આખા વિશ્વમાં અત્યાર સુધીમાં ન પકડાયો હોય તેવો મોટો અંદાજિત 21,000 કરોડનો હેરોઈનનો જથ્થો મુંદ્રા અદાણી પોર્ટ પરથી રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા જપ્ત કરાતાં હવે દેશભરની સુરક્ષા એજન્સીઓ તેમાં તપાસમાં જોડાઈ છે. ગુજરાતના સાગરકાંઠે આટલી મોટી માત્રામાં હેરોઈનનો જથ્થો જપ્ત કરાયો છે, તે બાબત આમ તો રાજ્યની એટીએસની નિષ્ફળતા પણ ગણી શકાય. રાજ્ય સરકારે ગાંધીનગરમાં તેની ગંભીર નોંધ પણ લીધી છે. મુંદ્રા પોર્ટ પર આટલા મોટા પાયે હેરોઈનની દાણચોરી ચાલતી હતી, જેની ખબર ન પડતાં એટીએસ ઊંધતી ઝડપાઈ છે, તેના ધેરા પ્રત્યાધાત પડી શકે છે.
ટોચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે મુંદ્રા બંદરેથી જપ્ત કરાયેલું હેરોઈન એટલી શુદ્ધ માત્રાનું છે કે જેની એક કિલોની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ થવા જાય છે. જ્યારે મુંદ્રા પોર્ટ પરથી 2999 કિલો હેરોઈન જપ્ત થયું છે. જેની કિંમત આંદાજિત 21,000 કરોડ આંકવામાં આવે છે.
ચેન્નાઈના આયાતકાર દંપતી સુધાકર અને તેની પત્ની વૈશાલીની રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ધરપકડ કરીને તેમને સ્પે. કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. સુનાવણી બાદ સ્પે. કોર્ટ દ્વારા આગામી તા.30મી સપ્ટે. સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. હવે રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા આ દંપતીની પૂછપરછ કરવામાં આવનાર છે.
આ દંપતીની કંપની દ્વારા અફધાનિસ્તાન વાયા ઈરાન તરફથી લુઝ સ્વરૂપમાં ટેલ્કમ પાઉડર મંગાવવામાં આવ્યો હતો. જેમાં ટેલ્કમ પાઉડરની જગ્યાએ હેરોઈન મળી આવ્યું હતું. છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમ્યાન રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા આ હેરોઈનના જથ્થાની ગણતરી ચાલી હતી. જેમાં સમગ્ર હેરોઈનના જથ્થાનું વજન 2999 કિલો થવા જાય છે. જેની અંદાજિત કિંમત 21,000 કરોડ થવા જાય છે. ટેલ્કમ પાઉડર આયાતકાર દંપતીની પાછળ હકીકતમાં ષડયંત્રકારો કોણ છે ? તેની પણ તપાસ ચાલી રહી છે. સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ તેમજ રો સહિતની તપાસ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. મુદ્રા પોર્ટ પર દરમ્યાનમાં અફધાનિસ્તાનથી આવેલા અન્ય બીજા ત્રણ કન્ટેનરોની પણ કસ્ટમ્સ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જો કે મોડી રાત સુધી તેમાં તપાસ ચાલુ રહેવા પામી હતી.