Charchapatra

હેલમેટ આફત કે રાહત

આજકાલ એક યક્ષ પ્રશ્ન સૌના મનમાં ઉભો થાય છે કે દ્વિ ચક્રીય વાહન હંકારતી વખતે માથા ઉપર પહેરવામાં આવતો હેલમેટ આફતરૂપ છે કે રાહત સમાન. ઘણાં ચાલકો હેલમેટને આફત ગણે છે, કેમ કે, હેલમેટનું વજન વધારે હોવાથી, તેઓને બોજ લાગે છે. ઘણાંને સાંભળવામાં તકલીફ થાય છે. ખાસ કરીને પાન પડીકી ખાનારા વ્યક્તિઓને માવો ખાઈને થૂંકતી વખતે બહુ આપદા પડે છે. પરંતુ આ લોકો એટલું લોજિક પણ સમજતા નથી કે હેલમેટ તો સુરક્ષાનું મેગનેટ છે. હેલમેટ પહેરવાથી માથાની સુરક્ષા સારી રીતે થઈ શકે છે. ઓચિંતો અકસ્માત થાય તો પણ મોટી કે ગંભીર ઈજા સામે રક્ષણ મળી રહે છે.

  “હેલમેટ એ નથી માથાનો ભાર, હેલમેટ છે જીવનનો આધાર”.આ ઉક્તિ સમજીએ તો આપણે હેલમેટને બોજા સમાન ન ગણતાં ઉપકારક સમજવો જોઈએ. અકસ્માત ક્યારેય કહીને થતો નથી, અકસ્માત તો ઓચિંતો કે આકસ્મિક જ થાય છે એટલે જ એનું નામ અકસ્માત રાખવામાં આવ્યું છે. અગાઉના વખતમાં ઝાઝો વાહન વ્યવહાર  હતો નહીં તથા હેલમેટ જેવા ઉપકરણો શોધાયા ન હતાં, એથી ક્યારેક ઓચિંતો અકસ્માત થાય તો માથાનું રક્ષણ થતું ન હતું અને વાહન ચાલક મોતને શરણ થતો હતો. હવે બદલાયલા જમાનામાં પુષ્કળ વાહન વ્યવહાર વધી ગયો તેથી વ્યક્તિઓની સુરક્ષાના નવા નવા ઉપકરણો પણ શોધાયા છે. માટે હેલમેટને માથા ઉપરનો બોજ ન ગણતાં માથા ઉપરનો તાજ ગણવો જોઈએ. પોતાની સ્વરક્ષા માટે વાહન ચલાવતી વખતે હેલમેટ પહેરવો જરૂરી છે. સરકારશ્રી એ પણ હેલમેટ પહેરવાનો કાયદો ધડ્યો છે, પરંતુ લોકો આ આદેશનું પાલન કરતા નથી એ અલગ બાબત છે. આથી મારી વિચારસરણી, અનુભવ અને વાહન વ્યવહારની તાસિર જોતાં હેલમેટ એ આફતરૂપ નહીં પરંતુ રાહત સમાન છે.
હાલોલ – યોગેશભાઈ આર જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top