Charchapatra

સોનાની થાળીમાં

સોનાની થાળીમાં લોઢાની મેખ અને વખાણેલી ખીચડી દાઢે વળગી , એવી બે ગુજરાતી કહેવતોની યાદ અપાવે એવી ઘટનાનો અનુભવ થયો. સુરત શહેરને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રથમ છ ફાઈવ સ્ટાર જાહેર થયેલાં શહેરોમાં સ્થાન મળ્યું છે. હવે એક કિસ્સો હું જે સોસાયટીમાં રહું છું ત્યાં બન્યો છે. અમારી સોસાયટીમાં એક કૂતરું અત્યંત બીમાર હાલતમાં એક જગ્યા પર આવીને સૂતું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કરુણા વિભાગમાં જાણ કરતાં ત્યાંથી આવીને કૂતરાની સારવાર કરી ગયા. પણ કૂતરાના શરીરમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી, જેથી સોસાયટીનાં રહીશોનું આરોગ્ય જોખમાતું હોવાને કારણે તેને લઇ જવા બીજી ફરિયાદ જે તે ખાતામાં કરી.

તે ખાતામાંથી પહેલાં જવાબ મળ્યો કે તમારી ફરિયાદ ફલાણી વ્યક્તિને સોંપવામાં આવી છે. થોડા સમય પછી બીજો મેસેજ આવ્યો કે તમારી ફરિયાદ બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્યાર પછી જવાબ મળ્યો કે તમારી ફરિયાદના અનુસંધાનમાં જણાવવાનું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં કૂતરાઓનો બર્થ કંટ્રોલ રસીકરણ બંધ કરવામાં આવેલ છે. બોલો, ફરિયાદ શું કરી હતી અને જવાબ શું મળ્યો ? આ જાણ્યા પછી ઉપર જણાવેલી બે કહેવતો યાદ નહીં આવે તો શું થાય? જો કે છેવટે તે કૂતરું ગુજરી ગયું અને ત્યાર પછી એ અંગે જાણ કરતાં પાંચ – છ કલાક પછી તેનો નિકાલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લાગતાવળગતા ખાતા તરફથી કરવામાં આવ્યો.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top