નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ઠાસરા તાલુકામાં જર્જરિત બનેલા બે પેટા આરોગ્ય કેન્દ્ર તોડવાની મંજુરી તેમજ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી મળેલી રૂપિયા ૧૭૫ કરોડની રકમ પૈકી જિલ્લા પંચાયતના ફાળે આવતી ૧૦ ટકા રકમમાંથી વિવિધ વિકાસના કામોનું આયોજન કરવા સહિત કુલ સાત કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યાં હતાં. જોકે, આ સભામાં બાલાસિનોરના ધારાસભ્યએ દાદાના મુવાડા જમીન કૌભાંડની યોગ્ય તપાસ નહી થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ખેડા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા સોમવારના રોજ બપોરે ૧ વાગે જિલ્લા પંચાયતના પટેલ હોલ ખાતે મળી હતી. ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી આ ખાસ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવેલા સાતેય કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યાં હતાં. જેમાં ખાસ ગણી શકાય તેવા કામો પૈકી ૧૫મા નાણાપંચ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૧ અને ૨૦૨૧-૨૨ દરમિયાન કુલ મળેલી ગ્રાન્ટના ૧૦ ટકા લેખે જિલ્લા કક્ષાની ગ્રાન્ટના જિલ્લા પંચાયત આયોજન સમિતી દ્વારા આયોજન કરેલા કામોને બહાલી આપવામાં આવી હતી.
તદુપરાંત ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના અજરપુરા અને આગરવા પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં ફેરવાયાં હોવાથી તેને તોડી પાડવાની મંજુરી આપવામાં આવી હતી. સભાના અંતે જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે કોરોના બાબતે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે જિલ્લા પંચાયતનું આરોગ્યતંત્ર સજ્જ છે. ત્યારે દરેક ગામોમાં ૧૦૦ ટકા વેક્સિનેશન પૂર્ણ થાય તે માટે જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ પ્રયત્નશીલ બનવું જોઈએ. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર, મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર, બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.