રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલી હોકીના જાદુગર એવા ધ્યાનચંદના નામે ચઢાવી વિવાદનો મધપૂડો છેડાયો છે. ધ્યાનચંદ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એ બંનેમાંથી કોઇનું પણ અવમૂલ્ય ન થઇ શકે. બંને પોતપોતાના ક્ષેત્ર વિશેષ હસ્તીઓ હતી. સદર એવોર્ડના નામની ફેરબદલી એક ગંદી રાજરમત છે. શું આ ઘટના રાષ્ટ્રભકત મહાન હોકી ખેલાડીના આત્મા માટે શાંતિપ્રેરક હશે ખરી? સન 1932 થી 1940 સુધીમાં ત્રણ વાર વિશ્વ ઓલિમ્પિકમાં હોકી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક વિજેતા રહી પોતાના ઉત્કૃષ્ટ દેખાવથી હોકી જાદુગરનું બિરુદ પ્રાપ્ત કરી સન 1980 સુધી ભારતીય હોકી ટીમને એમની પ્રેરણાથી ઓલિમ્પિક ચંદ્રકો પ્રાપ્ત થયેલ છે એવા મહાન ખેલાડીને સલામ! જર્મન સમ્રાટ હિટલરનાં પ્રલોભનોને ઠુકરાવી દેશનું ગૌરવ વધારેલ છે એવા ખેલાડીને રાજરમતનું પ્યાદું ન બનાવીએ. અલબત્ત એમની સ્મૃતિમાં હોકીને રાષ્ટ્રીય ખેલ જાહેર કરી ઉચ્ચ સ્તરે હોકી રાષ્ટ્રીય એકેડેમીની સ્થાપના દ્વારા ભાવિ ખેલાડીઓને હોકી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરીએ એ જ એમનું મરણોત્તર સાચું સન્માન છે.
22 મી ઓગસ્ટના રોજના ધ્યાનચંદ એવોર્ડ એક ઉત્તમ પગલું ચર્ચાપત્ર ધ્યાનચંદ જેવા ખેલાડીને ગૌરવ અપાવે એમ નથી. આવી માનસિકતાને તિલાંજલિ આપવી રહી. ગાંધી પરિવારના નામના એવોર્ડ કે અન્ય સ્થાનોના નામકરણ એ જે તે સમયની દેન છે. એક લીટીને ભૂંસીને બીજી લીટી કંડારવી એમાં મહાનતા નથી. એવું જ અમદાવાદના મોટેરા ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમને સ્થાને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામકરણ કરવામાં આવેલ છે અને સ્ટેડિયમના વિસ્તારને સરદાર પટેલ કોમ્પલેક્ષ આપી પ્રજાને રિઝવવાનો પ્રયાસ થયેલ છે. આ થકી નરેન્દ્ર મોદીને સરદાર પટેલથી વિશેષ દરજ્જો આંકવામાં આવેલ છે એ પણ રાજરમતનો જ ભાગ છે. આગામી સમયમાં આવી હરકતો વિશેષ જોવા મળે તો નવાઇ નહિ! બસ પ્રજાએ વિવેકભાન જાળવી સાચી સમજ કેળવે એ જ ઇચ્છનીય છે.
ઓંજલ -એલ. ડી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.