નવસારી: (Navsari) ઉભરાટ (Ubhrat) જઇ રહેલા સુરતના (Surat) પરિવારની કાર કરાખટ ગામના વળાંક પાસે ફાર્મ હાઉસની દીવાલ સાથે અથડાતાં કાર ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય વ્યક્તિઓને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભેસ્તાનનો સાગડે પરિવાર તેમના બેન-બનેવી, સંતાનો અને સંબંધી સાથે ફરવા નીકળ્યો હતો. મરોલીની આગળ કરાખટ ગામ પાસે અકસ્માત થતાં કારનો કાચ અને પતરા તૂટી ગયા હતા. અન્યોને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સુરત ચોર્યાસી તાલુકાના ભેસ્તાન સોમેશ્વર-2માં સુરેશ પુંજારામ સાગડે તેમના પરિવાર સાથે રહે છે. સુરેશની માનીતી બહેન માયા અને તેમનો પતિ યોગેશ એકનાથ મસ્કે તેમના પરિવાર સાથે ઉભરાટ ખાતે ફરવા જવાના હતા. જેથી યોગેશ તેના મિત્રની કાર (નં. જીજે-05-આરએમ-0593) લઇ આવ્યો હતો. જેથી ગત 10મીએ યોગેશ, તેની પત્ની માયા, તેનો છોકરો પિયુષ, સુરેશ અને તેની પત્ની-બાળકો તેમજ લક્ષ્મણ વિઠ્ઠલભાઇ વાઘ કારમાં બેસી ઉભરાટ જવા નીકળ્યા હતા. કાર યોગેશ મસ્કે ચલાવી રહ્યો હતો.
દરમિયાન મરોલી બજાર ક્રોસ કરી ઉભરાટ તરફ જઇ રહ્યા હતા. ત્યારે યોગેશ કાર પુરઝડપે ચલાવતો હોવાથી કરાખટ ગામ પાસે વળાંક વાળા રસ્તા પર કારના સ્ટિયરીંગ પરથી કાબુ ઘુમાવી દેતા કાર એક બંધ ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાઇ હતી. જેથી કાર વિરૂદ્ધ દિશામાં ફરી જતા કારનો કાચ અને પતરા તૂટી ગયા હતા. ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને કારમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે મરોલી સી.એચ.સી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે યોગેશ એકનાથ મસ્કેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે સુરેશભાઈની ફરિયાદને આધારે મરોલી પોલીસ મથકના પી.આઇ. એસ.એમ. સગરે તપાસ હાથ ધરી છે.