National

પ્રખ્યાત નારીવાદી લેખક અને સામાજીક કાર્યકર્તા કમલા ભસીનનું નિધન

મુંબઈ: (Mumbai) પ્રખ્યાત સામાજિક કાર્યકર (Social Worker) અને કવિ કમલા ભસીનનું (Kamla Bhasin) શનિવારે નિધન થઈ ગયુ. તેમનો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો હતો. તેમણે મહિલાઓના ઉત્કર્ષ (Women Empowerment) માટે ખૂબ કામ કર્યું હતું, આજે સવારે તેમનું નિધન થયું. તેમને થોડા મહિના પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું. સામાજિક કાર્યકર કવિતા શ્રીવાસ્તવે તેમના મૃત્યુ વિશે માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘અમારા પ્રિય મિત્ર કમલા ભસીનનું 25 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે નિધન થયું. ભારત અને દક્ષિણ એશિયન ક્ષેત્રમાં મહિલા આંદોલન માટે આ મોટો આઘાત છે. તેમણે પ્રતિકૂળતામાં પણ જીવનને માણ્યું. કમલા તમે હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશો.

સાહિત્ય અને કલા ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક લોકોએ કમલા ભસીનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમીએ પણ કમલા ભસીનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું, ‘કુશળ કમલા ભસીન તેમની છેલ્લી લડાઈ હિમ્મતભેર લડ્યા, તેઓ જીવન સારી રીતે જીવ્યા છે. તેમની ખોટ હમેશા વર્તાશે. તેમનું હાસ્ય અને ગીત, તેમની અદભૂત તાકાત તેમનો વારસો છે. આપણે સૌ તેમની યાદોને હમેશાં સાચવીને રાખીશું જેમ આપણે અગાઉ અરુણા રોય માટે અનુભવ્યું હતું.

ઈતિહાસકાર ઈરફાન હબીબે કમલા ભસીનને યાદ કરતા લખ્યું, કમલા ભસીન, એક પ્રિય મિત્ર અને બીજાઓથી અલગ વ્યક્તિત્વ ધરાવતા હતા. કમલા ભાસિનના નિધન વિશે સાંભળીને ખૂબ દુ:ખ થયું. અમે ગઈકાલે જ તેના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે તે આમ અમને છોડી જશે.

આવા હતા કમલા ભસીન
કમલા ભસીન ખ્યાતનામ નારિવાદી લેખક અને સામાજિક કાર્યકર્તા હતા. ભસીન 1970 ના દાયકાથી ભારત તેમજ અન્ય દક્ષિણ એશિયાના દેશોમાં મહિલા આંદોલનનો અગ્રણી અવાજ રહ્યો છે. 2002 માં, તેમણે નારીવાદી નેટવર્ક ‘સંગત’ ની સ્થાપના કરી, જે ગ્રામીણ અને આદિવાસી સમુદાયોની વંચિત મહિલાઓ માટે કામ કરે છે. તેમણે ઘણી વખત નાટકો, ગીતો અને કલા જેવા માધ્યમોનો ઉપયોગ કરીને સમાજમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું. ભસીને નારીવાદ અને પિતૃસત્તાને સમજવા માટે ઘણા પુસ્તકો લખ્યા છે, જેમાંથી ઘણા 30 થી વધુ ભાષાઓમાં અનુવાદિત થયા છે.

Most Popular

To Top