રીઝર્વ બેંક ઓફ ઇંડિયા વારંવાર જુદી જુદી રીતે બેંકના ગ્રાહકોને સતર્ક રહેવા મેસેજ આપતી રહે છે તે ઘણી સારી વાત છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે તમારી બેંકના ખાતામાં તમે શું ટ્રાન્ઝેકશન કરો છો તે ભારતભરની તેની દરેક બ્રાંચમાં ઓટોમેટીક આપમેળે પહોંચી જાય તે પણ વ્યવસ્થા (?!) બેંકો દ્વારા કરવામાં આવી છે અને આ વાત આરબીઆઇ જાણતી ન હોય તેવું બની શકે નહીં. ખેર! સ્વાનુભવે લખવું પડે કે સુરત સ્થિત કોઇ બેંકમાં તમારું બેંક એકાઉન્ટ હોય તો ભારતભરની એટલે કે મુંબઇ, દિલ્હી અને કલકત્તાથી ખાતેદારને ફોન પર વિવિધ સ્કીમોની લાલચ આપતા ફોન આવે છે, ત્યારે ઘણા બધા ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
એક તરફ આરબીઆઇ ગ્રાહકને સતર્ક રહેવાની સલાહ આપે બીજી તરફ ખાતેદારનું નામ સરનામું ફોન નંબર, બેંકના ટ્રાન્ઝેકશનની માહિતી શા માટે બીજી બ્રાંચને મળવી જોઇએ? શા માટે અન્ય બ્રાન્ચ પરથી બેંકના ખાતેદાર પર ફોન જવો જોઇએ? વળી આ ફોન કરનાર બેંકના કોઇ જવાબદાર અધિકારી કરે છે કે ફ્રોડ વ્યકિત કરે છે? બેંકમાં મૂકેલ તમારી કમાયેલી નાની-મોટી રકમ ગમે ત્યારે પગ કરી જઇ શકે છે. આરબીઆઇ અને બેંકો તેની આ સિસ્ટમ બંધ કરે તે ખાતેદારના હિતમાં છે અને ગરબડ થાય તો તે શાખા જ તેના માટે જવાબદાર ઠેરવવામાં વાર લાગી ન શકે. આરબીઆઇ આ બાબતે ગંભીરતાથી વિચારશે.
સુરત -પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.