Business

ઈશ્વરનું અસ્તિત્વ

સૃષ્ટિના પ્રારંભથી જ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિવિધ મતમતાંતર ચાલે છે. ઘણાં પૂરી શ્રદ્ધા સાથે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે જ્યારે કેટલાંક તેનો ઇન્કાર કરે છે. કહેવત છે ને કે,’ જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ, ‘  એમ ઈશ્વરવાદીને જીવનમાં બનતી અનેક અસ્વાભાવિક બાબતોમાં ઈશ્વરનું અસ્તિત્વ દેખાય છે જ્યારે નાસ્તિકને સૃષ્ટિ ચક્ર આપોઆપ જ ચાલતું દેખાય છે. એ તો  કુદરતી ક્રમ છે; ઈશ્વરનું કાર્ય નથી એમ તેઓ માને છે. આ અંગે  પ્રખર વિદ્વાનો અને ધર્મના પંડિતો વચ્ચે વિવાદ થતા હોય છે. જે પૈકીનું એક  ઉદાહરણ અત્રે પ્રસ્તુત છે.     ‘ઈશ્વરનું અસ્તિત્વ’  એ વિષય પર ફ્રાન્સમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  એક પ્રીસ્ટ અને એક પ્રખર નાસ્તિક વચ્ચે ડીબેટ ચાલતી  હતી. પ્રિસ્ટે તેમના પ્રવચનમાં સર્વોત્તમ  દાખલાદલીલોથી ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવા પ્રયાસ કર્યો.

ત્યાર બાદ  નાસ્તિકે તેનો વિરોધ કરતાં ઈશ્વરનું અસ્તિત્વ જ નહીં હોવા અંગે દલીલો કરી અને પડકાર ફેંક્યો કે જો ઈશ્વર હોય તો તે અત્યારે જ પાંચ મિનિટમાં મારી હત્યા કરે. સમય પૂરો થયો પણ તેમની હત્યા કરવામાં આવી નહીં એટલે એમણે તાળીઓના ગડગડાટ વચ્ચે  કહ્યું કે આથી સાબિત થાય છે કે ઈશ્વર જેવું કંઈ જ નથી. તરત જ પ્રિસ્ટ સ્ટેજ પર પહોંચી ગયા. તેમના હાથમાં ભરી બંદૂક હતી. બંદૂક આ નાસ્તિકના હાથમાં પકડાવીને તેમણે કહ્યું: ‘આ બંદૂકથી તમે પાંચ મિનિટમાં મારી હત્યા કરો.’ નાસ્તિકે હત્યા કરી નહીં એટલે પ્રિસ્ટે ઊંચા અવાજે  લોકોને કહ્યું, આ માણસે મારી હત્યા કરી નહીં એટલે એનું  અસ્તિત્વ જ નથી એમ તમે માનો છો? આ સાંભળી લોકો અવાક થઈ ગયાં. પછી પ્રિસ્ટે નાસ્તિકને કહ્યું કે જેમ મેં તમને, મને મારી નાખવા કહ્યું છતાં તમે તેમ કર્યું નહીં અને મારી જિંદગી બચાવી લીધી તેમ તમે ઈશ્વરને પડકાર ફેંકી તમને મારી નાખવા કહ્યું છતાં ઈશ્વરે તેમ નહીં કરીને તમારી જિંદગી બચાવી લીધી છે! આ સાંભળી લોકો મંત્રમુગ્ધ બની ગયાં.

  ઈશ્વરના અસ્તિત્વ વિશે  બીજું એક સ્વીકૃત ઉદાહરણ અત્રે પ્રસ્તુત છે.      ઈસુના સ્વર્ગવાસ પછી તેમના શિષ્યોએ ડર્યા વિના ઈસુના પ્રશિક્ષણનો  પ્રચાર  શરૂ કર્યો ત્યારથી ખ્રિસ્તી ધર્મનાં પગરણ મંડાયાં. આથી યહૂદી ધર્મના અધિકારીઓને યહૂદી ધર્મ અને તેમના પોતાના ધર્મશાસનના  અસ્તિત્વનું જોખમ જણાયું એટલે ઈસુના શિષ્યો અને અનુયાયીઓ ઉપર જુલમ ગુજારવા લાગ્યા. આ સમયે સાઉલ નામનો એક વિદ્વાન પણ ધર્માંધ યુવાન ઈસુના અનુયાયીઓ પર આતંક મચાવતો હતો. એક દિવસ તે અધિકારીઓની મંજૂરી મેળવીને માસ્કરા શહેરમાં રહેતા ઈસાઈઓને પકડી લાવવા જતો હતો ત્યારે  તેને ઈશ્વરની  ગેબી વાણી સંભળાઈ, જેના પ્રભાવથી એનો હૃદયપલટો થયો. તે ઈસુનો અનન્ય ભક્ત બની ગયો અને ઈસુના શિક્ષણનો પ્રચાર કરવા લાગ્યો.

આથી યહૂદીઓ તેની વિરુદ્ધ થઈ ગયા અને તેનું કાસળ કાઢી નાખવાના પેંતરા રચવા લાગ્યા પણ તેમાં નિ‌ષ્ફળ થતાં તેના પર ધર્મદ્રોહનો આરોપ મૂકી  અદાલતી કાર્યવાહી હાથ ધરી‌ પરંતુ તે મૂળ રોમન નાગરિક હોઈ તેનો ખટલો  રોમમાં ચલાવવાની તેણે માગણી કરી જેથી  કેસ રોમન હકૂમતને ટ્રાન્સફર કરવામાં આવ્યો.  રોમમાં કાર્યવાહી દરમિયાન ત્યાંના રાજા અગ્રિપ્પા સમક્ષ પાઉલે રજૂ કરેલ નિવેદનમાં પર્યાપ્ત માહિતી હોવાથી તે અત્રે પ્રસ્તુત છે.   

‘હે મહારાજા અગ્રિપ્પા, તેણે દલીલ શરૂ કરી : શરૂઆતથી જ હું ધર્મચુસ્ત છું અને એક ફરોશી તરીકે હું પહેલેથી જ યહૂદી ધર્મનું ચુસ્ત પાલન  કરતો હતો તે સૌ યહૂદીઓ જાણે છે. હું પોતે પણ એક વાર નાઝરેથના ઈસુ વિરુદ્ધ બનતું બધું કરી છૂટવું એને મારી ફરજ સમજતો હતો અને ઇસાઈઓ પર ત્રાસ ગુજારતો હતો. અનેક ભક્તોને મેં કેદમાં પુરાવ્યા હતા અને તેમને મોતની સજા ફરમાવવામાં આવી ત્યારે મેં તેને સંમતિ આપી હતી. બધાં પ્રાર્થનાગૃહમાં જઈને ઈસુના ભક્તોને સજા કરી તેમની પાસે હું નિંદા કરાવવા સતત પ્રયત્ન કરતો હતો. મને એમના ઉપર એટલો કાળ ચડ્યો હતો કે આખા પ્રદેશનાં દરેક શહેરમાં  હું તેમનો પીછો કર્યા કરતો હતો અને ત્રાસ ગુજારતો હતો.

એક વાર હું મુખ્ય પુરોહિત જેમની પાસે રાજકીય સત્તા હતી તેમની પાસેથી મંજૂરી મેળવીને ઈસાઈઓને પકડી લાવવા માસ્કરા શહેર તરફ જતો હતો ત્યારે શહેરની નજીક રસ્તામાં મધ્યાહન સમયે સૂર્યના તેજ કરતાં પણ વધુ ઝળહળતો પ્રકાશ આકાશમાંથી મારી અને મારા સાથીઓ ઉપર ઝબૂકતો મેં જોયો. અમે બધા જમીન ઉપર પડી ગયા અને મેં એક અવાજ હિબ્રુ ભાષામાં મને એવું કહેતાં સાંભળ્યો કે, ‘સાઉલ, સાઉલ, તું શા માટે મને રંજાડે છે?’  મેં કહ્યું, ‘આપ કોણ છો પ્રભુ?’ ત્યારે પ્રભુએ કહ્યું,  હું ઈસુ છું, જેને તું રંજાડે છે પણ હવે ઊઠ, ઊભો થા, મેં તને મારો સેવક નિમવા દર્શન દીધાં છે. તને મારાં જે દર્શન થયાં છે અને હજી થવાનાં છે તે બધાંનાં તારે સાક્ષી થવાનું છે. આથી એ દૈવી દર્શનનું મેં ઉલ્લંઘન ન કર્યું.’    ત્યાર બાદ સાઉલ, સાઉલ મટી સંત પાઉલ બની ગયા.

દેશવિદેશમાં ફરી ઈસુના ઉપદેશનો પ્રચાર કર્યો અને આ જ કારણે વિરોધીઓએ તેમનો પીછો કર્યો અને અંતે ક્રોસ પર લટકાવી તેમની હત્યા કરી નાખી. આ સંતે તેમના  અનુયાયીઓને લખેલ બોધસભર વિસ્તૃત પત્રો બાઇબલમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.    ઈસુનો કટ્ટર દુશ્મન, ઈસુના એક જ ગેબી આદેશથી તેમનો શિષ્ય બની જાય અને તેમના શિક્ષણનો પ્રચાર કરતાં કરતાં શહાદત વહોરે એનાથી મોટો ઈશ્વરના અસ્તિત્વનો બીજો પુરાવો શું જોઈએ?

Most Popular

To Top