નડિયાદ: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર તેમજ રાધાજી મંદિરમાં ભાદરવા સુદ આઠમના પવિત્ર દિવસે રાધાષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે મંદિરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલાં શ્રધ્ધાળુઓએ ઠાકોરજીના રાધાજી સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં ભાદરવા સુદ આઠમના પવિત્ર દિવસે રાધાષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં બિરાજમાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનને નાકે નથણી, લાલ ચુંદડીયા વસ્ત્રો તેમજ વિશેષ આભુષણો થકી રાધાજી સ્વરૂપનો શણગાર કરવામાં આવ્યો હતો.
મંદિરમાં શણગાર આરતી પહેલાં ઠાકોરજીને ઉત્સવનો તિલક કર્યા બાદ ઉત્સવ ભોગ ધરાવવામાં આવ્યો હતો. તેમજ મહાભોગ આરતી ઉતારવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ઉમટી પડેલાં હજારો શ્રધ્ધાળુઓએ ઠાકોરજીના રાધાજી સ્વરૂપના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય રણછોડ તેમજ રાધે…રાધે ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ડાકોર સ્થિત રાધાકુંડ ખાતે આવેલ શ્રી રાધાજી મંદિરમાં પણ રાધાષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં બિરાજમાન રાધાજીને વિશેષ શણગાર કરી પરંપરા મુજબ સેવા-પુજા કરવામાં આવી હતી.