આણંદ : ‘૨૧મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે તેમ છે. ૨૧મી જ્ઞાનની સદીમાં જે શિક્ષિત હશે તે જ જગત પર રાજ કરી શકશે.’ તેમ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રવિવારે આણંદના બાકરોલ ખાતે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન કાર્યક્રમમાં જણાવ્યું હતું. જોકે, આ કાર્યક્રમમાં ગૃહમંત્રીએ ગંભીર ટકોર પણ કરી હતી કે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં જો શિક્ષક ટેકનોલોજીથી સંપૂર્ણ સજજ થવું પડશે. કારણ કે વિદ્યાર્થી ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી જ્ઞાન મેળવી લેશે. બાળકો સામે પૂરતી તૈયારીઓ સાથે જવાથી અસરકારકતા વધશે.
આણંદના બાકરોલ ગામે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 16 મળી કુલ 20 શિક્ષકોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે પ્રદીપસિંહએ જણાવ્યું હતું કે, ચારિત્ર્યવાન નાગરિકોનું નિર્માણ કરતાં શિક્ષકો અભિનંદનના અધિકારી છે. વિદ્યાર્થીઓની કારકીર્દિને યોગ્ય દિશાદર્શન કરાવતા શિક્ષકો રાષ્ટ્રની પ્રગતિનો પંથ નિર્માણ કરે છે. મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં શિક્ષકોનું બહુમુલ્ય પ્રદાન રહેવાની સાથે સમાજનું ઘડતર કરવાનું કામ શિક્ષકો કરી રહ્યા હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણમાં એકસેસ, ઇકવીટી, કવોલિટી, ફેકસીબીલીટી જેવા પાયાના સિધ્ધાંનતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના સર્વાંગ વિકાસ તરફ સરકાર આગળ રહી છે. આ ઉપરાંત તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે ભરેલાં પગલાની છણાવટ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબહેન પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કલબહેન ઠાકોર, જિલ્લા પોલીસ વડા અજીત રાજિયન, અગ્રણી વિપુલભાઈ પટેલ, મયુરભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.ડી. દેસાઇ, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકો, જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો, શિક્ષિકાઓ વગેરે હાજર રહ્યાં હતાં.