મિત્રો, આપ સૌ વિદ્યાર્થીઓની NEET પરીક્ષા સારી જ ગઇ હશે. પરિણામ આવવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હશો. આપણે ત્યાં ધો. ૧૨ – જીવશાસ્ત્ર સાથે વિજ્ઞાનપ્રવાહનો વિદ્યાર્થી અને વાલી મેડિકલમાં પ્રવેશ લેવાની ખેવના રાખતા હોય છે. મેડિકલમાં પણ ખાસ કરીને ડૉકટર બનવાની મહેચ્છા અદમ્ય હોય છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઓલ ઇન્ડિયા ધોરણે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે NEET લેવામાં આવે છે. NEET માં mcqs હોવાને કારણે ગોખણપટ્ટી કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઊંચો સ્કોર નથી લાવી શકતા. મેડિકલ સિવાયના પેરા-મેડિકલમાં પણ પ્રવેશ લેવા માટે ગળાકાપ હરીફાઇઓ ચાલતી હોય છે. NRI કે મેનેજમેન્ટ કવોટાની બેઠકોની ઊંચી ફી હોય છે ત્યારે વાલીઓ પોતાનાં સંતાનોને MBBS કરવા માટે દુનિયાના વિવિધ દેશોમાં મોકલે છે. આજે વૈશ્વિકીકરણના યુગમાં કોઇ પણ વ્યકિત ગમે તે જગ્યાએ અને ગમે તે બ્રાન્ચમાં ભણી શકે છે.
વિદેશમાં મેડિકલ ભણવા જવાના થોડાં કારણો પર નજર નાંખીએ તો….
- * ઘણાંને વિદેશમાં સેટલ થવું હોય છે તો ત્યાં ભણીને ત્યાં જ સેટલ થવામાં બહુ સરળતા રહે છે.
- * ઘણાંની અદમ્ય ઇચ્છા ડૉકટર બનવાની હોય છે.
- અહીં પ્રવેશ ન મળે અને NRI કે મેનેજમેન્ટ પર લેવા કરતાં વિદેશ ભણવું સારું, ત્યાં PR મળવાની તકો વધી જાય છે.
- * વિદેશથી મેળવેલી MBBSની ડિગ્રીઓ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવાની શકયતા વધે છે.
– વિદેશમાં મેડિકલમાં અભ્યાસ કરવા માટેની પાત્રતા:
હવે તો દરેક એરિયામાં ‘Study abroad’ના બોર્ડવાળી ઓફિસીસ જોવા મળે છે. દરેક દેશમાં પોતાની નકકી કરેલી પાત્રતા જોઇતી હોય છે છતાં સામાન્ય રીતે ભારતીય વિદ્યાર્થીઓ માટેના માપદંડ- * જે વર્ષે પ્રવેશ લેવાનો હોય છે તેના ૩૧ ડિસેમ્બર સુધી વિદ્યાર્થીની ઉંમર ૧૭ વર્ષથી વધુ હોવી જરૂરી છે. * વિદ્યાર્થીએ ધો. ૧૨ માં અભ્યાસ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર અને અંગ્રેજી સાથે પૂર્ણ કરેલ હોવો જોઇએ. * સામાન્ય વર્ગના એટલે કે અનઆરક્ષિત કેટેગરી (UR) વિદ્યાર્થીએ 50% ઓછામાં ઓછા મેળવેલા હોવા જોઇએ અને અનામત કેટેગરીના વિદ્યાર્થીએ ત્રણ મુખ્ય વિષયમાં 40% મેળવેલા હોવા જોઇએ અને અંગ્રેજી હોવું આવશ્યક છે. * NEET ફરજીયાત પાસ કરેલી હોવી જોઇએ. એનો સ્કોર ત્રણ વર્ષ સુધી માન્ય ગણાય છે. – ભારતીય નાગરિક માટે નીચેના દેશોમાં MBBSમાં પ્રવેશ ઉપલબ્ધ છે. ફિલિપાઇન્સ, રશિયા, યુક્રેઇન, ચાઇના, બાંગ્લાદેશ, જયોર્જિયા, આર્મેનિયા, કઝાકિસ્તાન,કિિર્ગસ્તાન.
** ફીનાં ધોરણો વખતોવખત બદલાતાં રહે છે. * મિત્રો, ફીનાં ધોરણ અન્ય ખર્ચાનો અંદાજ MBBS કયાં કરવું તેનો નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જો તમે યુ.એસ., ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુકે જઇને MBBSનો અભ્યાસ કરવા માંગતા હો તો તમારું બજેટ ૧ કરોડથી પણ વધુ થઇ શકે છે અને આ દેશોમાં એમની પ્રવેશપરીક્ષા તો પાસ કરવી જ પડે છે. એટલા માટે મોટા ભાગના વિદ્યાર્થીઓ ફીનાં ધોરણો જે દેશમાં નીચાં હોય ત્યાં જવાનું પસંદ કરે છે. એક આંકડા પ્રમાણે 2018 માં યુક્રેઇનમાં ભારતમાંથી ૩,૨૦૦ વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ લીધો હતો.
ખાસ અગત્યનું:
જેતે દેશમાં, જેતે યુનિવર્સિટીમાં પ્રવેશ લેતાં પહેલાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. જેતે કોલેજ / યુનિવર્સિટી – આપણા દેશની MCI – મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લિસ્ટમાં હોવી જરૂરી છે અને એને WHO – વિશ્વ આરોગ્ય સંસ્થાની માન્યતા પણ હોવી જરૂરી છે. મિત્રો, જો તમે પસંદ કરેલી કોલેજ MCIના લિસ્ટમાં નહીં હશે તો તમારે ભારતમાં મેડિકલની પ્રેકટીસ કરવા માટે MCIની સ્ક્રીનીંગ ટેસ્ટ પાસ કરી લાઇસન્સ મેળવવા માટે આપવી આવશ્યક છે. આવતા અંકે – વિદ્યાર્થીઓને વિદેશમાં મેડિકલના અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ અને ભણ્યા પછી ભારતમાં પ્રેકટીસ કરવામાં પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરીશું.
‘પીળું એટલું સોનું નહીં’ (ક્રમશ:)