Vadodara

શાસ્ત્રીબાગથી વીમા દવાખાના જવાના માર્ગ પર અસહ્ય ગંદકી

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ તેમજ દેશમાં વિકાસ અને સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મારી બીટ સ્વચ્છ બીટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જોકે પાલિકા દ્વારા અપાયેલ સ્લોગન મુજબ તંત્ર જ પોતે પોતાની સ્વચ્છતા જાળવવાની બીટ ભૂલી હોય તેમ ફલિત થયું છે. શહેરના શાસ્ત્રી બાગથી વીમાના દવાખાના તરફ જતા રોડ ઉપર ઉકરડો બની ગયો હોય તેમ ઢોરોના કારણે ભારે ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા વિસ્તારના નાગરિકો રોગચાળાના ભયના ઓઠા હેઠળ જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે.

શાસ્ત્રીબાગથી વીમા દવાખાના તરફ જવાના રોડ ઉપર છેલ્લાં ઘણા સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ, ગંદકી તેમજ ઢોર માલિકો દ્વારા ગેર કાયદે કરાયેલા દબાણોને લઈ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા.છતાં પણ મલાઈ ખાવા ટેવાયેલા પાલિકાના અધિકારીઓ , ઢોર પાર્ટી અને ઢોર માલિકોના પાપે શહેરીજનો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. શાસ્ત્રીબાગથી વીમાના દવાખાના તરફ જતા માર્ગ પર અસહ્ય ગંદકી અને રખડતા ઢોરોને કારણે અહીં ઉકરડો બની જતા વાતાવરણ દૂષિતમય બનવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધવા માંડ્યો છે. આ મામલે અનેક રજૂઆતો આંદોલન કરવામાં આવ્યા કેટલાય મોરચા પાલિકાની વડી કચેરીમાં મંડાયા તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓ  સ્થાનિકોની રજુઆત સામે આંખ આડે કાન કરતા હોવાનું સ્થાનિકોએ જણાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top