આજે બધાની બિમારી અલગ છે, દવા ને દુવાની, પટારી અલગ છે… કવિ તરુ મિસ્ત્રી સાંપ્રત સમયમાં, સમગ્ર માનવજાત વિવિધ પ્રકારની શારીરિક, માનસિક, ચૈતસિક બિમારીઓથી પીડાતો રહ્યો છે. આપણાં ધર્મો,શાસ્ત્રો અને અધ્યાત્મપથે આ સ્થૂળ દેહને સુખ દુ:ખનો અનુભવ કરવાનું સાધન કહ્યું છે જે સર્વથા ઉચિત જ છે. વર્ષો પહેલાં દાકતરી આલમ બધા જ શારીરિક દુ:ખોનું નિદાન અને સારવાર એકલપંડે કરતી હતી. હવે તો શરીરના અંગે અંગની સારવાર કરનારા જે તે સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ છે! વિજ્ઞાનની અવનવી શોધ – સંશોધનોએ દુ:ખ – દર્દોમાંથી કંઇક અંશે રાહત આપી છે. દવા – મેડીસીન – ઔષધો દાકતરની સલાહ મુજબ યોગ્ય માત્રામાં લેવાય તો રાહત જરૂર મળે છે. મૃત્યુના માહોલને થોડો સમય ઠેલાવી શકાય છે.
કવિએ અહીં દવા અને દુવાનો અલગ ચોકો ઊભો કરી ભૌતિક અને અધ્યાત્મની પટારી અલગ અલગ છે તેની છણાવટ કરી છે. દવા લૌકિક છે. જયારે દુવા ધર્મ-અધ્યાત્મને સ્પર્શે છે! દુવા સંદર્ભે મોગલ બાદશાહ – શહેનશાહના પરિવારમાં બનેલી ઘટનાને તાજી કરી લઇએ, જે ઐતિહાસિક પુરાવો પણ છે. બાબરના લાડકવાયા દીકરા હુમાયુ કોઇ અગમ્ય બિમારીથી પીડાતા હતા, સામ્રાજયના હકીમો – વૈદ્યોની સફળ સારવાર થકી પણ હુમાયુની તબિયત ન સુધરતાં કોક વૃધ્ધ હકીમે શહેનશાહ બાબરને કહ્યું કે તમારી વ્હાલામાં વ્હાલી ચીજ પરવરદિગારને સમર્પણ કરી દુવા યાચો કે દીકરાની બિમારી મારામાં તબદીલ થાય અને હુમાયુ રોગમુકત થાય! બાદશાહના સાચા હૃદયના ભાવથી, શબ્દાતીતના ઓથારે કરેલી આજીજી પ્રાર્થના ખુદાએ મંજૂર રાખી, હુમાયુના દર્દ-દુ:ખ મટી ગયાં અને શરત મુજબ બાબર પીડા સહન કરી આયુષ્ય મુજબ જીવ્યા અને ૨૬ મી સપ્ટેમ્બર ૧૫૩૦ ના રોજ ફાની દુનિયામાંથી આખરી વિદાય લીધી. તેમને આગ્રાના લાલ બાગમાં દફનાવવામાં આવ્યા.
કાકડવા (ઉમરપાડા) – કનોજભાઇ વસાવા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.