આગામી ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી આ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ મુજબ આખા દેશમાં પાર્ટી ત્રણ અઠવાડિયાના વિવિધ કાર્યક્રમો યોજવાની છે. આ વિવિધ કાર્યક્રમો દેશભરમાં ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી ચાલશે. એક અહેવાલ મુજબ, દેશના નાગરિકોમાં ૧૪ કરોડથી વધુ મોદીના ફોટોવાળી રાશન કિટબેગનું વિતરણ કરવામાં આવશે. પાંચ કરોડથી વધુ થેન્ક્યૂ મોદીજીના પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે. લોકોના મગજમાં ઠસી જાય ત્યા સુધીનું આ કાર્યક્રમોનું સોશ્યલ મીડિયા પર કવરેજ કરાવામાં આવશે.
હજુ ઊભાં રહો, આટલું જ નથી. આ ત્રણ અઠવાડિયા દરમિયાન કોરોના વેક્સિનના દેશના વિવિધ વિસ્તારોમાં મોદીજીના નામે કેમ્પ લાગશે. બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવશે. મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. બુથ સ્તર સુધી છેક પાયાના કાર્યકરને લોકોમાં ઉજવણી કરવાનું કહેવામાં આવશે. મીઠાઈઓ વહેંચાશે, બીજી જરૂરિયાતની ચીજ-વસ્તુઓનું વિતરણ પણ જરૂરિયાતમંદોમાં થશે. વળી, આ કાર્યક્રમોનું આયોજન એવાં સમયે થઈ રહ્યું છે જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ઇલેક્શન માથા પર છે. અલબત્ત, મોદીજીનો બર્થ-ડે પાર્ટી માટે એક પોલિટિકલ લ્હાવો બની જશે. આ તો બસ એક ઝલક જ છે મોદીજીના બર્થ-ડે સેલિબ્રેશનની. આ સિવાય પાર્ટી કાર્યકરો દ્વારા બીજું શું શું આયોજન થશે એ તમે જાણો જ છો. સોશ્યલ એન્જિનિયરિંગમાં મોદીને કોઈ પહોંચી શકે તેમ નથી.
રાજનીતિક સમીક્ષકોનું કહેવું છે કે, કોવિડ-૧૯ની બીજી લહેરમાં સરકારની સદંતર નિષ્ફળતા, ઓક્સિજનની અછતથી મોત, હોસ્પિટલોમાં બેડની કમી, ચારેબાજુ અવ્યવસ્થા અને મોતનો માહોલ! આ દરમિયાન લોકોમાં અરાજક્તા ફેલાઈ ગઈ હતી. સરકારી મશીનરીઓ રીતસર નિષ્ફળ નીવડી હતી. પરિણામે તેની સીધી અસર મોદીની લોકપ્રિયતા પર પડી હતી. કોવિડ-૧૯ની બીજી લહેરમાં દેશની જે હાલત હતી તે જોઈને રાષ્ટ્રીય સ્તરે તો ખરી જ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખુબ જ ટીકાઓ થઈ હતી.
અરે! જે વૈશ્વિક મીડિયાએ મોદીને માથે બેસાડ્યાં હતાં તેઓએ જ મોદીની નિષ્ફળતાને રોજેરોજ પ્રસિદ્ધ કરી હતી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં ઇન્ડિયા ટુ ડે – મૂડ ઓફ નેશન નામના સર્વેમાં એવાં સંકેત મળ્યાં હતાં કે, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખુબ જ ઘટી ગઈ છે. લોકોનો મોદી બ્રાન્ડમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે. દેશમાં કોવિડ-૧૯ના કારણે અત્યાર સુધીમાં ૪.૪૦ લાખ લોકોના મોત નીપજી ચૂક્યાં છે. રાજકીય પંડિતોનું કહેવું છે કે, આ આંકડા સત્તાવાર છે અને જે મોત નીપજ્યાં છે તેનાંથી ક્યાંય ઓછો દેખાડવામાં આવે છે!
જો ઇન્ડિયા ટુ ડેના સરવેની વાત કરીએ તો – ભલે નરેન્દ્ર મોદી આજે પણ દેશના સૌથી લોકપ્રિય નેતા છે, પણ એ આંકડો એક વર્ષ પહેલાંના આંકડાથી અડધો થઈ ગયો છે! વિસ્તારથી સમજાવું તો, આ સરવેમાં ૨૪ % લોકોએ એવું કહ્યું છે કે, મોદી જ નેક્સ્ટ PM બનવા માટે સૌથી યોગ્ય કેન્ડિડેટ છે, પણ આ આંકડો ઓગસ્ટ, ૨૦૨૦માં ૬૬ % હતો, એટલે કે, ૬૬ % લોકો એવું માનતાં હતાં કે, મોદી જ આપણાં નેક્સ્ટ PM છે. તેમાં સીધો ૪૨ %નો ઘટાડો થયો છે!
હજુ આગળ જૂઓ – આ સરવેમાં ૫૪ % લોકો મોદી સરકારના પ્રદર્શનને ઉત્કૃષ્ટ ગણાવ્યું હતું, પણ આ આંકડો હજુ જાન્યુઆરી, ૨૦૨૧માં ૭૪ % હતો! એટલે કે કોવિડ-૧૯ની બીજી લહેર બાદ તેમાં પણ સીધો ૨૦ %નો ખાડો! તાજેતરમાં ઇન્ડિયા ટુ ડેના સરવે પહેલાં મે, ૨૦૨૧માં પણ એક સરવે થયો હતો, જેમાં એવું સામે આવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી રહી છે. જો કે, ભાજપના નેતાઓ આ બધા સરવેને હંબગ ગણાવે છે. તેઓનું કહેવું છે કે, પ્રધાનમંત્રીની લોકપ્રિયતા વધી છે. ભાજપ એવો દાવો કરે છે કે, કોઈપણ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓના પરિણામો જો ઈ લો, ભાજપને તેમાં લાભ થયો જ છે અને હજુ તો લોકસભા ચૂંટણીમાં અઢીથી ત્રણ વર્ષની વાર છે.
જો ભાજપ એવો દાવો કરતો હોય કે, મોદીની લોકપ્રિયતા ઘટી નથી તો પછી આટલાં મોટાપાયે ફેરફારો કેમ થઈ રહ્યાં છે. નાની નાની વાતોમાં ઉજવણીઓ કેમ થઈ રહી છે? મોદીના જન્મદિનને આટલાં મોટા પાયે ઉજવવાની શું જરૂર પડી? એવાં પ્રશ્નો પણ પૂછાઈ રહ્યાં છે. મોદીના ૭૧મા બર્થ-ડેની ઉજવણીની વાત પર પાછા ફરીએ તો રાષ્ટ્રીયસ્તરે યોજાનારાં આ કાર્યક્રમોમાં મોદીના વ્યક્તિત્વ અને તેમની કામ કરવાની પદ્ધતિને લઈને કેન્દ્રિય, રાજ્ય, જિલ્લા અને તાલુકા લેવલ પર ભાજપના કાર્યાલયોમાં એક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવશે. આવાં આયોજનમાં પક્ષના વરિષ્ઠ નેતાઓની ભૂમિકા મહત્ત્વની હશે. તેઓને સોશ્યલ એન્જિનિયરિંગનું કામ સોંપવામાં આવ્યું છે. એવું સમજો કે, કોવિડ-૧૯ની બીજી લહેરમાં જે નાલેશી મળી છે તેનાં પર મલમ ચોપડવા આ આયોજનો થઈ રહ્યાં છે, તેવું ટીકાકારોનું કહેવું છે.
તાજેતરમાં જ PMએ કેબિનેટમાં મોટો ફેરબદલ કર્યો હતો. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને મોદીની હોમપીચ ગુજરાતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હતો. ગુજરાતમાં ચારેય હિસ્સાઓ – દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને નવા કેબિનેટ મંત્રીઓને સામેલ કરાયાં હતાં. આ ઉપરાંત વિવિધ રાજ્યપાલોને બદલીને ગુજરાત – ઉત્તરપ્રદેશનું વજન વધારાયું હતું.
એક વરિષ્ઠ રાજકીય સમીક્ષકનું કહેવું છે કે, પહેલાંના અને આજના પ્રધાનમંત્રીમાં એટલો જ ફરક છે કે, પહેલાંના પ્રધાનમંત્રીઓનો બર્થ-ડે ક્યારે આવીને જતો રહેતો કોઈને ખબર જ ન પડતી, ડો.મનમોહનસિંહની જ વાત લઈ લો, તેઓ વડાપ્રધાન હતાં ત્યારે તેમનો બર્થ-ડે ક્યારે આવતો હતો, પ્રજાને ખબર ન હતી! આ સમીક્ષકોનું કહેવું છે કે, સ્વ.અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ પણ ફક્ત નાના સ્તરે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા મનાવવામાં આવતો હતો, આટલો ભપકો ક્યારેય જોયો નથી!
આનાંથી પણ આગળ વધતાં મોદીના બર્થ-ડેને મનાવવાનું જે રીતે પ્લાનિંગ થઈ રહ્યું છે તેનાં વિશે એક રાજકીય સમીક્ષકનું કહેવું છે કે, હાલ દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે, કિસાન આંદોલન તેની ટોચ પર પહોંચી ગયું છે, મોંઘવારી મોંઢું ફાડીને બેઠી છે, પેટ્રોલ – ડિઝલની કિંમતો રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચી ગઈ છે. આટલી કિંમતો તો ક્યારેય નોહતી. અને આ બધા વચ્ચે કોરોના મહામારીને હેન્ડલ કરવામાં સરકારની સરેઆમ નિષ્ફળતાનો બટ્ટો લાગેલો છે. પરિણામે મોદીજી એવું માને છે કે, તેમનાં બર્થ-ડેનો મોકો મળ્યો છે તો તેનો ઉપયોગ કરી લેવામાં આવે.
ફરી એક વખત તેઓ પોતાની લોકપ્રિયતાને સ્થાપિત કરવા માગે છે. તેઓ વધુમાં કહે છે કે, કોઈ પ્રધાનમંત્રીની શખ્સિયતની આજુબાજુ ૨૧ દિવસ સુધી કોઈને કોઈ કાર્યક્રમો દેશમાં મનાવવામાં આવે તો જનતા પર તેનો પ્રભાવ અચૂક પડે જ. એક સાયકોલોજી છે કે, કોઈ વસ્તુને આદત બનાવવી હોય તો તેને ૨૧ દિવસ સુધી કરતાં રહો, પછી જૂઓ એ તમારી આદત બની જશે. બીજી તરફ ટીકાકારો એવું પણ કહે છે કે, કોવિડ-૧૯ની બીજી લહેર પછી ખુદ નરેન્દ્ર મોદી પોતાની છબિને લઈને હળબળી ગયાં છે. ઇન્ડિયા ટુ ડેનો સરવે બહાર ન આવ્યો હોત તો પણ પ્રધાનમંત્રી આ રીતે જ બર્થ-ડે મનાવત, કારણ કે તેઓને પણ ઘણાં સંકેત મળી ગયાં છે, સમસ્યા વિકટ બની ચૂકી છે.
તમને ખબર હોય તો કોવિડ-૧૯ની બીજી લહેર વખતે સરકાર દ્વારા મહામારીને હેન્ડલ કરવાની પદ્ધતિને લઈને અનેક રાજ્યોમાં મોદીના સમર્થકો પણ નારાજ થયાં હતાં. અરે! ઉત્તર પ્રદેશમાં તો યોગી સરકાર વિરુદ્ધ રીતસર નારાજગી ઊભી થઈ હતી. દેશમાં તો છોડો વિશ્વમાં પણ ભારતની એવી છબિ ઊભી થઈ હતી કે, કોવિડ-૧૯થી લોકો ટપોટપ મરી રહ્યાં છે. ઠેર-ઠેર સ્મશાનોની તસવીરો જોવા મળતી હતી. ઓક્સિજનની અછતથી લોકો મરી રહ્યાંના અહેવાલો વહેતાં થયાં હતાં. સોશ્યલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં હતાં. દેશભરની હોસ્પિટલોમાં ICU બેડની અછત ઊભી થઈ હતી. ICU બેડ ન હોવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. હવે આ બધુ લોકોના માનસપટ પરથી ભૂંસવા માટે મોદીનો બર્થ-ડે લોકોની જરૂરિયાતોને પૂરી કરીને ઉજવવાની યોજના બનાવવામાં આવી છે.
ભાજપના એક નેતા તો મીડિયામાં કહી રહ્યાં છે કે, મોદીજીના જન્મદિવસથી શરૂ થતાં ૨૧ દિવસના વિવિધ કાર્યક્રમોમાં દેશના જે લોકોને ફ્રીમાં વેક્સિન મળી છે, રાશન મળ્યું છે, ઉજ્વલા યોજનામાં ગેસ મળ્યો છે, આવાસ યોજનામાં મકાન મળ્યું છે, નળમાં પાણી પહોંચ્યું છે વગેરે વગેરે જે મદદ મળી છે તેઓ તો કહેવાના છે જ – મોદી હૈ તો મુમકીન હૈ. પ્રધાનમંત્રીજી તમે અમારાં કલ્યાણ માટે જ કામ કરી રહ્યાં છો. અને હિસાબ પણ સીધો છે – વિરોધ કરનારાંઓથી સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવનારાં લોકોની સંખ્યા ક્યાંય વધારે છે. એટલે જ મોદીને હરાવવા મુશ્કેલ જ નહીં નામુમકીન પણ છે.