સુરત: (Surat) સુરત માટે દરિયાકિનારાનું એકમાત્ર સ્થળ મનાતા ડુમસમાં (Dumas) દર શનિ-રવિવારે આશરે એક લાખ કરતાં પણ વધુ લોકો ફરવા માટે આવે છે. તેમાંથી કેટલાક ખોટા ધંધા પણ કરી રહ્યાં છે. ડુમસ પોલીસ (Police) પાસે એક લાખ કરતાં પણ વધુ સહેલાણીઓ પર નજર રાખવા માટે મોટો સ્ટાફ નથી એટલે ડુમસના પીઆઈ એ.પી.સોમૈયાએ નવો નુસ્ખો શોધી કાઢ્યો છે. તેમણે ડુમસ બીચથી શરૂ કરીને તેમની હદ વિસ્તારમાં આવેલા ૨૦૦થી વધારે લારી-ગલ્લાવાળા અને એક હજારથી વધારે ફાર્મ હાઉસના સિક્યોરીટી ગાર્ડને (Security Guard) પોલીસની ત્રીજી આંખ બનાવ્યા છે.
શહેરના ટુરિઝમપ્લેસ ડુમસમાં પોલીસનું માત્ર ૫૦ કર્મચારીઓનું મહેકમ છે. જેમાંથી માત્ર 47 કર્મચારીઓ હાજર છે. આ કર્મચારીઓ દ્વારા ડુમસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી રહ્યા છે. પરંતુ ડુમસ પોલીસની હદમાં અઢીથી ત્રણ લાખની વસ્તી છે. ડુમસ ટૂરિઝમ પ્લેસ હોવાથી ત્યાં દર અઠવાડિયે લાખોની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવામાં ડુમસ પોલીસના 47 કર્મચારીઓ કાયદો વ્યવસ્થા કઈ રીતે જાળવે તે ખરેખર મોટો પ્રશ્ન છે.
જેને કારણે ડુમસના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ વિસ્તારમાં આવેલા તમામ લારી-ગલ્લા અને ફાર્મ હાઉસના સિક્યુરિટીગાર્ડને ખાનગી પોલીસ બનાવી દેવાઇ છે. આ તમામ વેન્ડરો અને સિક્યુરિટીગાર્ડ કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ જો જણાય કે કોઇપણ શંકાસ્પદ હરકત તેમના ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને ફોન કરી જાણ કરે છે. પીઆઇ દ્વારા તમામ ૨૦૦થી વધારે વેન્ડરો અને સિક્યુરિટી ગાર્ડને મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. જેના પર સંપર્ક કરતાં જ પોલીસ પાંચથી દસ મિનિટમાં સ્થળ પર પહોંચી જાય છે અને કોઈ પણ મોટી ઘટના બનતા અટકાવી દેવાય છે.
વીકએન્ડમાં 1 લાખ લોકોનું કંટ્રોલ માત્ર 20 પોલીસ કર્મચારીઓને જ ફિલ્ડમાં મોકલી શકાય છે
ડુમસ પોલીસ ઇન્સપેક્ટરે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર સાહેબ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં પોલીસની ઘટ સામે પહોંચી વળવા નવો પ્રયાસ કરાયો છે. ડુમસ પોલીસ સ્ટેશનમાં 46 માંથી 20 પોલીસ કર્મચારી એવા છે જેમને ફિલ્ડમાં મુકી શકાય છે. બાકી સ્ટાફ પોલીસ સ્ટેશન પર રહેવો જરૂરી છે. આવામાં વીકએન્ડમાં એક લાખ લોકોનું કંટ્રોલ 20 પોલીસ કર્મચારીએ કરવાનું હોય છે. જે ખરેખર અઘરું બની રહે છે. જેથી સ્થાનિક લારી ગલ્લાવાળા લોકોને વિશ્વાસમાં લઈને તેમને ખાનગી પોલીસ બનાવી છે. જે પોલીસને તેમની આસપાસની તમામ હરકતો ઉપર નજર રાખીને જાણ કરી રહી છે. જેથી ડુમસની હદમાં કોઈ પણ વ્યક્તિ કઈપણ ખોટું કરતા વિચારે.
લોકડાઉન બાદ અનેક વેન્ડરોને મદદરૂપ થયા
લોકડાઉન બાદ ઘણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. ત્યારે ડુમસ પીઆઈ અંકિત સોમૈયાએ ડુમસમાં ઘણા લારી ગલ્લાવાલાને ફરી પગ ઉપર ઉભી રહી શકે તે માટે મદદરૂપ થયા છે. તેમને વેપારીઓ પાસેથી માલ અપાવી ફરી પગભર કરવા પ્રયાસ કર્યો છે.