Gujarat

ગુજરાતમાં 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગે (Meteorological Department) આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની (Rain) આગાહી કરી છે. રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં થી 40 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના આકાશમાં વાદળોનું લો પ્રેશર સર્જાયું છે. આ સાથે જ પાડોશી રાજ્યોમાં ખાંડવા, બાલાઘાટ, રાયપુર, સંબલપુરના આભમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના લીધે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, ગિર સોમનાથ, દીવદમણ, દાદરાનગર હવેલી, કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. સુરતના મોરાભાગળ વિસ્તારમાં આજે સવારે એક જૂનું જર્જરિત મકાન તૂટી પડ્યું હતું, જેની નીચે પાંચ બાઈક દબાઈ ગયા હતા. કોઈ જાનહાનિના સમાચાર સાંપડ્યા નથી.

રવિવારે બપોર બાદથી રાજ્યમાં મેઘરાજાએ રૌદ્રરૂપ ધારણ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં મેહૂલો મન મૂકીને વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 64.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાઈ જવાના પગલે રાજ્યના 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 136 રસ્તાઓ બંધ કરી દેવાની ફરજ પડી છે. જામનગર જિલ્લામાં એક જ દિવસમાં 50 વર્ષમાં ન વરસ્યો હોય તેવો વરસાદ વરસી જતા ગામે ગામ શેરીઓમાંથી નદીઓ વહેવા લાગી છે. જામનગરના બાંગા ગામે સવારે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. કાલાવડી નદીના પાણીમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ નદીના પાણીનું સ્તર વધી જતા 31 લોકો ફસાઈ ગયા હતા જેને દોરડા બાંધીને સલામત રીતે બહાર કાઢવાની ફરજ પડી હતી.

ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયા હતા. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. તો બીજી તરફ અનેક જળાશયો ઓવરફ્લો થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મળીને કુલ ચાર જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઇ હોવાની ઘટના સામે આવી હતી.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્યગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદ થવાથી નવા નીરની આવક થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદને કારણે બચી ગયો છે.

Most Popular

To Top