રાજ્ય સરકારે સોમવારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યુ હતું કે અમરેલી અને દક્ષિણ ગુજરાત વચ્ચે રો-રો ફેરી સર્વિસનું આયોજન કરાયું છે.
તાલાલાના ભગાભાઈ બારડના પ્રશ્નના જવાબમાં બંદર વિકાસ વિભાગના મંત્રીએ લેખીત જવાબમાં જણાવ્યું હતું કે અમરેલીના વિકટર બંદરના સમારકામની કામગીરી ચાલી રહી છે. અમરેલી અને દક્ષિણ ગુજરાત વચ્ચે રો-રો ફેરી સર્વિસ ચાલુ કરવા જઈ રહ્યા છે.
મંત્રીએ કહ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે આ કામગીરી અટકી પડી છે. જો કે 30-11-2021 સુધીમાં આ કામગીરી શરૂ કરવાની ડેવલોપરને મુદત આપવામાં આવી છે. વિકટર બંદરની સુવિધાઓની કામગીરી પૂર્ણ થયા બાદ રો-રો ફેરી સર્વિસ અને રો પેકસ સર્વિસ માટે કામગીરી શરૂ કરાશે.
સુરતમાં પ્રોજેક્ટના અભ્યાસ બાદ ટેક્સટાઈલ યુનિ. સ્થાપવા યોગ્ય નિર્ણય લેવાશે
રાજ્ય સરકારે 2015માં નિર્ણય લીધો હતો કે સુરતમાં ટેક્સટાઈલ યુનિ. સ્થપાશે. માંડવીના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીના પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ મંત્રીએ કહ્યું હતું કે હાલમાં આ બાબતે વિગતવાર રિપોર્ટસ અભ્યાસ હેઠળ છે. પ્રોજેકટ રિપોર્ટનો અભ્યાસ કરાવીને યોગ્ય નિર્ણય લેવાશે.