Comments

વીંછીનો દાબડો ખુલશે!

ભારતના ભાગલા ભૂલી જવાનું મુશ્કેલ પણ યાદ કરવાનું ભયંકર હતું એમ જાણીતાં લેખિકા કૃષ્ણા સોબતીએ ઘણા વખત પહેલાં કહ્યું હતું, પણ કાયમ સંબધ્ધ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 14 મી ઓગસ્ટે એટલે કે પાકિસ્તાનના આઝાદી દિને ‘વિભાજન વિભીષિકા દિન’ તરીકે મનાવવાની જાહેરાત કરી પછી તેનું મહત્ત્વ વધે છે. સોબતી જેવી વ્યકિતના અંગત આધારનો જાણે જવાબ આપતા હોય તેમ મોદીએ ટવીટ દ્વારા વધુ એક નિરીક્ષણ કર્યું કે વિભાજનની પીડા કયારેય નહીં ભૂલી શકાય. અવિચારી ધિક્કાર અને હિંસાને કારણે લાખ્ખો લોકોને ઘરબાર છોડવાં પડેલાં અને અન્ય અસંખ્ય લોકોના પ્રાણ ગયા હતા. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન આપણને સામાજિક વિભાજનનું ઝેર દૂર કરવાની યાદ અપાવશે. વિસંવાદિતા દૂર કરવાની યાદ અપાવશે અને એકતા અને સામાજિક સંવાદિતા તેમ જ માનવસશકિતકરણને મજબૂત કરશે.

મોદીએ બહુ વાસ્તવિક નિરૂપણ કર્યું છે. કમસેકમ જે લોકો આ વિભીષિકાનાં સાક્ષી હતાં તેઓ અને તેમની ભાવિ પેઢીમાંથી કોણ વિભાજનની પૈશાચિક વાતો ભૂલી શકશે? પણ મૂળ મુદ્દો એ છે કે ભયાવહ ઘટનાઓને યાદ કરી કરીને અને એક પ્રસંગ તરીકે દર વર્ષે મનાવી પેઢી દર પેઢી લઇ જવી જોઇએ? કઇ રીતે અને કઇ સાવધાનીથી? વડા પ્રધાનની જાહેરાતને જ જાણે આગળ વધારતા હોય તેમ ગૃહ પ્રધાને એક જાહેરનામું પ્રગટાવ્યું જેમાં જણાવ્યું હતું કે ભારતનાં લોકો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવતી વખતે ભારતના વિભાજન વખતે પોતાના જીવનનું બલિદાન આપનારાએ પુત્ર-પુત્રીઓને સલામ કરશે. આ જાહેરનામાની ભાવનાનું અક્ષર અને ભાવનામાં જ પાલન થવું જોઇએ, બીજી કોઇ રીતે નહીં.

આ જાહેરાતનો મતલબ શું છે? ભારતીય ઉપખંડમાં વિભાજનના આઘાતમાં અનેક પેઢીઓ રહી છે અને તેની યાદ સંપૂર્ણ ભૂંસી શકવાની નહીં તો ભૂલી જવાની કોશિશ કરી રહી છે અને અત્યારે વડા પ્રધાન માટે આ બધું યાદ કરવાને કોઇ કારણ નથી. પડોશી દેશ સાથેના ઉબડખાબડ સંબંધો સુધારવાની કોશિશ વચ્ચે તેના જ આઝાદી દિન સાથે તેને સાંકળવાનો શું મતલબ?

પોતાના જ શપથ વિધિ સમારંભમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને નોતરું આપવાની 2014 ની અને પછી અફઘાનિસ્તાન જતાં લાહોરમાં શરીફના ઘરે અતિથિ બનવાની પોતાની ચેષ્ટા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવી રીતે ભૂલી શકે? મોદીના પાકિસ્તાન પ્રત્યેના કડક વલણ સામે આ ચોક્કસપણે આવકાર્ય ચેષ્ટા હતી. પાકિસ્તાને વળતો વ્યવહાર કરી ઉદાત્ત ભાવના નહીં બતાવી એ જૂદી વાત છે. પાકિસ્તાન છેલ્લા સાત દાયકાથી ભારત સાથે સખણું નથી રહ્યું અને ઉત્પાત મચાવતું રહે છે અને ભારત સાથે ત્રણ વાર યુદ્ધે ચડયું છે અને કાશ્મીરના અજંપામાં પણ તે જ મુખ્ય કર્તા છે એ પણ કબૂલ છતાં તેને કારણે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન મનાવવાને કારણ નથી મળતું કારણ કે તે ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને તેનાં ગંભીર પરિણામ આવશે.

સરહદની બંને બાજુ વિભાજનની આઘાતજનક ઘટનાઓ અને તેને પરિણામે હિજરત નજરે જોનાર લેખિકા કૃષ્ણ સોબતીનું નિરીક્ષણ મહત્ત્વનું છે. તેઓ આ પીડા જીવ્યાં છે અને તેમની ટપકતી રહી છે. તેઓ અત્યારે પાકિસ્તાનના પંજાબના ગુજરાતમાં જન્મ્યાં હતાં. પણ તેથી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન મનાવવા માટે કંઇ વાજબીપણું નથી. ખાસ કરીને વિભાજનની પીડા સૌથી ખરાબ માનવીય જંગાલિયત સાથે સંકળાયેલી છે ત્યારે તેને કયારેય નહીં? એ પણ હકીકત છે કે બંને બાજુએ જુદી જુદી કોમોએ જુલ્મો આચર્યા છે અને સહન કર્યું છે. માનવતાને સહેવું પડયું, ભૌગોલિક નકશા બદલાયા, પણ સમાધાન અને શાંતિનું વાતાવરણ સર્જવા તમામ પક્ષકારોને એક સરખો દોષ દેવો જોઇએ.

ગૃહ મંત્રાલયે આપેલા જાહેરનામામાં આ દિન પાછળનું જે ધ્યેય આપ્યું છે તેનાથી અલગ જ શબ્દ વિભીષિકા એટલે કે ભયાનકતા શબ્દ વપરાયો છે તે મગજમાં બેસતો નથી. કાળા વાદળમાં રૂપેરી કિનાર દેખાય છે પણ વિભીષિકા શબ્દ આપી હકારાત્મકતાને કચડી નાંખે છે. આ દિન કઇ રીતે મનાવવો જોઇએ તેની માર્ગદર્શિકા પણ ગૃહ મંત્રાલયના જાહેરનામામાં આવવી જોઈતી હતી જેથી તે જાહેરનામાની જોગવાઇઓનો દુરુપયોગ નહીં થાય. સવાલોનો સવાલ એ છે કે આ બધો વ્યાયામ શા માટે? કોમી હોળીમાં જાનમાલ ગુમાવનારાઓનાં સ્વજનોના ઘા પર મીઠું ભભરાવવાનો છે? 1947 ની એ ભયાનકતાને યાદ કરવા કે તેને ભવ્યતા આપવા પાછળ કોઇ વાજબીપણું નથી. કોમી છાંટ સાથે ભળેલા અતિરાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ આધારિત મોદીના કટ્ટર વલણથી તેને અલગ પાડવાનું અશકય છે અને ભારતના વિભાજનની ઘટનાઓ તે ભાવનાને ખાતર આપે છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ આવે છે અને ભારતીય જનતા પક્ષ ‘રામ મંદિર’ના નિર્માણ સાથે ધર્મની ધજા લઈને ફરે છે ત્યારે ભૂતકાળનાં જઘન્ય કૃત્યોને તાજાં કરવાના રાજકારણને બેઠું કરવાનો ઉપક્રમ લાગે છે. જુદા જુદા સ્તરે આ દિન મનાવવા પાછળનો હેતુ બાબતમાં જાગૃતિ આણવાનો પ્રયાસ થાય છે. વિભાજનના અભ્યાસની ઇતિહાસકાર શ્રીમતી સાઝ અગરવાલે એવો વાંધો ઉઠાવ્યો છે કે વિભાજનની હોનારતમાં સહન કરનાર અવિભાજીત ભારતના દરેક ભારતીયનું અપમાન કરવાનો આ પ્રયાસ છે. આ દિવસ મનાવવાથી જ્ઞાતિ, વંશ અને ધર્મ આધારિત જુદા જુદા પ્રત્યાઘાત પડશે અને તેથી વીંછીનો દાબડો ખુલશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top