ગુજરાતમાં મુખ્ય મંત્રી સહિતનું મંત્રીમંડળ બદલાઇ ચૂકયું છે. ભલે નિર્ણય આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થયો હોય, પણ કેન્દ્રિય મોવડીમંડળે આડકતરી રીતે એ તો સ્વીકાર્યું જ કે ગત મંત્રીમંડળે કયાંક તો કાચું કાપ્યું જ હતું અને આવનારી ચૂંટણીમાં આ જ ચહેરા સાથે પ્રજા સામે જવામાં જોખમ છે. જો કે એ જે હોય તે, હવે ગુજરાતનું મંત્રીમંડળ નવું અને લગભગ યુવાન છે. આ યુવાન મંત્રીમંડળ સામે ઘણા પડકારો છે. જો કે શાસનમાં તમે નવા હો કે જૂના, પડકારો તો જાહેર જીવનમાં હોય છે. પણ પડકારોને પહોંચી વળવાનો સૈા પ્રથમ ઉપાય એ છે કે પડકારોને ઓળખવાના! જો તમે પડકારો ઓળખો છો તો તેને સહલાઇથી પહોંચી વળવામાં રસ્તા પણ શોધી શકાય! મંત્રીમંડળ સામે સૌ પ્રથમ પડકાર એ છે કે બધા જ બદલાઇ ચૂકયા છે. હા, કેટલાક ભૂતકાળમાં મંત્રી રહી ચૂકયા છે. પણ હમણાં નિવૃત્ત કરેલા મંત્રીમંડળમાં નો’તા એટલે તેમણે વિભાગો જલ્દીથી સમજી લેવા પડશે અને સંભાળી લેવા પડશે! જો આવનારી ચૂંટણી પહેલાં પ્રજામાં લોકપ્રિય થવું હોય તો કામ કરવાના ચાર-આઠ મહિના જ છે!
જો વિધાનસભા નિયત સમયપત્રક મુજબ ચાલશે તો ડિસેમ્બર ૨૨ માં ચૂંટણી થશે અને જો ઉત્તર પ્રદેશ સાથે જ યોજવાનો તખ્તો ગોઠવાશે તો ફેબ્રુ-માર્ચમાં જ ચૂંટણી યોજાશે અને તો જૂના શાસન સામે પ્રજાના અસંતોષને થાળે પાડવાના જે કામ માટે નવા મંત્રીમંડળને નિમ્યું છે તે કામ જ નહિ થાય. નવા મંત્રીમંડળ સામે આ પ્રથમ પડકાર છે કે સમય ઓછો છે. બે વર્ષ કોરોનામાં જાહેર જીવન પણ અટકી ગયું હતું. હવે તે પણ શરૂ થયું છે એટલે નવા મંત્રીઓએ પ્રજાની વચ્ચે જઇને કામ કરતાં થવું પડશે. યુવા નેતાઓનો બીજો પડકાર અધિકારીઓ પાસે કામ લેવાનો છે! જૂના મંત્રીમંડળ સામે પ્રજા અને ભાજપના જ ચુંટાયેલા ધારાસભ્યોને ફરિયાદ હતી કે મંત્રીશ્રીઓનું અધિકારીઓ માનતા નથી. આપણી શાસનવ્યવસ્થામાં ચુંટાયેલા નેતાઓ અને નિમાયેલા અધિકારીઓ સાથે મળીને શાસન સંભાળે છે.
આધુનિકીકરણ અને ટેકનોલોજીના વધતા વ્યાપને કારણે વહીવટમાં ટેકનોલોજી આવી ગઇ છે. વળી અર્થતંત્રમાં સમાજવાદ નહિ, પણ બજારવાદ આગળ વધી રહ્યો છે ત્યારે ચૂંટાયેલા નેતાઓએ ખાસ ચોકકસ રહેવું પડે! અંગ્રેજી માધ્યમ માત્ર શાળાનાં બાળકોમાં જ નથી વધ્યું. વહીવટમાં પણ વધ્યું છે ત્યારે અભણ કે ઓછી જાણકારી નેતાઓએ સતત અધિકારીઓના આધારિત રહેવું પડે અને આવા સમયે ખરા અર્થમાં શાસન અધિકારીઓ જ ચલાવે. જો જે તે વિભાગનો નેતા પોતાના અંગત સલાહકારો દ્વારા સાચી વિગતો જાણે-સમજે નહિ તો અધિકારીઓ થોડા જ સમયમાં પારખી જાય છે કે આ નેતાજીને કશી ખબર પડતી નથી માટે અષ્ટમ-પષ્ટમ સમજાવીને મનગમતા પરિપત્રો કરાવી લે છે. મનગમતા કોન્ટ્રાકટ મેળવી લે છે. છેલ્લાં વર્ષોમાં એ જોવામાં આવ્યું છે કે ખાનગીકરણના નામે મંત્રીઓ પાસેથી અધિકારીઓ પોતાના લાગતાવળગતાને કોન્ટ્રાકટ અપાવી સરકાર પાસેથી કરોડોની કાયમી આવક મળે તેવી વ્યવસ્થા ગોઠવી લે છે. નેતાઓએ આ બાબતે ચોકકસ રહેવાની જરૂર છે.
નવા મંત્રીમંડળ સામે એક પડકાર જૂના મંત્રીમંડળે રજૂ કરેલી યોજનાઓનું ફોલોઅપ લેવાનો છે. કોરોનાકાળમાં શિક્ષણ, ઉદ્યોગ, વહીવટ, આરોગ્ય જેવાં અનેક ક્ષેત્રોમાં વિવિધ રાહત કે લાભ આપનારી યોજના જાહેર કરવામાં આવી હતી. હવે નવા મંત્રીમંડળે આ યોજનાઓ જમીન પર કેવી રીતે ચાલે છે તે જોવાનું રહેશે! નવા મંત્રીમંડળને માત્ર યોજનાઓ જ નથી સંભાળવાની…. જૂના… સિનિયર નેતાઓને પણ સંભાળવાના છે. યુવા નેતાઓ જયારે માત્ર ધારાસભ્ય હતા ત્યારે જો તેમને ફરિયાદ હતી કે જૂના મંત્રીશ્રીઓ તેમના અધિકારીઓ અમારું કામ જલ્દી કરતા નથી તો આ ફરિયાદ પોતે મંત્રી બન્યા પછી કોઇ ન કરે તે જોવાનું રહે છે. આમ તો ભારતીય જનતા પાર્ટીના મોવડીમંડળે કરેલા નિર્ણય સામે હવે ભાગ્યે જ કોઇ વિરોધ કરે છે કે ઇવન પોતાનો અણગમો બતાવે છે. પણ વિસર્જીત કરાયેલા મંત્રીમંડળના અમુક નેતાઓ મનમાં તો વિચારતા જ હશે કે ‘જોઇએ હવે શું થાય છે.’
તો ‘આ શું થાય છે’ તેનો આધાર નવા મંત્રીમંડળની કામગીરી પર છે. ટૂંકમાં ઝડપથી કામ કરવું, કાર્યક્ષમતાનો ઉપરીઓને તથા પ્રજાને અહેસાસ કરાવવો. અસંતુષ્ટોને ફરિયાદનો મોકો ન આપવો, અટકેલાં કામ સમયસર પૂરાં કરવાં, આવનારી ચૂંટણીને પહોંચી વળવું! આ તમામ પડકારો સાથે ગુજરાતમાં નવા મંત્રીમંડળને કામ કરવાનું છે! એ સ્પષ્ટ છે.