેશન મુજબ ટેલીમેટ્રી મશીન મૂકાયા છે. તે ઉપરાંત વોટર રિસોર્સ કમિશન અને વેધર વિભાગ સતત ફોરકાસ્ટ બુલેટિન બહાર પાડે છે. આ બુલેટીન મુજબ ડેમમાં પાણીનો જથ્થો આવી ચઢતા નીકાલ પણ કરી દેવાયો હતો.