સુુરતના ગોડાદરામાં (Godadara) રહેતો કાપડનો વેપારી (Textile Trader) અફીણનો (Opium) બંધાણી બન્યો હતો, લોકડાઉનના કારણે કાપડના ધંધામાં મંદી આવતા વેપારીએ જાતે જ અફીણ વેચવાનું શરૂ કરી દીધું હતું. જેની પાસેથી અફીણ સેવન કરવા માટે લાવતો હતો તેની પાસેથી જ વધારે માત્રામાં અફીણ લાવીને તેને વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે આ કાપડના વેપારીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરાની દેવધ રોડ ઉપર આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતો ચંપાલાલ વસ્તારામ પરમાર (ઉ.વ.43) કાપડનો વેપાર કરતો હતો. આ દરમિયાન તે અફીણનો બંધાણી પણ હતો. ડિંડોલીમાં (Dindoli) જ રહેતા તેના કેટલાક મિત્રો પાસેથી અફીણ લાવીને તેનું સેવન કરતો હતો. સને-2019માં કોરોનાની મહામારી (Corona) આવ્યા બાદ કાપડના વેપારમાં મંદી આવી હતી. જેના કારણે ચંપાલાલ જેની પાસેથી અફીણ લાવતો હતો તેને જ વાત કરીને અફીણ વેચવા માટે કહ્યું હતું. ચંપાલાલએ પોતે જ મોટી માત્રામાં અફીણ લાવીને તેનું વેચાણ શરૂ કરી દીધું હતું.
સુરત SOG પોલીસે રૂા. 1.14 લાખની કિંમતનું 382.920 ગ્રામ અફીણનો જથ્થો પકડી પાડ્યો
આ અંગે એસઓજીને માહિતી મળી હતી. એસઓજીની (SOG) ટીમે ચંપાલાલના ઘરે તપાસ કરીને તેની પાસેથી રૂા. 1.14 લાખની કિંમતનું 382.920 ગ્રામ અફીણનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા આ અફીણનો જથ્થો ડિંડોલી દેલાડવા રોડ ઉપર રહેતા ભેરારામ બિસ્નોઇની પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. એસઓજી પોલીસે ચંપાલાલની ધરપકડ કરી હતી, જ્યારે ભેરારામને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અફીણનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવતો હતો
લોકડાઉનમાં ધંધો મંદ પડી ગયા બાદ ચંપાલાલને રૂપિયાની બહુ જરૂર પડતી હતી. એક તરફ મંદી અને બીજી તરફ અફીણના બંધાણ માટેના રૂપિયા ખુટી પડ્યા હતા. આથી ચંપાલાલે શોર્ટકટથી રૂપિયા કમાવાનો રસ્તો વિચાર્યો હતો. પહેલાં નશેડી મિત્રો પાસેથી અફીણ લાવતો હતો પરંતુ હવે તે ભેરારામ પાસેથી મોટી માત્રામાં અફીણ ખરીદવા માંડ્યો હતો. ચંપાલાલે ભેરારામની પાસેથી રાજસ્થાનમાંથી (Rajashthan) અફીણ મંગાવ્યું હતું. સાત-આઠ મહિના પહેલા જ ચંપાલાલએ અફીણનો વેપાર શરૂ કર્યો હતો. પોતાના જ મિત્રો વર્તુળમાં જે પણ ચરસી હોય તેઓને અફીણ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ ધંધો સારો લાગતા ચંપાલાલે ભેરારામની પાસેથી અફીણ મંગાવીને તેનો વેપાર કરતો હતો.