SURAT

સુરત મનપાની જમીનો પર કબજો જમાવતા તત્વો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માંગ

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Corporation) ખાતે દર માસ યોજાતી ધારાસભ્યો, સંસદસભ્યો અને મનપાના અધિકારીઓ વચ્ચે યોજાતી સંકલન મીટીંગમાં વધુ એક વખત આડેધડ દબાણો, અશાંતધારાના અમલમાં મનપાની ઢીલીનીતિ, મનપાની જમીનો પર દબાણો વગેરે મુદ્દે વહીવટીતંત્રનો કાન ધારાસભ્ય પુર્ણેશ મોદી, અરવિંદ રાણા અને વિનોદ મોરડીયાએ આમળ્યો હતો. તેમજ મનપા તંત્રને અશાંતધારા કાયદાનો (Law) કડક અમલ માટેની વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી. જેને પગલે મ્યુનિ.કમિ.એ ફક્ત અશાંતધારાના અમલીકરણ માટે આગામી ગુરૂવારે મનપાના ઉચ્ચાધિકારીઓ તથા સંલગ્ન ધારાસભ્યો સાથે સંયુક્ત બેઠક યોજવાની જાહેરાત કરી હતી.

સુરતમાં ખાસ કરીને સેન્ટ્રલ, લિંબાયત અને રાંદેર ઝોનના ઘણા વિસ્તારો અશાંતધારા હેઠળ આવે છે. તાજેતરમાં સરકારે તેની મુદ્ત વધુ પાંચ વર્ષ માટે લંબાવી પણ છે પરંતુ કબજા રસીદ અને અન્ય દસ્તાવેજ રજૂ કરીને વેરાબિલમાં નામ ફેર કરવા અને મિલકતોની (Property) લે-વેચ થઇ જતી હોવાથી અશાંતધારાનો કાયદો લુલો બની ગયો હોય તેમ લાગી રહ્યુ છે. જેને કારણે મનપા સાથેની સંકલન બેઠકમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને અરવિંદ રાણાએ પણ મનપા તંત્રને અશાંતધારાનાનિયમોનું કડક પાલન કરવાની માંગ કરી હતી. ધારાસભ્ય અરવિંદ રાણાની માંગને ધ્યાને રાખીને અશાંતધારા કાયદાના અમલ બાબતે જ સંયુક્ત બેઠક આગામી ગુરૂવારે યોજવાની તૈયારી બતાવી હતી.

પૂર્ણેશ મોદીએ રસ્તાઓ પર થતાં મોટાભાગના દબાણો શાકભાજી ફૂટવક્રેતા અને પાથરણાંવાળાઓના હોવાથી આ અંગે નવી પોલિસી બનાવવાનું સૂચન કર્યુ હતું. જે તે ઝોનમાં લગભગ બધાં જ રોડો પર આડેધડ દબાણ થતાં હોવાથી કેટલાંક ચોક્કસ પોકેટ રોડ નક્કી કરી ત્યાં શાકભાજી-ફૂટ વિક્રેતાઓ માટે વ્યવસ્થા કરવાનું સૂચન કરાયુંહતું. ઉપરાંત કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયાએ આડેધડ દબાણો અને ખાસ કરીને જીલાની કોમ્પલેક્ષ બ્રિજ નીચે બની ગયેલા ગેરેજો હટાવવા મુદ્દે તંત્રનો કાન આમળ્યો હતો.

મનપાની જમીન પર કબજો કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરો : અરવિંદ રાણા
શહેરમાં અનેક જગ્યાઓ એવી છે કે જે મનપાની માલિકીની હોવા છતા તેના પર ત્રાહીત લોકોનો કબજો છે. ખાસ કરીને મનપાની અનામત જગ્યામાં અસામાજિક તત્વો દ્વારા કબજો થતો હોય જે મુદ્દે તંત્રની બેદરકારી પણ જવાબદાર હોવાની નારાજગી વ્યકત કરી સંકલનની મીટીંગમાં સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મનપાની જમીન પર કબજો કરનારા લોકો સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવા માંગ કરી હતી. આ રજૂઆતને પગલે મનપા મિશનરે તમામ ઝોનના વિભાગીય વડાને આવા કિસ્સાઓમાં ગંભીરતા દાખવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગને મનપાની માલિકી, રીઝર્વેશન હેઠળની જગ્યાઓ પર થયેલાં કબજા/દબાણ બાબતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા તમામ ઝોનોને સૂચના આપતો પરિપત્ર તૈયાર કરવાની પણ તાકીદ કરી છે.

વરાછા વિસ્તારમાં બંધ હાઇટેનશન લાઈન અને ટ્રાન્સફોર્મર દૂર કરો : વી.ડી.ઝાલાવડીયા
મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાએ રજૂઆત કરી હતી કે તેમના વિસ્તારમાં ઝીરો રૂટ પર દબાણો થઇ રહ્યા છે . જે તાત્કાલિક દૂર કરવામાં આવે. આ ઉપરાંત તેમના વિસ્તારમાં બીઆરટીએસ અને સર્વિસ રોડ પર પણ દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. જે પણ તાત્કાલિક હટાવી બીઆરટીએસ રોડ અને સર્વિસ રોડ પણ ખુલ્લા કરવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેમને વિસ્તારમાં માતૃશક્તિ સોસાયટી પાસે લાંબા સમયથી હાઇટેનશન લાઈન બંધ હાલતમાં છે. જો તે લાઈન કઈ કામમાં ન આવતી હોય તો તેને પણ તાત્કાલિક હટાવવા રજૂઆત કરી છે. આ ઉપરાંત ટ્રાફિકને નડતરરૂપ ટ્રાન્સફોર્મર પણ હટાવવા રજૂઆત કરી છે.

ઓવરબ્રિજ નીચે દુકાનો મુદ્દે સેન્ટ્રલ ઝોનના ગાયત્રી જરીવાલાને ધારાસભ્યએ આડેહાથ લીધા
ધારાસભ્ય વિનુ મોરડીયાએ વેડ દરવાજા કતારગામ ફ્લાયઓવર બ્રિજ નીચે કેટલાક લોકો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવે છે. લોકો દ્વારા ઓવરબ્રિજ નીચેના ખાલી ભાગમાં ગેરેજ અને દુકાનો ખોલી દેવામાં આવી છે. તે મુદ્દે જવાબ માંગતા સેન્ટ્લ ઝોનના વડા ગાયત્રી જરીવાલાએ જવાબ આપવામાં આવ્યો હતો કે બે વાર દુકાનો હટાવવા છતાં દુકાનો ફરી શરુ કરી દીધી છે. જેથી વિનુ મોરડિયાએ તેને આડે હાથ લીધા હતા તેમજ જો બે વાર હટાવવા છતાં પણ ફરી દબાણ કરતા હોય તો આવા લોકો સામે ફોજદારી દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અમરોલીથી આગળ સાયણ ચેકપોસ્ટ પાસે છેલ્લા લાંબા સમયથી ક્રિભકો કંપનીની રેલ્વે લાઈન પર ફાટક પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. જોકે તે કામ ખુબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે ભારે ટ્રાફિક જમણી સ્થિતિ ઉભી થાય છે. હાલમાં આ કામ બંધ હાલત જેમ છે. જેથી ઝડપથી કામ ચાલુ કરી પૂર્ણ કરવામાં આવે. જેનાથી કતારગામ, જહાંગીરપુરા, અડાજણ અને પાલ તરફ આવતા લોકોને રાહત થાય.

સ્માર્ટ સીટીના વીઆઇપી રોડ પર ડુકકરનો ત્રાસ સાત વર્ષની રજુઆતની કોઇ અસર નહી : ઝંખના પટેલ
ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલે ઉગ્ર રજુઆત કરતા જણાવ્યું હતુ કે એક બાજુ સુરત સ્માર્ટ સિટી હોવાનો દાવો થઇ રહ્યો છે. પરંતુ વીઆઇપી રોડ જેવા વિસ્તારમાં પણ ડુકકરોનો ત્રાસ ચરમસીમાએ છે. સાત વર્ષથી હું ધારાસભ્ય તરીકે સતત ફરિયાદ કરું છું પરંતુ તેનો કોઇ હલ આવતો નથી. તો સ્માર્ટ સિટી કેવી રીતે કહી શકાય. જો કે આ મુદ્દે અધિકારીઓએ લાચારી દર્શાવતા કહ્યું હતું કે ડુકકર પકડનારી એજન્સીઓ હવે કામ કરવા તૈયાર જ નથી અને જંગલખાતુ પણ તેને જંગલમાં છોડવા મંજૂરી આપતું નથી.

Most Popular

To Top