બીલીમોરા : કોરોના (Corona)નો વ્યાપ વધતા દોઢ વર્ષ પહેલા બંધ કરી દેવાયેલી ટ્રેનો (train) હવે જ્યારે સ્થિતિ સુધરી છે ત્યારે ફરી શરૂ કરી દેવામાં આવી છે, પણ મુસાફરો (passengers)ને રાહત મળવાને બદલે આફત જેવી સાબિત થઇ રહી છે. કરંટ ટિકિટો (currant ticket) આપવાનું બંધ કરીને રેલવે (western railway) 50 ટકા ઉંચા ભાવે રિઝર્વેશન (reservation) ટિકિટ આપી મુસાફરોના ખિસ્સા ખંખેરી રહી છે. તો માત્ર એક જ ટ્રેનમાં સુરત (surat) અને વાપી (vapi) વચ્ચેનો સિઝન પાસ (pass) આપી બાકીની ટ્રેનોમાં બંધ કરી દેવાતા મુસાફરો અને અપડાઉન કરતા લોકોમાં રેલવે પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
કોરોનાનો વ્યાપ હવે જ્યારે નહિવત છે. ત્યારે લોકોનું મંદ પડી ગયેલું જનજીવન ફરી પાટે ચડીને ધબકતું થઇ રહ્યું છે, કામ ધંધા વગર આર્થિક રીતે પડી ભાંગેલા લોકોની તકલીફો દૂર કરવાને બદલે સરકાર તકલીફો વધારી રહી છે. કોરોના પહેલા ગમે તે રેલવે સ્ટેશનથી કરંટ ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરી શકાતી હતી. પણ હવે જ્યારે અનલોકની પરિસ્થિતિ ફરી પાછી નિર્માણ થઇ છે. ત્યારે કરંટ ટિકિટ આપવાનું બંધ કરીને માત્ર રિઝર્વેશન ટિકિટ જ અપાઈ રહી છે. આ માટે ટ્રેનમાં મુસાફરી કરવા માટે 50 ટકા જેટલા ઊંચા ભાવે લાંબી લાઈનો લગાવીને રિઝર્વેશન ટિકિટ લેવી પડે છે. પહેલા બીલીમોરાથી સુરત સુધી લોકલ ટ્રેનનું ભાડું રૂ.15 હતું. જે હવે રિઝર્વેશન ચાર્જ સહિત વધીને રૂ.35 લેવાય છે. એક્સપ્રેસ ટ્રેનના જે પહેલા 45 હતા તેમાં પણ રૂ.20 ના વધારા સાથે 65 થઈ ગયા છે. આમ રિઝર્વેશનના નામે લોકોના ખિસ્સા હલકા થઈ રહ્યા છે.
આ બધા વચ્ચે અપડાઉન કરતા મુસાફરોની હાલત દયનીય બની ગઇ છે. સીઝન પાસ આપવાનું રેલવેએ બંધ કરી દીધું છે. જેથી રિઝર્વેશન ટિકિટ ખરીદીને મુસાફરી ફરજિયાત કરવી પડે છે. જેથી સરેરાશ એક અપડાઉન કરનારાને રૂ.2730 નો વધારો આપવો પડે છે. લાખો મુસાફરો વડોદરાથી વાપી વચ્ચે અપડાઉન કરે છે. રિઝર્વેશનના નામે ટિકિટોના તોતિંગ ભાવ વધારાથી પ્રજા પીડાઇ રહી છે. જ્યારે રેલવે તંત્રને ખૂબ મોટો આર્થિક લાભ મળી રહ્યો છે. મધ્યમ વર્ગના લોકો બે વખતનું ભેગુ કરે કે કમાયેલું આવવા-જવા માટે રેલવેમાં ખર્ચે ? તે જ સમજણ પડતી નથી.
માત્ર મેમુ ટ્રેન પૂરતી જ સીઝન ટિકિટ આપવાનું રેલવેએ શરૂ કર્યું
રેલવે તંત્રએ બે મહિના પહેલા માત્ર મેમુ ટ્રેન પૂરતી જ સીઝન ટિકિટ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે ફ્લાઇંગ રાણી, સયાજીનગરી એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, દેરાદુન એક્સપ્રેસ, જામનગર બાંદ્રા એક્સપ્રેસ, લોકલ, ઇન્ટરસિટી, સુરત બાંદ્રા જેવી ટ્રેનોમાં સીઝન પાસ કે પછી કરંટ ટિકિટો આપવાને બદલે ફક્ત રિઝર્વેશન ટિકિટ આપી ઉઘાડી લૂંટ ચલાવાઇ રહ્યાનું ભારોભાર દુઃખ નોકરિયાત વર્ગને થઈ રહ્યું છે.
રેલવે રાજ્યમંત્રી સહિત પ્રદેશ અધ્યક્ષને રજૂઆત છતાં પરિણામ શૂન્ય
સુરત, નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી અને દહાણુ અપડાઉન કરતા પાસ હોલ્ડરોએ હાલમાં જ નિયુક્ત થયેલા રેલવે રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ સહિત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. જેથી લોકો ભારે દુઃખી થઇ રહ્યા છે.
સીઝન પાસ શરૂ કરવા વડોદરા ડિવિઝન તૈયાર છે પરંતુ મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી નથી : રેલવે રાજ્યમંત્રી
આ માટે સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશનો મોબાઇલ સંપર્ક કરતા તેઓ પાર્ટીના મહિલા કાર્યકારી કાર્યક્રમમાં દહેરાદૂન હોવાનું કહી જણાવ્યું હતું કે સીઝન પાસ શરૂ કરવા માટે વડોદરા ડિવિઝન તૈયાર છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી નથી. ત્યારે સવાલ એ થાય છે કે શું મહારાષ્ટ્રમાં ચાલતી રેલવેનું નેટવર્ક ભારત સરકાર હસ્તક નથી ? સમગ્ર ભારતમાં રેલવેનું સંચાલન રેલ મંત્રાલય કરતું હોય ત્યારે મહારાષ્ટ્ર સરકારની મંજૂરીનો પ્રશ્ન કઈ રીતે ઊભો થઈ શકે.
દર્શનાબેન જરદોશના મહિલા સેક્રેટરી (મેડમ)એ પણ આ અંગે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે કોવિદ બાદ આ અંગે ભારત સરકારે રાજ્ય સરકારને નિર્ણય લેવા સત્તા આપી છે. આટલી ચર્ચા થયા બાદ તેઓનો ટેલિફોનિક સંપર્ક કપાઈ જતા વધુ જાણકારી પ્રાપ્ત થઇ ન હતી.