દાહોદ: દેવગઢબારીયા તાલુકા ના પીપલોદ ગામે નવીન રેલવે ઓવરબ્રિજ મંજુર થતા સ્થાનિક રહીશો અને વેપારીઓને નુકશાન થનાર હોય સાંસદને રજૂઆત કરાઈ. દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બજાર માં નવીન રેલવે ઓવર બ્રિજ મંજુર થતા કેટલાક સ્થાનિક રહીશો સહીત વેપારીઓ માં રેલવે તંત્ર સામે છૂપો ગણગણાટ જોવા મળી રહ્યો છે.પીપલોદ ગામ આજુબાજુ ના 20 થી 25 જેટલાં ગામડા થી વેપાર ધંધા સાથે જોડાયેલું વિકસિત ગામ છે.પીપલોદ ખાતે આ નવીન રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે કેટલાક વેપારીઓ, રહેણાંક મકાનો ને મોટુ નુકશાન થવાની પુરેપુરી સંભાવના હાલ દેખાય રહી છે.
આ નવીન રેલવે ઓવરબ્રિજ અન્ય જગ્યા એ ખસેડવા અથવા અન્ડરબ્રિજ બનાવવા માટે પીપલોદ ગામના અગ્રણી વેપારીઓ,ડોકટરો, મકાન માલિકો દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ને આજે રૂબરૂ મળી રજુઆત કરી.મળતી પ્રાથમિક જાણકારી મુજબ આ નવો ઓવરબ્રિજ મધ્યસ્થ શાળા પીપલોદ ના મુખ્ય ગેટ થી લઈને કમલ હાઈસ્કૂલ ની પેલે પાર સુધી નું બાંધકામ થવાનું છે. હજુ તેનું અસલ ડ્રોઈંગ કે નકશો કોઈની પાસે નથી.પીપલોદ બજારમાં ઓવર બ્રીજનું નિર્માણ થવાથી પીપલોદ ગામના બે ભાગ પડતા હોય એવુ થશે. વેપાર-ધંધામાં ખૂબ મોટું નુકસાન થાય તેમ છે, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ આવેલી છે, બજાર માં ખાનગી દવાખાના આવેલ હોય દર્દીઓ ને દવા સારવાર માટે પણ મોટી મુશ્કેલી નું સર્જન થશે તે નકકી છે. શાળામાં ભણવા માટે બાળકોને પણ અવર જવરમાં તકલીફ ઉભી થાય તેમ છે.