આજકાલ યુધ્ધભૂમિ પરની ફિલ્મો ખૂબ બની રહી છે. ભારત માટે દુ:શ્મન તો ચીન પણ છે. પરંતુ ચીન સાથેની સરહદ પર ખેલાયેલી જંગ પરથી ‘હકીકત’ જ બની જ્યારે પાકિસ્તાન સામે ખેડાયેલા જંગ અને એ જંગમાં ‘હીરો’ બનેલા શહીદને લઈ વારંવાર ફિલ્મો બને છે. ભારતીયોને પાકિસ્તાનને ધિક્કારવું, ગાળ દેવું બહુ ગમે છે. એટલે ક્રિકેટની મેચ હોય કે સરહદી જંગ, લોકોનો યુધ્ધનશો ચડતો જાય છે. ‘બોર્ડર’ ફિલ્મની સફળતા પછી આવી ઘણી ફિલ્મો બની. હમણાં સિધ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી અભિનીત ‘શેરશાહ’ ફિલ્મ આવી. આ ફિલ્મ શૌર્યકથા છે ને તેની સાથે જ લવસ્ટોરી પણ છે.
લવસ્ટોરી હોય ત્યારે કિયારા વધારે પ્રભાવીત કરે છે ને શૌર્યકથામાં સિધ્ધાર્થ વધારે પ્રભાવીત કરે છે. આ ફિલ્મ પછી સિધ્ધાર્થ જરૂર એવી આશા રાખી શકે કે હવે તેને ઘણી ફિલ્મો મળશે ને લોકોનો પ્રેમ પણ મળશે. દરેક અભિનેતા એવી ફિલ્મોની શોધમાં હોય છે કે જ્યારે તે ફિલ્મના પરદાથી બહાર નીકળી લોકોના હ્દયમાં પ્રવેશે. ‘શેરશાહ’ ને એમેઝોન પ્રાઈમ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મની ઓળખ મળી છે. સિધ્ધાર્થ-કિયારા વચ્ચેની કેમિસ્ટ્રી જોઈ ફિલ્મચાહકો તો એમ પણ કહેવા માંડયા છે કે તે બન્નેએ પરણી જવું જોઈએ. મતલબ કે સિધ્ધાર્થને કેપ્ટન વિક્રમ બત્રા ફળ્યા છે. સિધ્ધાર્થે પોતે પણ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ‘‘શેરશાહને માટે અમને જે પ્રેમ અને પ્રશંસા મળી તેનાથી હું આહલાદિત છું. તેને સૌથી વધુ જોવાનારી ફિલ્મ બનાવવા માટે આભાર !
સિધ્ધાર્થને કરણ જોહરે જ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’માં પહેલીવાર તક આપી હતી અને ‘શેરશાહ’ પણ કરણ જોહરની જ ફિલ્મ છે. જેમ શાહરૂખ માટે યશ ચોપરા મહત્વના બની ગયા હતા તેમ સિધ્ધાર્થ માટે હવે કરણ વધારે ખાસ છે. અત્યાર પહેલાં તેની બાર ફિલ્મ આવી ચુકી છે પણ ‘શેરશાહ’ જેવી જમાવટ અગાઉ નથી થઈ. સિધ્ધાર્થની બારમાંથી છ ફિલ્મોનો નિર્માતા કરણ છે. આખર કરણના વિશ્વાસને સિધ્ધાર્થે સફળતામાં ફેરવ્યો છે. સિધ્ધાર્થ સારા બેનર મેળવવામાં હંમેશા સફળ રહ્યો છે. તેને જોડી તરીકે હીરોઈનો પણ સારી મળી છે. આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, જેકલીન ફર્નાન્ડિસ, સોનાક્ષી સિંહા, રકુલપ્રીત સીંઘ, પરિણીતી ચોપરા અને હવે કિયારા અડવાણી. હવે તેની ‘મિશન મજનૂ’ આવી રહી છે જેમાં રશ્મિકા મંદાના છે અને ‘થેન્ક ગાૅડ’માં ફરી રકુલપ્રીત છે.
સિધ્ધાર્થ પોતે ‘શેરશાહ’ થી ખૂબ ખુશ છે અને આવનારી ફિલ્મોમાં જાન લગાડી દેવા તત્પર છે. તેની પાસે વર્ધન કેતકરની એ ફિલ્મ છે કે જે ‘થાડમ’ની રિમેક છે અને મૃણાલ ઠાકુર, અમાયરા દસ્તૂર તેની હીરોઈન છે. ‘આંખે-2’ માં પણ તે અમિતાભ બચ્ચન સાથે આવી રહ્યો છે. અગાઉ વિપુલ શાહે બનાવેલી ‘આંખે’ સફળ રહેલી હવેની સિકવલ અભિનય દેવ દિગ્દર્શીત કરી રહ્યો છે. સિધ્ધાર્થે પોતાને ફિલ્મ સિવાય ક્યાંય વહેંચ્યો નથી. ટી.વી. શોનો હોસ્ટ નથી બન્યો કે વેબસિરીઝ માટેય તૈયાર નથી થયો. લાગે છે કે તેની નીતિ ફળદાયી બની ગઈ છે. ‘શેરશાહ’ પછી જો કે એવા મિજાજની ફિલ્મ રિલીઝ થાય તો તેને વધારે ગમે પણ તે કહે છે કે પ્રેક્ષકોને શું ગમશે તે કહી ન શકાય પણ હવે તેમને ગમતો થયો છું એ જ મહત્વનું છે.
સિધ્ધાર્થે પહેલીવાર કોઈ એવી ભૂમિકા ભજવી છે જેને લોકો જાણે છે. વિક્રમ બત્રાના કુટુંબને એટલે જ તે વારંવાર મળ્યો હતો. આ કારણે જ ‘દિલ માંગે મોર’ ડાયલોગ બોલતાં તે જોશ અનુભવતો હતો અને ‘યા તો તિરંગા લહેરા કે આઉંગા યા તિરંગે મેં લિપટ કર આઉંગા’ ડાયલોગ વખતે ભાવુક બની ગયો હતો. વિક્રમ બત્રાના કુટુંબીજનો ય ઈચ્છતા હતા કે સિધ્ધાર્થ જ ફિલ્મમાં વિક્રમ બને કારણકે તે થોડો વિક્રમ જેવો દેખાય છે. સિધ્ધાર્થે વિક્રમ બત્રાનો આત્મા પણ પોતાના શરીરમાં ભર્યો તેથી આ સફળતા મળી છે. સિધ્ધાર્થ માટે નવો મોરચો ખોલનારી આ ફિલ્મ છે ને તેથી આવનારા સમયમાં તે પોતાને સાબિત કરવા મચી પડશે.