એક એક્સપર્ટ ઓટોમોબાઇલ એન્જીનીયરે કારની કંપનીના વર્કશોપમાં એક નવી ડિઝાઈનની ખૂબ જ ઝડપી કારનું મોડલ બનાવ્યું.તેની વર્ષોની મહેનત રંગ લાવી હતી અને બધા બહુ ખુશ હતા.કંપનીના બોસ ખૂબ ઉત્સાહી હતા. તેમણે તરત જ કારનું મોડલ માર્કેટમાં મૂકવાની તૈયારી શરૂ કરવા કહ્યું.તૈયારીઓ થઈ ગઈ.કારને પહેલી વાર માર્કેટમાં પબ્લિક સમક્ષ મૂકવાનો દિવસ આવી ગયો. કારને વર્કશોપની બહાર લઇ જવાના થોડા કલાક પહેલાં એક એવી મુશ્કેલી ધ્યાનમાં આવી, જે અત્યાર સુધી કોઈના પણ ધ્યાનમાં આવી ન હતી.જે વર્કશોપમાં કાર હતી તેનો દરવાજા કરતાં કારની ઊંચાઈ માત્ર દોઢ ઇંચ જેટલી વધારે હતી.એટલે કાર બહાર કાઢવી કઈ રીતે તે પ્રશ્ન થયો.બધા વિચારમાં પડી ગયા.વર્કશોપના મેનેજરે કહ્યું, ‘કાર ધીમેથી બહાર કાઢી લો.કારની છત પર થોડા સ્ક્રેચ થશે અને રંગ ઉખડશે, વધારે કંઈ નહિ થાય. કાર બહાર નીકળી જશે પછી છત પર રંગ પાછો કરી લેશું.’ કારના એન્જિનિયરને આ સુઝાવ ન ગમ્યો. તેણે કહ્યું, ‘ નવી કાર પર સ્ક્રેચ પડે તેના કરતાં આપણે વર્કશોપનો દરવાજો થોડો તોડી નાખીએ એ તો પછી પણ બની જશે.’
બોસને આ બન્ને ઉપાય ન ગમ્યા હતા કારણ કે તેમને કોઈ જાતનું નુકસાન કરવું ન હતું.બોસે ત્યાં હાજર રહેલા બધાને કહ્યું, ‘કૈંક વિચારો, એવો ઉપાય ગોતો કે કોઈ નુકસાન વિના આપણે આ કારને સહેલાઈથી બહાર કાઢી શકીએ.’ વર્કશોપના દરવાજા પાસે ઊભેલો વોચમેન ક્યારનો આ બધી વાત સાંભળી રહ્યો હતો,તે અંદર આવ્યો અને બોસને પૂછ્યું, ‘સર, તમે રજા આપો તો હું એક સુઝાવ આપું?’ બધા અંદર અંદર હસવા લાગ્યા કે અહીં હાજર એક્સપર્ટસ કોઈ ઉપાય શોધી નથી શક્યા અને આ સામાન્ય વોચમેન ઉપાય બતાવશે.
બોસ બોલ્યા, ‘શું સુઝાવ છે?’ વોચમેને કહ્યું, ‘સર, મેં બધું જોયું છે, કાર દરવાજા કરતાં દોઢ ઇંચ જ ઊંચી છે એટલે જો કારને દરવાજા નજીક લાવી પછી તેના ટાયરની હવા કાઢી લઈને તેને ધીમેથી બહાર કાઢવામાં આવે તો કારની છત પર સ્ક્રેચ પડશે નહિ અને કાર બહાર આવી જશે.પછી ટાયરમાં પાછી હવા ભરી શકાશે. દરવાજો તોડવાની પણ જરૂર નહિ પડે.’ આ સુઝાવ સાંભળીને કાર એન્જિનિયરે ખુશ થઈ તાળી પાડી.બધાને નવાઈ લાગી કે સામાન્ય વોચમેને કેટલો સરળ ઉપાય બતાવ્યો.બોસે વોચમેનને પ્રમોશન અને ઈનામ આપ્યું.
ક્યારેક સામાન્ય વિચારો અને સામાન્ય બુદ્ધિથી વિચારવાથી મોટી મુશ્કેલીનો સરળ ઉપાય મળી શકે છે. અને આ વાતને જીવન જીવવાના પાઠ સાથે જોડીએ તો જીવનમાં જયારે અભિમાનની હવા ભરાય છે ત્યારે સંબંધોના દરવાજા તોડવાનો સમય આવે છે અથવા સંબંધો પર ગેરસમજણ કે અણગમાના લીસોટા પડે છે.એવું ન થાય તે માટે મગજમાં ભરાયેલી અભિમાનની હવા થોડી કાઢી નાખીએ અને થોડા નમીને ચાલીએ તો જીવન સંબંધો જળવાઈ રહે છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.