સરકારી કર્મચારીઓના પગાર અને મોંઘવારી ભથ્થા બાબત તેમજ તેના નિવૃત્ત પેન્શનરોના વધતા જતા પેન્શન બાબત સરકાર સમયાંતરે તેમાં વધારાની જાહેરાત કરતી જ રહે છે. જેની સામે લોકજાગૃતિ માટે ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં પણ વારંવાર ચર્ચાપત્રો છપાતાં જ (પથ્થર પણ પાણી) રહે છે. પરંતુ આ બધી વાતો વચ્ચે નવેમ્બર ૧૯૯૫ ની કર્મચારી પેન્શન યોજનાનાં લાભાર્થીઓ ટેક્ષટાઇલ કે અન્ય ઉદ્યોગના કર્મચારીઓ કે તેના નિવૃત્ત પેન્શનરોનો તો કોઇ કંઇ જ વિચાર કરતા જ નથી. આ લખનારને પણ ૨૦૦૧ માં નિવૃત્તિ પછી ફકત રૂા. ૩૨૫/- પેન્શન મળતું હતું.
જે છેક ૧૪ વર્ષે કેન્દ્રમાં નવી સરકાર બનતાં ઓકટોબર ૨૦૧૪ ના વર્ષથી ઓછામાં ઓછું રૂા. ૧૦૦૦/- પેન્શનરોની જાહેરાત થતાં જેનો લાભ આજપર્યંત એટલું જ પેન્શન મળે છે. (૨૦૦૧ થી ૨૦૧૪ સુધી રૂા. ૩૨૫/- ૨૦૧૪ થી આજ પર્યંત રૂા. ૧૦૦૦/- બસ વાર્તા પુરી) જેની સામે હજુ આજે પણ એવા ઘણા પેન્શનરો છે કે પછી મૃત્યુ પામેલ પેન્શનરોની વિધવાઓને રૂા. ૧૦૦૦/- થી પણ ‘ખૂબ’ જ ઓછું પેન્શન આજની તારીખે પણ મળે છે જે સત્ય હકીકત છે. દેશમાં જીવન – જરૂરિયાતોની વધતી જતી કારમી મોંઘવારીની સમસ્યા શું સરકારી કર્મચારીઓને જ નડે છે.આઝાદીનાં મીઠાં ફળ આ દેશના છેવાડાના દરેક માનવીને પણ મળવા જોઇએ એવી ગાંધી બાપુની (રામ રાજય) ભાવના આજે આઝાદીનાં ૭૫ વર્ષે પણ સાર્થક થઇ છે ખરી?
સુરત – કીકુભાઇ જી. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.