આણંદ : આણંદ અને વિદ્યાનગર પાલિકા દ્વારા લાંભવેલ ડમ્પીંગ સાઇટ ખાતે ટનબંધ કચરો ઠાલવવામાં આવે છે. આ કચરાને રિસાયકલ કરવા માટે ગયા વરસે પાલિકા દ્વારા રૂ.9 કરોડ જેવી માતબર રકમનું ટેન્ડરીંગ કર્યું હતું. જોકે, આ કામ રાખનાર કોન્ટ્રાક્ટરે માત્ર છ મહિના કામ કરી રૂ.3 કરોડ જેવી રકમ વસુલી ઉછાળા ભરી દેતાં સ્થિતિ જેમની તેમ થઇ ગઇ છે. બીજી તરફ આ કચરો સળગાવવામાં આવતાં આસપાસના રહિશોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયાં છે. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે અંતર્ગત આ કામ પાલિકાએ હાથ પર લીધું હતું. પરંતુ તેમાં મોટા પાયે ખાયકી થઇ હોવાની શંકાઓ ઉઠી છે.
આણંદ શહેરના લાંભવેલ ખાતે આવેલી ડમ્પીંગ સાઇટ પર દરરોજ ટન બંધ કચરો આણંદ અને વિદ્યાનગર પાલિકા દ્વારા ઠલવવામાં આવે છે. આ કચરાનો નિકાલ થાય અને પર્યાવરણને પણ નુકશાન ન થાય તે માટે સરકાર દ્વારા તે રિસાયકલ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ દરમિયાન અમદાવાદની એક કંપની સાથે એક વર્ષનો કોન્ટ્રાક્ટર કરવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરેને 30 લાખ ટન કચરો સાફ કરવાનો હતો. જોકે, બાદમાં કોરોના સહિત વિવિધ મુશ્કેલીઓ ઉભી થતાં કોન્ટ્રાક્ટર છ મહિનામાં ફક્ત ત્રણ લાખ ટન જ કચરો સાફ કરી શક્યો હતો.
આમ છતાં પાલિકા દ્વારા તેને રૂ. ત્રણ કરોડ ચુકવી દેવામાં આવ્યાં હતાં. બીજી તરફ સરકાર દ્વારા પણ ગ્રાન્ટ બંધ થતાં આ પ્રોજેક્ટ લટકી ગયો હતો. તે ફરી ક્યારે શરૂ થશે ? તે પાલિકાના સત્તાધિશો માટે પણ જવાબ નહતો. આથી, કોન્ટ્રાક્ટર તેના સરસામાન લઇ પરત જતો રહેતાં તેનું બાળમરણ થયું છે. પાલિકાએ રૂ. ત્રણ કરોડ જેવી જંગી રકમ ચુકવી છતાં પરિણામ શૂન્ય જ રહ્યું હતું. આ વિશે આણંદ નગરપાલિકાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉની નગરપાલિકાના વહીવટકર્તાઓ દ્વારા આ પ્રોજેક્ટ હેન્ડલ કરવામાં આવતો હતો. તેથી તમને તેના વિશે ખબર નથી.
મશીન દ્વારા ત્રણ પાર્ટમાં કચરો છૂટો પાડવામાં આવતો હતો
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં વપરાયેલા મશીન દ્વારા કચરાને સૌથી ઝીણો, મીડિયમ અને સૌથી મોટો એમ ત્રણ ભાગમાં છૂટો પાડવામાં આવતો હતો. સૌથી ઝીણા કચરાને રસ્તા પર થયેલા નાના ખાડા પૂરવામાં, મીડિયમ સાઇઝના કચરાને મોટા ખાડા પુરવામાં તથા ડામર બનાવવામાં અને સૌથી મોટા કચરાને સિમેન્ટ બનાવવામાં ઉપયોગ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.