SURAT

સુરતના સ્ટેટ GSTના ડે.કમિ. સહિત ચાર વ્યક્તિઓની આ મામલે ધરપકડ

સુરત: (Surat) જીએસટી (GST) રિટર્ન ભર્યા નહીં હોવાથી બંધ થઈ ગયેલા જીએસટી નંબરને ફરી ચાલુ કરાવવા માટે રૂપિયા એક લાખની માંગણી કરનાર સ્ટેટ જીએસટી વિભાગના ડે.કમિ.ને પકડી લઈ એસીબીએ (ACB) મોટી સફળતા મેળવી હતી. એસીબીએ ડે.ક.મિ. નરસિંહ પાંડોરની સાથે સાથે ટેક્ષ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં વકીલ કિશોર કાંતિ પટેલ તેમજ કિશોર પટેલની ઓફિસના બે કર્મચારી ધર્મેશ ગોસ્વામી તેમજ વિનય પટેલની પણ ધરપકડ કરી હતી.

એસીબીના જણાવ્યા પ્રમાણે, લાંચની (Bribery) ફરિયાદ કરનાર ભાગીદારી પેઢી દ્વારા વર્ષ 2015-16માં જીએસટીના રિટર્ન ભરવામાં આવ્યા નહોતા. જેને કારણે તેનો જીએસટી નંબર બંધ થઈ ગયો હતો. પેઢી દ્વારા જીએસટી નંબર ફરી ચાલુ કરાવવા માટે સ્ટેટ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા ડે.કમિ. નરસિંહ પાંડોરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નરસિંહ પાંડોરે વકીલ અને ટેક્ષ કન્સલ્ટન્ટ કિશોર કાંતિ પટેલનો સંપર્ક કરવા અને પોતાનું નામ કહી ફાઈલ તૈયાર કરવા માટે કહ્યું હતું. ભાગીદાર વકીલ કિશોર પટેલને મળતાં કિશોર પટેલે જીએસટી નંબર ચાલુ તો થઈ જશે પરંતુ તેના માટે રૂપિયા બે લાખની લાંચ આપવી પડશે તેમ જણાવ્યું હતું. ભાગીદારે વકીલ કિશોર પટેલ પાસે ફાઈલ તૈયાર કરાવી હતી અને જીએસટી વિભાગમાં સબમિટ કરાવી દીધી હતી.

ભાગીદારે લાંચ પેટે પહેલા 50 હજાર રૂપિયા આપી દીધા હતા અને વકીલ કિશોરને એવું કહ્યું હતું કે, બાકીના 1.50 લાખમાંથી ઓછું કરાવી આપો. આ રકઝકમાં આખરે વકીલ કિશોર કાંતિ પટેલ અને ડે.કમિ. નરસિંહ પાંડોરે છેલ્લે એક લાખમાં સેટિંગ કર્યું હતું. તેમાં પણ ડે.કમિ. પાંડોરે એવું કહ્યું હતું કે, જેટલું ઝડપથી વકીલ કિશોર પટેલને પેમેન્ટ જમા કરાવશો તેટલા ઝડપથી નંબર ફરી શરૂ થઈ જશે. જેથી ભાગીદારે એસીબીનો સંપર્ક કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ભાગીદારે વકીલ કિશોર પટેલ સાથે વાતચીત કરી વકીલની અડાજણ, એલપી સવાણી રોડ પર ટીજીબી હોટલની સામે વુડ સ્ક્વેરમાં આવેલી 313 નંબરની ઓફિસમાં તેને એક લાખની લાંચ આપી દીધી હતી.

આ એક લાખની લાંચની રકમ લઈને કિશોર પટેલના બંને કર્મચારી ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલ દ્વારા ડે.કમિ. નારસિંહ પાંડોરને પહોંચાડવામાં આવી હતી. ડે.કમિ. પાંડોર દ્વારા વકીલ કિશોર પટેલને લાંચની રકમ મળી ગયાની ખાતરી પણ આપી હતી. જેને પગલે એસીબીએ વકીલ કિશોર પટેલની ઓફિસમાંથી જ વકીલ કિશોર પટેલ તેમજ બંને ટાઉટ ધર્મેશ મનહરગીરી ગોસ્વામી અને વિનય હરીશ પટેલને પકડી લીધા હતા. એસીબીએ બાદમાં ડે.કમિ. નરસિંહ પાંડોરને તેની નાનપુરા, બહુમાળી બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાંથી પકડી લીધો હતો અને એસીબી કચેરીએ લાવી તેની સઘન પુછપરછ શરૂ કરી હતી

પકડાયેલા લાંચીયાઓ
(૧) નરસિંહભાઇ સરદારભાઇ પાંડોર, નાયબ રાજ્ય વેરા કમિશ્નર, બહુમાળી બિલ્ડીંગ, સી-બ્લોક, નાનપુરા, સુરત વર્ગ- ૧
(૨) કિશોરચંદ્ર કાંતીલાલ પટેલ,વકીલ અને ટેક્ષ કન્સલટન્ટ, રહે. સુરત
(૩) ધર્મેશ મનહરગીરી ગોસ્વામી રહે. સુરત (ટાઉટ)
(૪) વિનય હરીશભાઇ પટેલ, રહે. સુરત (વકિલ કિશોર પટેલનો કર્મચારી)

સ્ટેટ જીએસટીમાં ટેકસ કન્સલટન્ટો ટાઉટની કામગીરી કરી રહ્યા છે
સ્ટેટ જીએસટીમાં ડેપ્યુટી કમિશનર દ્વારા બે લાખ રૂપિયા એક નંબર એકટિવ કરવા માટે માંગવામાં આવ્યા તેને વાસ્તવમાં આ રૂટિન પ્રેકટીસ માનવામાં આવે છે. સ્ટેટ જીએસટીમાં ડેપ્યુટી કમિશનરોની ઇન્કમ મહિનાની વીસ લાખથી વધારે હોવાનુ અનુમાન છે. તેમાં લાખ્ખો રૂપિયાના આ ખેલમાં હવે ટેકસ કન્સલટન્ટો ટાઉટની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું એસીબીએ ટ્રેપ કરીને સાબિત કરી નાંખ્યું છે. એસીબીની આ ટ્રેપ એનએસગોહિલના માર્ગદર્શનમાં પીઆઇ એસએનદેસાઇ તથા શ્રીમતી એ.કે. ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top