Editorial

પાટીદારો જ ભાજપની વૈતરણી પાર કરી શકે છે

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીને લઈને શનિવારથી શરૂ થયેલા સસ્પેન્સનો રવિવારે અંત આવી ગયો છે. ભાજપે પાંચ વર્ષ બાદ પાટીદાર નેતાને મુખ્ય મંત્રીપદે બેસાડ્યા છે. અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને આનંદીબહેન પટેલની નજીક માનવામાં આવે છે, એટલે સુધી કે તેઓ આનંદીબહેનની પરંપરાગત ઘાટલોડિયા (અમદાવાદ) બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા છે અને હવે મુખ્ય મંત્રી બની ગયા છે.

2017માં એવી ચર્ચા હતી કે આનંદીબહેનનાં પુત્રી અનારબહેનને તેમનાં માતાની બેઠક મળશે, પરંતુ અંતે ભૂપેન્દ્ર પટેલના નામ ઉપર કળશ ઢોળાયો હતો.ભૂપેન્દ્ર પટેલ અગાઉની ઘાટલોડિયા નગરપાલિકાના અધ્યક્ષ હતા અને અમદાવાદની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન રહી ચૂક્યા છે અને ઔડા (અમદાવાદ એરિયા ડેવલપમૅન્ટ ઑથૉરિટી)ના ચૅરમૅનપદે પણ રહી ચૂક્યા છે. વિવાદ ન થાય તે માટે વિદાય લેનારા મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા જ તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ગુજરાતની 182માંથી 71 બેઠક પર પાટીદાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તેમની વસતિ 15 ટકા આસપાસ છે. એટલે જાતિગત બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ જણાય છે. ગુજરાતની બેઠકોની વાત કરીએ તો પટેલ સમાજ બે પેટાજ્ઞાતિઓ લેઉવા પટેલો અને કડવા પટેલોમાં મુખ્યત્વે વહેંચાયેલા છે.

જેમાં ૬૫ ટકા લેઉવા મતો સૌરાષ્ટ્ર અને કચ્છની ૫૮ વિધાનસભા બેઠકોમાંથી ૪૧ બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વિખરાયેલી વસતી હોવાથી આ સમાજ કોઇપણ પક્ષની દશા કે દિશા બંને બદલી શકે છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં લેઉઆ ઉમેદવારોની ઉપેક્ષા થવાથી સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાર-ચાર બેઠકો સાથે ટાઇ સર્જાઇ હતી. લોકસભાનાં મતોની સરખામણી વિધાનસભા બેઠકો પરથી કરીએ તો લેઉવા પટેલોની બહુમતી ધરાવતી ૫૦ બેઠકો પર ભાજપનો માત્ર ૩ હજાર મતોની પાતળી સરસાઇથી વિજય થયો હતો. દક્ષિણ ગુજરાતમાં ૨૦ ટકા લેઉવા મતદારો ૨૯માંથી ૧૯ સીટો પર નિર્ણાયક ભૂમિકામાં છે.

તે ઉપરાંત અમદાવાદની દસ બેઠકો, વડોદરા શહેર, મધ્ય ગુજરાતથી છેક સુરત સુધી, ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મોડાસાથી અંબાજી સુધી ૪૩ બેઠકો પર લેઉવા પટેલોની છૂટીછવાઇ વસતી હોવાથી તે મતદારો પણ ચૂંટણીમાં નિર્ણાયક તો નહીં કહી શકાય પરંતુ મહત્વની ભૂમિકા ભજવે છે. કડવા પટેલ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઉમેદવારનું ભાવિ નક્કી કરે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને પાટનગર ગાંધીનગરની ૨૦ જેટલી બેઠકો પર કડવા પટેલ સમાજ પ્રભુત્વ ધરાવે છે. લેઉવા અને કડવા પટેલોની બેઠકો પરની વોટિંગ-પેટર્ન પર થયેલા સંશોધનો જણાવે છે કે પટેલો કોઇ એક પક્ષનાં પારંપારિક મતદાર રહ્યા નછી. લેઉવા પટેલ એક વર્ચસ્વ ધરાવનાર સમાજ છે. જેથી માત્ર ઉમેદવારોને પસંદ કરવા કરતાં જે-તે પક્ષમાં સમાજનાં કેટલા પ્રતિનિધિઓ હોદ્દેદાર છે તેનો પણ ચિતાર મેળવી લે છે.

આનંદી બેન પટેલની વિદાય પછી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતાં પરંતુ પાટીદારનો એક મોટો વર્ગ તેનાથી નારાજ હતો. જો કે, ભીખુભાઇ દલસાણિયા સંગઠન મહામંત્રી હતા અને જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતાં પરંતુ જીતુ વાઘાણીની વિદાય પછી ભાજપે સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા હતા એટલું જ નહીં પરંતુ સંગઠન મંત્રી પણ રત્નાકરને બનાવી દેવામાં આવતા ગુજરાત ભાજપના તમામ મહત્વના પદમાંથી પાટીદારનો એકડો નીકળી ગયો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટી ભલે પાપા પગલી ભરી રહી હોય પરંતુ સુરત મહાનગર પાલિકાની જે 27 બેઠકો આમ આદમી પાર્ટીએ મેળવી તે તમામે તમામ બેઠક પાટીદારોના ગઢની હતી. આ ચૂંટણી ભલે સ્થાનિક હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે સૂચક હતી. તો બીજી તરફ આપની જન સંવેદના યાત્રાને પણ જ્યાં સૌથી વધુ આવકાર મળી રહ્યો છે તે પણ પાટીદાર વિસ્તારો જ છે. આમ ભાજપને લાગી રહ્યું હતું કે, પાટીદારોની વોટ બેંક ધીરે ધીરે ભાજપ તરફથી સરકી રહી છે તેના કારણે જ રૂપાણીને ખસેડીને પાટીદાર મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું હાલના તબક્કે તો લાગી રહ્યું છે.

ભાજપ સારી રીતે જાણે છે કે, પાટીદારો જ ભાજપની વૈતરણી પાર કરી શકે છે અને તે જ કારણસર મુખ્યમંત્રીનો કળશ ભારતીય જનતા પાર્ટી પર ઢોળાયો છે. પાટીદારો જે રીતે ભાજપથી વિમુખ થઇ રહ્યાં હતા તે જોતા ભાજપ પાસે પાટીદાર મુખ્યમંત્રી સિવાય કોઇ વિકલ્પ બચ્યો જ નથી. અગાઉ ગુજરાતની 182 બેઠકોમાંથી ભાજપને 110 બેઠકો જ મળતી હતી. પરંતુ પાસના આંદોલન બાદ ભાજપની બેઠકો 100ની પણ અંદર ચાલી ગઇ હતી. જે ખતરાની ઘંટડી સમાન હતી અને તે વખતે પણ પરિસ્થિતિ બદલવામાં પાટીદારોએ જ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Most Popular

To Top