ભરૂચમાં રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓ પૂરવામાં માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાની ઉદાસીનતા સામે રિક્ષાચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ શહેરમાં જ્યારથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શરૂ થઇ છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. ભૂગર્ભ ગટર માટે વર્ષોથી રસ્તાઓનું ખોદકામ અને પુરાણ આ બે કામગીરી જ થઇ રહી છે પણ યોજના હજી પૂર્ણ થઇ નથી. શહેરના મોટા ભાગના રસ્તા ચોમાસું આવતાની સાથે ધોવાઇ જાય છે.
ખાડાઓને કારણે વાહનોને નુકસાન તથા લોકોને થતી ફ્રેક્ચર સહિતની શારીરિક ઇજા હવે ભરૂચનું ભાગ્ય બની ગયું છે. ભરૂચના ખરાબ રસ્તાઓથી રિક્ષાચાલકો એટલા પરેશાન થઇ ગયા છે કે તેમણે શનિવારે ખાડાઓમાં બેસી જઇ ધરણાં શરૂ કરી દીધાં હતાં. રિક્ષાચાલકોનાં ધરણાને પગલે ટ્રાફિકજામ થઇ જતાં પોલીસ દોડી આવી હતી અને રિક્ષાચાલકોને રસ્તા પરથી હટાવ્યા હતા. જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા પાંચબત્તી વિસ્તારમાં આ કાર્યક્રમ
કરાયો હતો.